દર્દીનું મૃત્યુ થાય ત્યારે બેદરકારીના ઠોસ પુરાવા વગર ડોક્ટરને જવાબદાર ઠેરવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
તા. 15.05.2022
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકદો આપતા જણાવ્યુ છે કે દરેક કિસ્સામાં દર્દીનું મૃત્યુ થયું હોય ત્યારે કોઈ ઠોસ પુરાવા વગર તબીબીને જવાબદાર ગણી શકાય નહીં. આ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે ડોક્ટરો પાસેથી વાજબી કાળજી લેવાની અપેક્ષા ચોક્કસ રાખવામાં આવે છે, પરંતુ કોઈ પણ વ્યાવસાયિ એ ખાતરી આપી શકતો નથી કે તે ચોક્કસ પણે દર્દી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશે. આ બાબત દર્દીની પરિસ્થિતી ઉપર પણ મહદ્દઅંશે નિર્ભર કરે છે.
“તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના નિષ્કર્ષ પર તપાસ અધિકારી આવે તે પહેલાં તબીબી પુરાવા પર પૂરતી તથા યોગ્ય સામગ્રી ઉપલબ્ધ હોવી જરૂરી છે. અજય રસ્તોગી અને અભય એસ ઓકાની બેન્ચે જણાવ્યું હતું કે, દર્દીનું મૃત્યુ થાય ત્યારે પ્રથમદર્શિય રીતે તબીબને બેદરકાર ગણી શકાય નહીં. “મેડિકલ પ્રેક્ટિસમાં, સારવાર વિવિધ અભિગમો ઉપર આધાર રાખતી હોય છે. મેડિકલ પ્રેકટિશનરના અભિપ્રાયમાં તથા મંતવ્યોમાં તફાવત હોવું સ્વાભાવિક છે. હા એ બાબત ચોક્કસ છે કે કોઈ પણ તબીબ દ્વારા સારવારની અપનાવવામાં આવતી પદ્ધતિમાં તબીબી પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા તબીબના તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે એક મહિલા અને તેના બાળકો દ્વારા આ અપીલ દાખલ કરવામાં આવી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ અને પોસ્ટ ઓપરેટીવ ગૂંચવણોમાંથી પસાર થયા બાદ 3 ફેબ્રુઆરી, 1996ના રોજ તેમની લાંબી માંદગી બાદ પતિનું દુઃખદ અવસાન થયેલ હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગનો આદેશને યોગ્ય ઠેરવી જણાવ્યુ હતું કે તથ્યોના આધારે આ મામલો બેદરકારીનો મામલો નથી. સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપતા જણાવ્યું હતું કે તબીબી વ્યવસાયી ફક્ત ત્યારે જ જવાબદાર બને જ્યાં તેનું વર્તન તેના ક્ષેત્રમાં વાજબી રીતે સક્ષમ પ્રેક્ટિશનરના ધોરણોથી નીચે આવે. “બેદરકારી” શબ્દની કોઈ વ્યાખ્યાયિત સીમાઓ નથી. “બેદરકારી” અંગે જે તે કિસ્સામાં, સંજોગો મુજબ નિર્ણય લેવાનો રહે. આ બેદરકારી પુરવાર કરવાની જવાબદારી પ્રતિપક્ષની છે. આમ, કોઈ ડોક્ટરને બેદરકારી બદલ જવાબદાર ઠરાવતા પહેલા તે બેદરકારી અંગે યોગ્ય પુરાવા હોવા જરૂરી છે. આ કેસના તથ્યો અંગેની ચર્ચા કરતા બેન્ચે જણાવ્યુ હતું કે સારવાર કરનારા ડોકટરો, બધા શૈક્ષણિક રીતે સારા અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં નિષ્ણાત હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં નેફ્રોલોજી અને સર્જરીના ક્ષેત્રમાં તેમની જાહેર કરેલી લાયકાત અને તેમની તબીબી કુશળતા પર અપીલકર્તાઓ દ્વારા શંકા કરવામાં આવી નથી. આ કેસમાં એવું પણ નથી કે જ્યારે 12મી નવેમ્બર 1995ના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તે સમયે દર્દીની સારી લાયકાત ધરાવતા ડોકટરો દ્વારા તબીબી સારવાર કરવામાં આવી ન હતી. ખંડપીઠે કહ્યું કે પોસ્ટ ઓપરેટિવ સહાય તથા ત્યાર બાદની સંભાળ અંગે ફરિયાદો કરવામાં આવી છે. આ કેસમાં બે સાક્ષીઓની જુબાની જે રેકોર્ડ પર આવી છે, તે દરમિયાન દર્દી દ્વારા તેના ડાબા હાથના ભાગે દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી. 12 દિવસ ICUમાં રહ્યા બાદ 24 નવેમ્બર, 1995ના રોજ રજા આપવામાં આવી. “જો કે દર્દીની આ ફરિયાદ સતત રહી હતી. રેકોર્ડ ઉપર મોજૂદ દસ્તાવેજો મુજબ દર્દીને તબીબી રીતે માન્ય દવાઓ આપવામાં આવી હતી. આ તમામ તકેદારી લીધી હોવા છતાં જો દર્દીને બચાવી ન શકાય, તો તે પોતે પોસ્ટ ઓપરેટિવ તબીબી બેદરકારીનો કેસ ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યુ હતું કે અપીલકર્તા તેના પતિને ગુમાવવાની પીડા અને તેણીએ જે આઘાત સહન કર્યો છે તે સમજે છે, પરંતુ આ વ્યક્તિગત પીડાના કારણે તબીબને જવાબદાર ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વના ચુકાદો આપતા અરજકર્તાની અપીલ નામંજૂર કરી હતી.
સંપાદક નોંધ:
(આપણાં સમાજમાં ડોક્ટરને ભગવાનુ રૂપ માનવામાં આવે છે. કોઈ દર્દીનું મૃત્યુ થાય ત્યારે ઘણીવાર ડોક્ટરો સાથે દર્દીના સગઓનું રૂપ ઘણીવાર ખૂબ ઉગ્ર બની જતું હોય છે. કોઈ દર્દીનું મૃત્યુ થાય એટ્લે ડોક્ટર સીધી રીતે જવાબદાર બની જતાં નથી તે અંગે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચવો જરૂરી છે. આ સામે તબીબોએ પણ નિયત પ્રોટોકોલ પ્રમાણે દર્દીઓની કાળજી લેવી પણ જરૂરી છે તે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે)