જી.એસ.ટી. હેઠળ ગ્રાહકોને વેચાણ કરતાં કરદાતાઓ માટે કંપોઝીશન સ્કીમ બની શકે છે ઉત્તમ વિકલ્પ!!

-By Bhavya Popat, Advocate
નાણાકીય વર્ષ 2024-25 માટે કંપોઝીશન સ્કીમનો લાભ લેવા 31 માર્ચ પહેલા અરજી કરવી છે જરૂરી
તા.12.03.2024: જી.એસ.ટી. લાગુ કરવાનો મૂળ હેતુ વેપારીઓને “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે હતો. પરંતુ જેમ જેમ જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લઈને મોટા કૌભાંડ પકડાઈ રહ્યા છે, તેમ તેમ જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર સરકાર દ્વારા આકરા નિયંત્રનો મૂકવામાં આવી રહ્યા છે. હાલ, જ્યારે વેપારીઓ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટની જોગવાઇઓ સમજવામાં આવે ત્યારે એટલું ચોક્કસ સમજાય છે કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવી એ “સિમલેસ” તો નથી જ રહી પરંતુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવી એ લગભગ લોઢાંના ચણા ચાવવા જેવી મુશ્કેલ બાબત બની ગઈ છે. આ સમયે જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સ્કીમની મહત્વતા સમજવી જરૂરી બની જાય છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નાના વેપારીઓને કંપોઝીશન હેઠળ વેરો ભરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. B2C એટલેકે સીધા ગ્રાહકોને અથવા તો જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તેવા વેપારીને (અન્ય જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા વેપારીઓને નહીં) માલનું વેચાણ કરતાં વેપારીઓ માટે કંપોઝીશન સ્કીમ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. આજે આ લેખમાં જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સ્કીમની વિવિધ જોગવાઈની ચર્ચા કરવામાં આવેલ છે.
જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સ્કીમ હેઠળ ટર્નઓવરની છે આ મર્યાદાઓ:
માલનું ઉત્પાદન કે વેપાર કરતાં કરદાતા:
- પાછલા વર્ષમાં 1.5 કરોડથી સુધીનું ટર્નઓવર ધરાવતો કોઈ પણ વેપારી કંપોઝીશન સ્કીમનો લાભ લઈ શકે.
- મુખ્ય રીતે માલનું ઉત્પાદન કે વેચાણ કરતાં પરંતુ માલ સાથે થોડી સેવા પૂરી પડતાં વેપારીઓ માટે કુલ ટર્નઓવરના 10% કે 5 લાખ બે માંથી જે વધુ હોય તે રકમની સેવા પૂરી પાડતાં વેપારીઓ પણ કંપોઝીશનનો લાભ લઈ શકે છે.
- ઉલ્લેખનીય છે કે 1.50 કરોડનું ટર્નઓવર ગણવામાં એકજ PAN ઉપર રજિસ્ટર્ડ તમામ ધંધાનું ટર્નઓવર ગણવાનું રહે છે.
- ઉલ્લેખનીય છે કે એક જ PAN ઉપર એકથી વધુ નંબર ધરાવતા જી.એસ.ટી. કરદાતાઓ માટે તમામ PAN ઉપર એક જ વિકલ્પ લેવો શક્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક જ PAN હેઠળ કોઈ કરદાતા એક ધંધા માટે કંપોઝીશનનો વિકલ્પ અને અન્ય ધંધા માટે “રેગ્યુલર” વિકલ્પ લઈ શકે નહીં.
માત્ર કે મુખ્યત્વે સેવા પૂરી પાડતાં કરદાતા માટે સર્વિસ કંપોઝીશનનો વિકલ્પ:
- માત્ર સેવા પૂરી પાડતા કે મુખ્યત્વે સેવા પૂરી પાડતાં કરદાતાઓ માટે સર્વિસ કંપોઝીશનનો વિકલ્પ રહેલો છે. આ વિકલ્પ અન્વયે 50 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓ આ વિકલ્પનો લાભ લઈ શકે છે.
- ઉલ્લેખનીય છે કે 50 લાખનું ટર્નઓવર ગણવામાં એકજ PAN ઉપર રજિસ્ટર્ડ તમામ ધંધાનું ટર્નઓવર ગણવાનું રહે છે.
કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા વેપારીએ કટલી રકમ ટેક્સ તરીકે ભરવાની થાય?
- ઉત્પાદન સાથે જોડાયેલ વેપારીએ પોતાના કુલ ટર્નઓવર (કરમુક્ત સહિત) ઉપર 1% (0.5% CGST + 0.5% SGST) લેખે જી.એસ.ટી. ભરવાનો રહે.
- માલના વેપાર સાથે જોડાયેલ વેપારીએ પોતાના કરપાત્ર ટર્નઓવર ઉપર 1% (0.5% CGST + 0.5% SGST) લેખે જી.એસ.ટી. ભરવાનો રહે.
- સેવા સાથે જોડાયેલ સેવા કરદાતાઓએ 6% (3% CGST + 3% SGST) લેખે જી.એસ.ટી. ભરવાનો થાય.
- ઉપર દર્શાવેલ વેરા ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, વકીલ ફી, રોયલ્ટી જેવી જાહેર કરવામાં આવેલ સેવાઓ ઉપર રિવર્સ ચાર્જ મુજબ વેરો ભરવાની જવાબદારી આવે.
ક્યાં વેપારી કંપોઝીશનનો લાભ લઈ શકે નહીં:
કંપોઝીશન સ્કીમનો લાભ મેળવવા અંગે ટર્નઓવર ઉપરાંત નીચેની બાબતોની ધ્યાને લેવી જરૂરી છે. નીચે દર્શાવેલ વેપારીઓ કંપોઝીશનનો લાભ લઈ શકે નહીં. જી.એસ.ટી. કાયદા અને નિયમોમાં આ પ્રકારના વેપારીઓ કંપોઝીશાનનો વિકલ્પ સ્વીકારવા અયોગ્ય ગણાય છે.
- આઇસ્ક્રીમ, પાન મસાલા તથા ટોબેકો (તમાકુ) ના ઉત્પાદકો
- આંતર રાજ્ય વેચાણ કરતાં વેપારીઓ.
- ઇ કોમર્સ (ઓનલાઈન) પોર્ટલ દ્વારા સેવા પૂરી પાડતા વેપારીઓ
- જી.એસ.ટી. લાગુ ના હોય તેવી વસ્તુઓના વેપાર (પેટ્રોલ, ડીઝલ, લીકર વી. ) સાથે જોડાયેલ કરદાતા કંપોઝીશનનો લાભ લઈ શકે નહીં.
કંપોઝીશનનો લાભ લેતા વેપારીઓ માટે મહત્વની શરતો:
કંપોઝીશનનો વિકલ્પ પસંદ કરનાર કરદાતાએ નીચેની શરતોનું પાલન કરવાનું રહે છે.
- કંપોઝીશન કરદાતા ખરીદી ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઈ શકશે નહીં.
- કંપોઝીશન વેપારી વેચાણ સમયે કોઈ વેરો ઉઘરવી શકે નહીં.
- કંપોઝીશનના વેપારીએ પોતાના દુકાનના બોર્ડ ઉપર “કંપોઝીશન ટેકસેબલ પર્સન” એવું લખાવવું ફરજિયાત છે.
- કંપોઝીશનના વેપારીએ પોતાની બિલબુકમાં “Composition Taxable Person Not Eligible to Collect Tax” લખાવવું ફરજિયાત છે.
કંપોઝીશન હેઠળ પરવાનગીની અરજી ક્યારે કરવાની રહે?
કોઈ પણ વેપારી નવો જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરે ત્યારે કંપોઝીશનની અરજી એ ફોર્મમાં જ કરવાની રહે છે. એક વાર જો આ ફોર્મમાં અરજી કરવાનું ચૂકી જાય તો ફરી એ વર્ષ માટે નવા નોંધણી મેળવનારને એ વર્ષ માટે કંપોઝીશનનો વિકલ્પ મળતો નથી. કોઈ વેપારીનો જી.એસ.ટી. નંબર ચાલુ હોય તેવા વેપારી, પછીના નાણાકીય વર્ષ માટે, નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા આ અરજી કરી શકે છે. આ અરજી 01 માર્ચથી 31 માર્ચ વચ્ચે કરવાની રહે છે. નાણાકીય વર્ષ 2024-25 માટેની અરજી કોઈ વેપારી 31 માર્ચ 2024 પહેલા કરી શકે છે.
હાલ રેગ્યુલર કરદાતા હોય અને કંપોઝીશનનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો ભરવો પડે છે સ્ટોક ઉપર ટેક્સ:
જી.એસ.ટી. હેઠળ રેગ્યુલર (કંપોઝીશન સિવાય) ના વેપારી કંપોઝીશનનો વિકલ્પ પસંદ કરે તો 31 માર્ચમાં સ્ટોકમાં રહેલ માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની રહે છે. આ સ્ટોક ઉપર તેની ટેક્સ ભરવાની જવાબદારી આવી શકે છે. આ માટે વેપારીએ 01 એપ્રિલથી 60 દિવસમાં ફોર્મ ITC 03 ભરવાનું રહે છે.
કેવા વેપારીઓ માટે કંપોઝીશન બની શકે છે ઉત્તમ વિકલ્પ:
માત્ર B2C એટ્લેકે સીધા ગ્રાહકોને વેચાણ કરતાં અથવા જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તેવા વેપારીઓને વેચાણ કરતાં વેપારીઓ માટે કંપોઝીશન હેઠળ ટેક્સ ભરવો ઉત્તમ વિકલ્પ બની રહે છે. જે વેપારીઓનો ધંધાનો ગાળો પ્રમાણમા ખરાબ ના હોય અને તેના માલ ઉપર લાગુ ટેક્સનો દર 5% થી વધુ હોય તેવા વેપારીઓ માટે કંપોઝીશન સામાન્ય રીતે સારો વિકલ્પ સાબિત થતી હોય છે. આમ, 12%, 18% કે 28% જેવા ઊચા દરના માલનું B2C વેચાણ કરતાં કરદાતાઓ માટે સામાન્ય રીતે કંપોઝીશન સારો વિકલ્પ રહેતો હોય છે. સિમેન્ટ-મોબાઈલ જેવા ટૂંકા નફાના ગાળા વાળા માલ સાથે જોડાયેલ વેપારીઓ માટે કંપોઝીશનનો વિકલ્પ મોંઘો સાબિત થતો હોય છે. કોઈ વેપારી પોતાના માટે કંપોઝીશનનો વિકલ્પ સારો છે કે નહીં તેના માટે પોતાના એકાઉન્ટન્ટ અને જરૂર પડે તો પોતાના CA, ટેક્સ એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈ શકે છે.
હાલની પરિસ્થિતીમાં શું છે કંપોઝીશનના વિકલ્પનો ખાસ લાભ?
હાલ, જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી ખૂબ આકરી બની ગઈ છે. વેચનાર વેપારી દ્વારા પોતાનું વેચાણ સમયસર બતાવવામાં ના આવે અથવા તો વેરો ભરવામાં ચૂક કરવામાં આવે તો ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવતી નથી. છેલ્લા થોડા સમયમાં આવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં વેચનારના વાંકના કારણે નિર્દોષ ખરીદનાર વેપારી ઉપર મોટી રકમનો જી.એસ.ટી. નો બોજો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી ઉપસ્થિતિ કરવામાં આવ્યો હોય. ઘણા B2C સાથે વેપાર કરતાં કરદાતા એવા છે કે જેઓ કંપોઝીશનનો વિકલ્પ પસંદ કરે તો પણ રેગ્યુલર વિકલ્પ કરતાં તેમનો બોજો થોડો જ વધુ થતો હોય. આવા વેપારીઓ માટે કંપોઝીશનમાં જવા અંગે વિચરવું ખૂબ જરૂરી છે. કંપોઝીશનમાં જવાથી વેપારીની રિટર્ન ભરવાની, લેઇટ ફી ભરવાની, આકારણી કરાવવાની જવાબદારીમાં પણ ખૂબ ઘટાડો થતો હોય છે. આમ, નાના વેપારીઓ માટે જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સ્કીમ ચોક્કસ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે અને આ અંગે વિચરવું દરેક વેપારી માટે જરૂરી બની જાય છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમી પૂર્તિમાં તારીખ 10.03.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)