આ સંજોગોમાં થઈ શકે છે ઇન્કમ ટેક્સ હેઠળ તપાસ!!! જાણો તમે તો નથી પડતાં ને આ યાદીમાં?

Spread the love
Reading Time: 2 minutes

વર્ષ 2022 23 માટે ઇન્કમ ટેક્સ સ્કૃટીની હેઠળ કેસો પસંદ કરવાની માર્ગદર્શિકા પાડવામાં આવી બહાર

તા. 16.05.2022: કરદાતાઓ દ્વારા ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્ન કોઈ પણ જાતની વિશિષ્ટ તપાસ કર્યા વગર સ્વીકારી લેવામાં આવતું હોય છે. પરંતુ અમુક ખાસ કિસ્સાઓમાં તથા વિશિષ્ટ સંજોગોમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરદાતાના રિટર્નની તથા વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હોય છે. આ તપાસને “ઇન્કમ ટેક્સ સ્કૃટીની” તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2022 23 માટે ક્યાં પ્રકારના કેસોની “સ્કૃટીની” માટે પસંદગી કરવામાં આવશે તે અંગેની એક માર્ગદર્શિકા ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સંસ્થા CBDT દ્વારા 11 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા મુજબ નીચેના સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન/કરદાતાની ફરજિયાત તલસ્પર્શી સંપૂર્ણ સ્કૃટીની (તપાસ) હાથ ધરવાની રહેશે.

  • જે કરદાતાઓ ઉપર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 133A હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો હોય તેવા કેસો. જો કે સર્વે વાળા કેસોમાં જે કેસોમાં કરદાતાના ચોપડા, સાહિત્ય જપ્ત ના કરવામાં આવ્યું હોય, કરદાતાએ સર્વેના વર્ષમાં દર્શાવેલ આવક જે તે વર્ષ પહેલાના આવક કરતાં વધુ દર્શાવેલ અને કરદાતા દ્વારા સર્વેમાં આવામાં આવેલ “ડિસ્કલોઝર” પરત ના ખેંચવામાં આવેલ હોય તેવા કેસોને આ ફરજિયાત સ્કૃટીની લાગુ પડશે નહીં.
  •  ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 132 હેઠળ “સર્ચ કે સીઝર” કરવામાં આવેલ હોય તેવા કેસો.
  • જે કેસોમાં અધિકારી દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 142(1) હેઠળ કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જણાવવામાં આવ્યું હોય અને જે કરદાતાઑએ આ નોટિસ મળી હોવા છતાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભર્યું હોય.
  • એવા કેસો જેમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 148 હેઠળ ફેર આકારણી (રી એસેસમેન્ટ) ની નોટિસ આપવામાં આવી હોય.
  • એવા કેસો જેમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 12A, 10(23C) જેવી કરમુક્તિ માટે કરદાતા દ્વારા અરજી કરવામાં આવી હોય અને આ અરજી રિજેક્ટ થયેલ હોય,
  • પાછલા વર્ષોમાં કાયદા અંગે કે હકીકત અંગે સમાન મુદ્દા ઉપર આકારણી કરી માંગણું ઊભું થયેલ હોય તથા જેનો આવક અંગે ઉમેરો અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં 25 લાખથી  વધુ હોય તથા તે સિવાયના શહેરોમાં 10 લાખથી વધુ હોય અને કરદાતા આ અંગે અપીલમાં ના ગયા હોય અથવા તો અપીલમાં ગયા હોય ત્યાં અપીલ ડિપાર્ટમેંટની તરફેણમાં ચુકાદો આવ્યો હોય.
  • એવા કેસો જ્યાં કરદાતા દ્વારા કરચોરી આચરવામાં આવી હોવા અંગેની વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે ઉપલબ્ધ હોય.

આ માર્ગદર્શિકામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અંગે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 142(1) હેઠળ નોટિસ આપવામાં આવેલ હોય અને કરદાતા દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપવામાં આવ્યું હોય ત્યારે તેવા કેસોની સ્કૃટીની ફરજિયાત પણે કરવાની રહેશે નહીં પરંતુ CASS એટલેકે કોમ્પ્યુટર એઇડેડ સ્કૃટીની સિલેકશન દ્વારા કરવાની રહેશે. એ બાબત ધ્યાને રાખવી જરૂરી છે કે ઉપરોક્ત કિસ્સાઓમાં જણાવેલ છે તે ઉપરાંત CASS દ્વારા અનેક રિટર્નની તપાસ “લિમિટેડ સ્કૃટીની” તરીકે કરવામાં આવતી હોય છે. આ “લિમિટેડ સ્કૃટીની” માં “રેંડમ સિલેક્શન” તથા “ક્રાઇટેરિયા બેઇઝ સિલેકશન” કરવામાં આવતું હોય છે. આ માર્ગદર્શિકામાં સ્પષ્ટ રીતે અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ “સ્કૃટીની” અંગેની 143(2) હેઠળની નોટિસ 30.06.2022 સુધીમાં આપી દેવાની રહેશે. આ “સ્કૃટીની” માટેના કેસોની પસંદગી 31.05.2022 સુધીમાં કરી લેવાની રહેશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!
18108