ઇન્કમ ટેક્સ હેઠળ PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં 3 મહિનાનો વધારો. આ સિવાય પણ કઈ મહત્વની મુદતમાં કરવામાં આવ્યો છે વધારો??? વાંચો આ વિશેષ લેખ

Spread the love
Reading Time: 2 minutes

કોરોનામાં માલિક તરફથી મળેલ રકમ બાબતે ખાસ રાહતો જાહેર!! 

તા. 25.06.2021: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોરોનાના કારણે મુદતોમાં અનેક રાહતો આપવામાં આવી રહી છે. આ રાહતોનો દોર આગળ વધારતા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આજે પ્રેસ રીલીઝ બહાર પાડી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મહત્વની રાહતો બહાર પાડવામાં આવી છે. કોરોનાના કારણે ઘણા નોકરિયાત કરદાતાઓને પોતાના નોકરીદાતા તરફથી કોરોના માટે પોતે જે ખર્ચ કરેલ છે તે ખર્ચની રકમ પરત ચૂકવવામાં આવી છે. સામાન્ય રીતે આ રકમનો સમાવેશ પગારની આવકમાં થાય અને આના ઉપર ઇન્કમ ટેક્સ લાગુ પડે. પરંતુ કોરોનાના આ કપરા કાળમાં CBDT દ્વારા આ પ્રકારની કર્મચારી દ્વારા મેળવવામાં આવેલ રકમને કરમુક્ત જાહેર કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પણ નાણાકીય વર્ષ 2019 20 કે ત્યાર પછી કોરોનાની સારવારને પહોચી વળવા કોઈ સહાય મળી હશે તો તે કરમુક્ત રહેશે એવી પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમુક કિસ્સાઓમાં કોરોનાના કારણે કર્મચારીઓના મૃત્યુના સંજોગોમાં તેમના નોકરીદાતા તરફથી મદદ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ક્યારેક કોઈ અન્ય વ્યક્તિ જેવી કે સામાજિક સંસ્થા વગેરે પણ આવા વ્યક્તિને મદદ પૂરી પાડતાં હોય છે. કોરોનાના કારણે થયેલ મૃત્યુ બાદ મળેલ રકમ જો નોકરીદાતા તરફથી મળી હશે તો કોઈ પણ મર્યાદા વગર અને જો અન્ય વ્યક્તિ પાસેથી મળી હશે તો 10 લાખની મર્યાદામાં કરમુક્તિનો લાભ આપવામાં આવશે.

આ ઉપરાંત ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરવાની થતી અમુક કાર્યવાહીની મુદતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પોતે વેચેલ મિલકત સામે જે મૂડીનફો ઊભો થયો હોય તેમાં કરમુક્તિ મેળવવા કરવાના થતાં રહેણાંકી ઘર, બોન્ડ વગેરેમાં રોકાણ કરવાની મુદત જે 01 એપ્રિલ થી 29 સપ્ટેમ્બર 2021 હતી તેની મુદત હવે 30 સપ્ટેમ્બર ગણાશે તેવી રાહત કરદાતાને આપવામાં આવેલ છે. સૌથી વધુ કરદાતાઓને સ્પર્શતી રાહત જોવામાં આવે તો તે આધારને PAN કાર્ડ સાથે લિન્ક કરવાની મુદતમાં 30 જૂનથી વધારો કરી 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ જે રકમ કોઈ પણ વધારાના વ્યાજ વગર 30 જૂન સુધીમાં ભરવાની થતી હતી તેમાં વધારો કરી 31 ઓગસ્ટ કરવામાં આવી છે. જે આકારણીના કેસો તથા પેનલ્ટીના કેસો હાલ ચાલુ છે અને જેમના આદેશ પસાર કરવાની મુદત 30 જૂન છે તે તમામ કેસોમાં આદેશ પસાર કરવાની મુદત 30 સપ્ટેમ્બર કરી નાંખવામાં આવી છે. આ ઉપરાંત TDS/TCS ના રિટર્ન ભરવાની મુદતમાં 15 જુલાઇ સુધીનો વધારો કરવામાં આવેલ છે. ચેરિટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક સંકુલો એ 12A/80G  ની ફરી નોંધણી કરાવવા માટે જે મુદત 30 જૂનના રોજ પુર્ણ થતી હતી તેમાં વધારો કરી 31 ઓગસ્ટ સુધી મુદત આપવામાં આવેલ છે.  આ ઉપરાંત પણ ઘણી નાની મોટી બાબતો માટે મુદતોમાં CBDT દ્વારા રાહતો આપવામાં આવી છે. આ તમામ રાહતો સમયસર જાહેર થતાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સે રાહતનો શ્વાસ લીધો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108