ઇન્વોઇસ અને ઇ વે બિલ સાથે હોય ત્યારે માલ જપ્તીની કાર્યવાહી છે અયોગ્ય: રાજસ્થાન હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

Important Judgement with Tax Today

H R એન્ટરપ્રાઇઝ વી. રાજસ્થાન સરકાર અને અન્યો

રિટ પિટિશન નંબર 5266/2021

ઓર્ડર તા. 01.04.2021


કેસના તથ્યો:

 • કરદાતા દ્વારા “સ્ક્રેપ” નું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ફ્લાઇંગ સ્કોડ દ્વારા ગાડીને રોકવામાં આવી હતી.
 • માલ વહન સાથે જી.એસ.ટી. કાયદાની કલમ 68 હેઠળ જરૂરી  ટેક્સ ઇન્વોઇસ તથા ઇ વે બિલ હતું.
 • આમ છતાં અધિકારી દ્વારા MOV-2 માં કરદાતાને નોટિસ આપી માલ વહન અટકાવવામાં આવ્યું હતું અને કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, બોગસ ખરીદી વી. વિગતો અંગે શંકા ઊભી કરવામાં આવી હતી.
 • કરદાતા દ્વારા MOV-2 ની નોટિસને આ રિટ પિટિશન દ્વારા પડકારવામાં આવી હતી.

કરદાતા તરફે રજૂઆત

 • જ્યારે જી.એસ.ટી. કાયદાની કલમ 68 હેઠળ જરૂરી દસ્તાવેજો હોય ત્યારે આ રીતે માલ વહન રોકી શકાય નહીં.
 • ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જેવા બાબતોની ચકાસણી કરવી જરૂરી જણાય તો તે “જ્યુરિસડિકશન ઓફિસર” એ કરવાની રહે અને ફ્લાઇંગ સ્કોડના અધિકારી આ તપાસ કરી શકે નહીં.
 • CBIC દ્વારા 10.04.2018 સર્ક્યુલર બહાર પાડી સ્પષ્ટતા કરવામાં આવી છે કે માલવહનને જ્યારે રોકવામાં આવે ત્યારે અધિકારી દ્વારા માત્ર કલમ 68 હેઠળના દસ્તાવેજો છે કે નહીં તે અંગેજ ચકાસણી કરવાની રહેશે.
 • આમ, કરદાતાને આપવામાં આવેલ નોટિસ અને તેમાં દર્શાવેલ ટેક્સ તથા દંડ કાયદાકિયા રીતે યોગ્ય નથી.

સરકાર તરફે રજૂઆત:

 • કરદાતાને કાયદામાં પ્રસ્થાપિત MOV 2 નામની નોટિસ આપવામાં આવી છે. તેઓએ આ રિટ પિટિશન કરવાના બદલે તેનો જવાબ આપવો જરૂરી હતો.
 • આમ, કરદાતાની રિટ પિટિશન ચલાવવામાં આવવી જોઈએ નહીં.
 • સુપ્રીમ કોર્ટ દ્વારા State of Uttar Pradesh Vs Kay Pan Fragrance (8941/2019), તા. 22.11.2019 ના કેસમાં ઠરાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટ દ્વારા સામાન્ય રીતે માલ છોડવાના આદેશ કરવા જોઈએ નહીં અને જો આદેશ કરવામાં આવે તો કરદાતા પાસે બેન્ક ગેરંટી ભરાવવી જોઈએ.
 • આ ઉપરાંત સરકારી વકીલ દ્વારા રાજસ્થાન હાઇકોર્ટ, ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઑ ટાંકવામાં આવ્યા હતા જેમાં બેન્ક ગેરંટી આપવા આદેશ કરવામાં આવ્યો હતો.
 • સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે જી.એસ.ટી. કાયદાની કલમ 129 હેઠળ કાયદાની કોઈ પણ જોગવાઈનો ભંગ થયો છે કે કેમ તે અંગે ચકાસણી કરવાની સત્તા અધિકારી પાસે છે.

કોર્ટનો આદેશ:

 • અધિકારીને કલમ 68 હેઠળ આ પ્રમાણે છૂટો દોર આપવામાં આવે તો તે મુક્ત વેપાર માટે ખૂબ અડચણ ઊભી કરી શકે છે અને માલ વહનમાં ખૂબ કનડગત રૂપ સાબિત થઈ શકે તેમ છે.
 • અધિકારીના વેરિફિકેશન રિપોર્ટ ઉપરથી સ્પષ્ટ છે કે કરદાતા દ્વારા કલમ 68 હેઠળ જરૂરી દસ્તાવેજો રાખવામા આવ્યા હતા. માલના વજન-જથ્થા સબંધે પણ કોઈ પ્રશ્ન રહેતો ના હતો.
 • કલમ 129 માં કરવામાં આવેલ જોગવાઈથી સ્પષ્ટ છે કે જો વહન થઈ રહેલા માલમાં કોઈ કાયદાકિય ઉલંઘ્ન કરવામાં આવ્યું હોય તો આ કલમ લાગુ થઈ શકે છે.
 • ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે ઊભી કરવામાં આવેલ શંકા એ માલ વહન સાથે જોડી શકાય નહીં.
 • સરકાર તરફે સુપ્રીમ કોર્ટ તથા અન્ય હાઇકોર્ટના જે ચુકાદા રજૂ કરવામાં આવ્યા છે તેના તથ્યો આ કેસના તથ્યો કરતાં અલગ છે.
 • જી.એસ.ટી. કાયદો હજુ નવો છે અને તેને સામાન્ય બનવામાં હજુ સમય લાગશે.
 • અધિકારીની સત્તા, કરદાતાના હક્ક/જવાબદારીઓ વગેરે સ્પષ્ટ થતાં હજુ થોડો સમય લાગશે.
 • આ નોટિસ આ પ્રકારની મુશ્કેલીનું ઉદાહરણ છે.
 • કરદાતાનો માલ 11.03.2021 થી જપ્ત થયેલ છે. આમ, આટલા દિવસમાં જરૂરી તપાસ થઈ ગઈ હોય એમ માની શકાય છે અને માલ જપ્તી હવે જરૂરી રહેતી નથી.
 • અધિકારીને આદેશ કરવામાં આવે છે કે 15 લાખની રકમના રાજસ્થાન રાજ્ય જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ બે યોગ્ય “સ્યોરિટી” આપવામાં આવે ત્યારે આ માલ છોડી આપવામાં આવે.
 •  અધિકારી કરદાતા પાસે બેન્ક ગેરંટીનો આગ્રહ રાખે નહીં.
 • કરદાતા દ્વારા આ કોર્ટને એક બહેધરી આપવાની રહેશે કે આ મુદ્દાઑ ઉપર જે અન્ય કેસ તેમના ચાલુ છે તેના નિર્ણય જો તેમની વિરુદ્ધ આવે તો તેઓ ટેક્સ અને પેનલ્ટી ભરી આપશે.
 • આ કેસની હવે પછીની સુનાવણી 19.04.2011 ના રોજ હાથ ધરવામાં આવશે.

(સંપાદક નોંધ: આ કેસ કરદાતાઓની તરફેણમાં ખૂબ મહત્વનો કેસ ગણી શકાય. સરકાર તરફે બેન્ક ગેરંટી આપવા અનેક કેસો ટાંકવામાં આવ્યા હોવા છતાં રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા એ કેસો અને આ કેસના તથ્યોને અલગ પાડવામાં આવ્યા હતા. માલ વહન દરમ્યાન જી.એસ.ટી. કાયદાની કલમ 68 હેઠળ જરૂરી દસ્તાવેજો હોય તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, બોગસ ખરીદી જેવા મુદ્દાઑ લઈ કરદાતાને હેરાનગતિ કરવામાં આવે તે યોગ્ય નથી તેવું આ આદેશથી પ્રતિપાદિત થાય છે. બેન્ક ગેરંટીના સ્થાને “સ્યોરિટી” લેવાનો આદેશ પણ કરદાતા માટે ખૂબ આવકારદાયક ગણી શકાય. આ આદેશ એ અંતરીમ આદેશ છે પરંતુ તેમાં પ્રતિપાદિત સિદ્ધાંત વધુ મહત્વના છે)

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે, તા. 14.04.2021

error: Content is protected !!