GSTR 3B માં ક્લેઇમ કરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અને GSTR 2A ના તફાવતના કારણે ઊભી કરવામાં આવેલ ડિમાન્ડ ઉપર સ્ટે ફરમાવતી છત્તીસગઢ હાઇકોર્ટ
તા. 03.07.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ વેચનાર જ્યારે સરકારમાં ટેક્સ જમા ના કરાવે અને પોતાના વેચાણ અંગેની વિગતો જી.સ.ટી. પોર્ટલ ઉપર અપલોડ ના કરે તો ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવાની સત્તા અધિકારીને આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો જો ખરીદનારના 2A માં વેચનારની વિગતો જો દર્શાવતી ના હોય તો તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેને મળવા પાત્ર નથી. આ નિયમ ખરીદનાર માટે ક્યારેક ખૂબ ગંભીર મુશ્કેલી ઊભી કરી આપે છે. કરદાતા ના GSTR 2A માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઓછી દર્શાવતી હોવાના કારણે ભારત એલ્યુમિનિયમ કંપની ઉપર 8858 લાખ જેવી મોટી રકમનું ડિમાન્ડ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી ઊભું કરવામાં આવ્યું હતું. આ ડિમાન્ડ સામે કરદાતાએ છતીસગઢ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. કરદાતા વતી તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં મદ્રાસ હાઇકોર્ટના D Y Beathel Enterprise નો ચુકાદો ટાંકી દલીલ કરવામાં આવી હતી કે જી.એસ.ટી. હેઠળ વેચનારની ભૂલના કારણે ખરીદનાર પાસેથી જી.એસ.ટી. વસૂલી શકાય નહીં. જી.એસ.ટી. માં આ પ્રકારે જોગવાઈ હોવા છતાં આ જોગવાઈનો ઉપયોગ માત્ર અસામાન્ય પરિસ્થિતીમાં જ કરવો જોઈએ. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા પહેલા તો વેચનાર પાસેજ રિકવરી કરવાની રહે. સરકાર તરફથી ઉપસ્થિત વકીલ દ્વારા આ અંગે ફાઇલ કરવા મુદત માંગવામાં આવતા હાઇકોર્ટ દ્વારા કુલ માંગણાની રકમના 5% રકમ ભરી આદેશ ઉપર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રકારની કનડગત અનેક કરદાતાઓને થઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ કરદાતાઑ માટે મદ્રાસ હાઇકોર્ટનો D Y Beathel Enterprise નો ચુકાદો તથા છતીસગઢ હાઇકોર્ટનો આ ચુકાદો ઉપયોગી બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે