“મોસ્ટ વેલકમ” કોરોના!!! શું નથી આપી રહ્યા આપણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ???

Spread the love
Reading Time: 6 minutes

કોરોનાની ગંભીર બીજી લહેર જોયા પછી તદ્દન બિન્દાસ્ત બની જવું પડી શકે છે ભારી!!!

તા. 04.07.2021:માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કાળ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં પોતાની કહેર વર્તાવી ચૂક્યો છે. ભારતની વાત કરીએ તો કોરોનાની પ્રથમ લહેર મહદ્દ અંશે મોટા શહેરોમાં સીમિત હતી. પરંતુ જ્યારે માર્ચ 2021 ના અંત ભાગમાં કોરોનાની બીજી લહેર ઊભી થઈ તે મોટા શહેરો ઉપરાંત નાના શહેરો તથા ગામડા સુધી પહોચી ગઈ. એવું કહીએ તો અતિષીયોક્તિ નથી કે દરેક પરિવારે પોતાના કુટુંબીજન-સ્વજન આ મહામારીમાં ખોયા અથવા તો મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થતાં તો જોયા જ છે. જ્યારે કોરોનાના કેસો વધવા મંડે, મૃત્યુદર ખૂબ વધી જાય ત્યારે સામાન્ય લોકો કોરોનાના સામાન્ય નિયમોનું પાલન કરતાં જોવા મળે છે પરંતુ એક વાર કેસોની સંખ્યા ઓછી થવાની શરૂઆત થાય એટ્લે ફરી કોરોના “પ્રોટોકોલ” સાઈડ ઉપર રાખી દેવામાં આવે છે. એપ્રિલ અને મે 2021 માં જે કોરોનાની બીજી લહેર આપણે જોઈ ત્યારે “કોવિડ પ્રોટોકોલ” અંગે આપણે સૌ ચોક્કસ સજાગ બન્યા હતા. સરકાર દ્વારા પ્રથમ લહેરની જેમ બીજી લહેરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર ના કર્યું પણ અનેક બિન જરૂરી પ્રવૃતિઓ ઉપર નિયંત્રણો જરૂર લાદી દીધા હતા. હવે જેમ કેસોની સંખ્યા રોજ દિનપ્રતિદિન ઘટતી જાય છે ત્યારે સરકાર પણ વિવિધ પ્રવૃતિઓમાં આપવામાં આવેલ નિયંત્રનો દૂર કરી રહી છે. અને સરકાર પાસે આ કર્યા સિવાય કોઈ છૂટકો પણ નથી. આ નિયંત્રણો હટાવવાથી કોરોનાના કેસોમાં ફરી વૃદ્ધિ થઈ શકે તેમ છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોઈ પણ પ્રવૃતિ ઉપર સરકાર દ્વારા જ્યારે નિયંત્રણ લાદવામાં આવે છે ત્યારે તે પ્રવૃતિ સાથે જોડાયેલ ધંધાર્થી, તે ધંધા ઉપર નભતા કર્મચારીઓ, તેમના પરિવારો, ઉપભોક્તા વગેરે સૌ ઉપર તેની માંઠી અસર થાય છે તે ચોક્કસ છે. આમ, કોરોનાની સમસ્યા સદંતર ટળી ના હોવા છતાં પણ આ તમામ આર્થિક પ્રવુર્તિઓ ઉપરથી નિયંત્રણો હટાવવા સરકાર માટે જરૂરી બને છે. કોરોનાના કેસો ફરી ના વધે તે માટે સરકાર તો પ્રયત્નો કરી રહી છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ના આવે તે માટે સરકાર ધંધાર્થીઓ તથા સામાન્ય લોકો માટે “સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર” (SOP) બહાર પાડતી હોય છે. આ SOP નું પાલન કરવાંના કારણે કોરોનાનો ફેલાવો થતો રોકી શકાય છે. કદાચ ત્રીજી લહેર આવે તો તેને પહોચી વળવા સરકાર મેડિકલ ક્ષેત્રે સુધારો કરવાં કમર કસી રહી હોવાના અહેવાલ પણ આપણે સૌ વાંચી રહ્યા છીએ. ભારતનું ન્યાયતંત્ર પણ જ્યાં સરકારોની કામગીરીમાં ઉણપ જણાય ત્યાં સૂચનો આપી રહી છે. પણ આ સમયે પ્રશ્ન એ થાય કે શું કોરોના રોકવા માટેની જવાબદારી માત્ર સરકારી તંત્ર કે ન્યાય તંત્રની જ છે? શું નાગરિક (તંત્ર) કોરોનાની ત્રીજી લહેર રોકવા કોઈ પ્રયત્ન કરી રહ્યા છે?? કે પછી નાગરિકો કરી રહ્યા છે એવો વ્યવહાર જેનાથી લાગે કે તેઓ કોરોનાને કહી રહ્યા છે … “મોસ્ટ વેલકમ”???

કોરોનાની બીજી લહેરની ભયંકર પરિસ્થિતી માંથી આપણે ચોક્કસ બહાર નિકળી રહ્યા છીએ. પરંતુ આ કોઈ કોરોનાની સમાપ્તિની નિશાની ના ગણી શકાય!! આપણી નાની નાની ભૂલોના કારણે કોરોનાની ત્રીજી લહેરને આપણે નોતરું આપી રહ્યા છે તે અંગે આપણામાંના ઘણા લોકો અંજાણ છે. કોરોનાને “ન્યુ નોર્મલ” ગણી આપણી આર્થિક પ્રવૃતિઓ તો કરવી જ પડશે તેમાં કોઈ બે મત નથી. પરંતુ આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે આ ન્યુ નોર્મલમાં જે પ્રવૃતિઓ કરવી ફરજિયાત હોય તે કરવી જરૂરી હોવા સાથે ફરજિયાત ના હોય તેવી પ્રવૃતિઓ ના કરવી પણ એટલીજ ફરજિયાત છે. જે પ્રવૃતિઓ ફરજિયાત કરવી પડે તેમાં પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “કોવિડ પ્રોટોકોલ” નું પાલન કરવું પણ એટલુજ ફરજિયાત છે. “શોશીયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, વેક્સિન લેવા જેવી સરકાર દ્વારા જાહેર કરતી તમામ જરૂરી બાબતોમાં નાગરિકોનો સહકાર અતિશય જરૂરીઓ છે. પરંતુ જમીની સ્તરે જ જઈએ તો આપણને ચોક્કસ અનુભવ થાય કે આ તમામ “કોવિડ પ્રોટોકોલ” નો છડેચોક અનાદર થઈ રહ્યો છે. અને આ અનાદર કરવા અંગે બાબતે આપણી પાસે કારણો પણ તૈયાર જ છે બોલો!!

શોશિયલ ડિસ્ટન્સિંગતો હમેશા શક્ય કેમ બને!!!

આપણાં દેશમાં સામાજિક માળખું એ પ્રમાણે ગોઠવાયેલ છે કે શોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અનેક રીતે મુશ્કેલ પડતું હોય છે. લગ્ન પ્રસંગ હોય કે સગાઈ વિધિ, બર્થડે પાર્ટી હોય કે એનિવર્સરી, અરે મૃત્યુ બાદ સ્મશાન યાત્રા હોય કે બેસણું સામાજિક પદ્ધતિના કારણે તમામ સારા નરસા પ્રસંગોમાં મોટી સંખ્યામાં કુટુંબીજનો-મિત્રો ઉપસ્થિત થતાં હોય છે. આવા પ્રસંગોમાં એક બીજાને મળી સુખ-દુ:ખ વહેચવાની સામાજિક પદ્ધતિ શોશિયલ ડિસ્ટન્સિંગ માટે મુશ્કેલ સાબિત થતી હોય છે. આ સામાજિક માળખું ચોક્કસ જે તે સમય માટે યોગ્ય હશે પરંતુ હવે ખાસ કરીને કોરોના બાદ આ માળખામાં પરીવર્તન થાય તે જરૂરી છે. નાના નાના પ્રસંગોમાં મોટી ભીડ ઊભી કરવાની પદ્ધતિ હવે દૂર કરવી જરૂરી છે. શોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી રીતે વ્યવસ્થા થાય તે જરૂરી છે. “દો ગજ કી દૂરી” એ સમય ની માંગ છે. શોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જૂની પરંપરા તોડવી જરૂરી છે અને જો પરંપરા વિષે એટલીજ સભાનતા હોય તો શું કરવા “નમસ્તે” ની જૂની પરંપરા છોડી ને હાથ મિલાવવાની કહેવાતી મોર્ડન પરંપરા અપનાવી રહ્યા છો???

માસ્ક પ્રત્યે બેદરકારી!!

કોરોનાના કેસો જેમ ઓછા થાય તેમ માસ્ક પહેરવા બાબતની તકેદારી લોકોમાં ઘટતી જોવા મળે છે. અમારા ગામ ઉનાની વાત કરું તો એપ્રિલ અને મે મહિનામાં જ્યારે કોરોનાનો બીજો તબક્કો પૂર જોશમાં હતો ત્યારે લોકો માસ્ક પહરેવામાં ખૂબ કાળજી રાખતા હતા. જેમ જેમ કોરોના ના કેસો ઓછા થયા, ટેલીવિઝન ન્યૂઝ, સમાચારપત્રોમાં કોરોનાનો બીજો તબક્કો પૂરો થઈ રહ્યો છે તે અંગેના સમાચાર જોવા વાંચવા મળ્યા અને તરત જ માસ્ક પહેરવા બાબતે બેદરકારી શરૂ થઈ ગઈ. આજ ટેલીવિઝન ન્યૂઝ, સમાચારપત્રોમાં ત્રીજી લહેર ગમે ત્યારે દસ્તક દઈ શકે છે તે બાબતના ન્યૂઝ હોવા છતાં કેમ માસ્ક બાબતે બેકાળજી રાખવામા આવે છે, તે સમજવું ખરેખર મુશ્કેલ છે.

વેકસીનેશન અંગે બેકાળજી કે જાગરુકતાનો અભાવ!!

હાલ, કોરોના ને સંપૂર્ણ પણે સમાપ્ત કરવા નિષ્ણાતો વેક્સિનેશન ને એક માત્ર વિકલ્પ ગણાવી રહ્યા છે. વેક્સિનેશન એ એક માત્ર વિકલ્પ હોવા છતાં ઘણા મોટા પ્રમાણમા લોકો આ વેક્સિન લેવામાં આનાકાની કરી રહ્યા છે. ભારતમાં બનેલી વેક્સિન સારી નથી, કોરોના વેક્સિન લેવાથી કોઈ ખાસ બચાવ થતો નથી, વેક્સિનની આડ અસર બહુ છે, વેક્સિન લીધા પછી પણ ઘણા લોકોને કોરોના થયો જ છે, અમુક લોકોના તો વેક્સિન લીધા બાદ મોત પણ થયા છે આવા તમામ કારણો વેક્સિન ના લેવા પાછળ લોકો દ્વારા આપવામાં આવતા હોય છે. ત્યારે સૌથી પહેલું તો આવા લોકોને એ બાબત પૂછવાનું મન થાય છે કે શું તમે વૈજ્ઞાનિક છો? વાઇરોલોજી ઉપર ઊંડો અભયાસ કર્યો છે તમે??? વેક્સિન સારી નથી કે વેક્સિનની આડ અસર બહુ છે જેવા પ્રશ્નો એ સામાન્ય વ્યક્તિ માટે ચર્ચા વિચારવા ના પ્રશ્નો નથી એવો મારો ચોક્કસ મત છે. આ એક ટેકનિકલ અને સ્પેશિયાલિટીનો વિષય છે. એક વૈજ્ઞાનિક, એક ડોક્ટર આ વિષે ચર્ચા કરે તે બરોબર છે પણ સામાન્ય નાગરિકે આ બાબતે બહુ વિચારી વેક્સિન ના લેવાનો વિકલ્પ લેવો એ મારી દ્રષ્ટિએ તદ્દન અયોગ્ય છે. કોરોના વેક્સિન લીધા પછી પણ લોકોને કોરોના થાય છે, અમુક સંજોગોમાં વેક્સિન લીધા બાદ પણ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ પણ થયા તેવા કારણો દર્શાવી વેક્સિન લેવાનું ટાળતા લોકોને મારો એક સીધો સાદો સવાલ છે કે શું કોરોના વેક્સિન ના લેનાર વ્યક્તિને કોરોના નહીં થાય? વેક્સિન ના લેવાથી તેનું મૃત્યુ નહીં થાય? જો આ બંને પ્રશ્નો ના જવાબ નકારમાં જ હોય તો વેક્સિન લેવાથી નુકસાની શું?? વેક્સિનની આડ અસર જેવી બાબતો એ સામાન્ય નાગરિકોના ચર્ચા વિચારણાનો વિષય જ ના બની શકે. શક્ય બને એટલું જલ્દી વેક્સિન લઈ તમામ નાગરિકો હાલ મેડિકલ ક્ષેત્રે જેને એક માત્ર કોરોના નાથવાનો ઈલાજ ગણવામાં આવે છે તે ઈલાજ માટે શક્ય તમામ પ્રયત્નો કરવા જરૂરી બને છે. વેક્સિન લેવી એ કોઈ વ્યક્તિ માટે જ જરૂરી છે તેમ નથી પણ સામાજિક રીતે પણ દરેક વ્યક્તિ વેક્સિન લે તે ખાસ જરૂરી છે.

હર્ડ ઇમ્યુનિટી….”મંઝિલ અભિ દૂર હે”

કોરોના બીમારી એ “ન્યુ નોર્મલ” છે તેમ કહેવામા આવી રહ્યું છે. શું છે આ “ન્યુ નોર્મલ”?? “ન્યુ નોર્મલ” એટ્લે એવી પરિસ્થિતી કે જે હમેશા માટે રહેશે. તો શું કોરોનાનો કહેર આ દુનિયામાં થી સમાપ્ત જ નહીં થાય??? મિત્રો, મેડિકલ ક્ષેત્રે એવું માનવમાં આવે છે કે વાઇરસથી ફેલાતી કોઈ પણ બીમારી ત્યાં સુધી જ ભયજનક હોય છે જ્યાં સુધી આપણી રોગ પ્રતિકારક શક્તિ આ વાઇરસને ઓળખી ના લે. એક વાર વાઇરસને મોટાભાગના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓળખી લે પછી તે બીમારી ભયંકર રહેતી નથી. આ પરિસ્થિતીને મેડિકલ ભાષામાં “હર્ડ ઇમ્યુનિટી” કહે છે. “હર્ડ ઇમ્યુનિટી” એટ્લે એવી સ્થિતિ જ્યાં કોઈ વાઇરસનો ફેલાવો એટલા મોટા પ્રમાણમા થઈ ગયો હોય કે જ્યાં મોટાભાગના નાગરિકો આ વાઇરસનો શિકાર બની ચૂક્યા હોય અથવા તો આ વાઇરસ પ્રતિકારક રસી લેવામાં આવી હોય. સામાન્ય રીતે જ્યારે 50% થી વધુ લોકો આ “ક્રાઇટેરિયા” માં આવી જતાં હોય ત્યારે “હર્ડ ઇમ્યુનિટી” ઊભી થઈ ગઈ ગણાય. એક વાર આ પ્રકારે “હર્ડ ઇમ્યુનિટી” ઊભી થઈ જાય પછી કોરોના પણ સામાન્ય શરદી અને ઉધરસને જેમ કે ફ્લૂની જેવી બીમારી ગણાવા માંડશે. એક સર્વે પ્રમાણે આ પ્રકારની હર્ડ ઇમ્યુનિટીમાં પહોચતા ભારતને કદાચ બે વર્ષ જેવો સમય પણ નીકળી જાય. આ બે વર્ષ દરમ્યાન કોણ જાણે કેટલી લહેરનો સામનો આપણે કરવો પડે!!

હાલ શું છે ઈલાજ??

કોરોના મહામારી એ ન્યુ નોર્મલ છે તે બાબતે લગભગ તમામ સહમત થઈ રહ્યા છે. આપણાં દેશમાં હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવશે તે બાબતે નિષ્ણાંતોના મતો અલગ અલગ રહ્યા છે. પરંતુ એક બાબત ચોક્કસ છે આ તમામ નિષ્ણાંતો માંને છે કે કોરોના સંકટથી બચવા એક માત્ર અને સૌથી અસરકારક ઉપાય વેક્સિનેશન છે. જેટલા મોટા પ્રમાણમા લોકોને આ વેક્સિન આપવામાં આવશે તેટલા મોટા પ્રમાણમા કોરોનાનું સંક્રમણ થતું ઓછું કરી શકીશું. કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકલન કરી વધુમાં વધુ ઝડપી આ રસીકરણની કામગીરી વેગવંતી બનાવે અને સાથે નાગરિકો “કોવિડ પ્રોટોકોલ” નું પાલન કરે એ સમયની માંગ છે. કોરોનાની ત્રીજી લહેર રોકવા સરકારી તંત્ર સાથે નાગરિક તંત્રએ પણ પોતાનું યોગદાન આપવું અનિવાર્ય છે. “નજર હટી દુર્ઘટના ઘટી” આ ઉક્તિ કોરોના માટે પણ લાગુ પડે છે. શોશિયલ ડિસ્ટન્સિંગ અથવા તો ડો ગજ કી દૂરીના પ્રોટોકોલનું પાલન કરવું, બહાર જતાં સમયે માસ્ક અવશ્ય પહેરવું અને રસી લેવામાં કાળજી રાખવામા આવે તો ચોક્કસ આપણે સૌ કોરોનાની ત્રીજી કે ત્યાર પછીની લહેરથી પણ બચી શકીશું. અને જો આ બાબતે આપણે કાળજી નહીં રહીએ તો ચોક્કસ સમજજો કે આપણે જ કહયું છે “મોસ્ટ વેલકમ કોરોના”!!

લેખક: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

error: Content is protected !!