જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનામાં આ કર્યો કરવાનું ચૂકશો નહીં!!
-By Bhavya Popat
તા. 09.04.2023
જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનો ખૂબ મહત્વનો રહેતો હોય છે. ખાસ કરીને કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે તથા આ પરવાનગી રદ કરી 01 એપ્રિલથી નોર્મલ કરદાતા તરીકે ટેક્સ ભરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હોય તેવા કરદાતા માટે આ મહિનો વિશેષ મહત્વ ધરાવતો હોય છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાએ તેઓના ત્રિમાસિક ટેક્સના ફોર્મ CMP-08 ઉપરાંત તેઓનું વાર્ષિક રિટર્ન GSTR 4 પણ એપ્રિલમાં ભરવાનું થતું હોય છે. આ ઉપરાંત કોઈ કરદાતા જેઓ અગાઉ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હતા અને તેઓ 01 એપ્રિલથી કંપોઝીશનમાંથી નોર્મલ કરદાતા તરીકે ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકારે છે તેઓ માટે પણ એપ્રિલમાં સ્ટોક ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા ITC 01 ફોર્મ 30 એપ્રિલ સુધી ભરવું ફરજિયાત છે. આ ઉપરાંત ગત વર્ષનું ટર્નઓવર નિયત મર્યાદાથી ઓછું હોય કોઈ કરદાતા જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરાવવા અરજી કરવા માંગતા હોય તો પણ 30 એપ્રિલ સુધીમાં આ અરજી કરવી જરૂરી છે. આ લેખમાં એપ્રિલમાં કરવાના થતાં મહત્વના કર્યો વિષે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરવાની મુદત છે 30 એપ્રિલ 2022:
જ્યારે કોઈ કરદાતા પોતાનું ટર્નઓવર જી.એસ.ટી. હેઠળની મર્યાદાથી ઓછું થાય અથવાતો તેઓનો ધંધો 31 માર્ચ 2024થી બંધ કરવામાં આવ્યો હોય ત્યારે જી.એસ.ટી. નોંધણી નંબર રદ્દ કરાવવાની અરજી 30 એપ્રિલ 2023 પહેલા કરવાની રહે છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપર હાલ જે પદ્ધતિ કાર્યરત છે તે મુજબ 31 માર્ચ 2024 થી નોંધણી દાખલો રદ્દ કરવાનો થતો હોય તેઓએ મોડમાં મોડી 30 એપ્રિલ સુધીમાં નોંધણી દાખલો રદ્દની અરજી કરી આપવાની રહે છે. એ બાબત નોંધવી ખૂબ જરૂરી છે કે મે 2024 કે ત્યાર બાદ નોંધણી રદ કરવાની અરજી કરવામાં આવે તો જી.એસ.ટી. પોર્ટલ 31 માર્ચ 2024 ની તારીખ પસંદ કરવાનો વિકલ્પ કરદાતાને આપશે નહીં. આમ, જી.એસ.ટી. નંબર રદ કરાવવા માંગતા હોય તેવા કરદાતાએ આ નોંધણી દાખલો રદ્દ કરવાની અરજી 30 એપ્રિલ સુધીમાં કરી આપવી અત્યંત જરૂરી છે. હા, આ અરજી કરતાં પહેલા નોંધણી રદ્દની અરજી કરવા સમયે સ્ટોક ઉપર ભરવાના થતાં ટેક્સ બાબતે જાણકારી મેળવી લેવી જરૂરી છે.
કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઑ માટેનું વાર્ષિક રિટર્ન:
જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા માટે દર ત્રણ મહિને CMP 08 દ્વારા ટેક્સ ભરવાનો થતો હોય છે. આ CMP 08 ઉપરાંત વાર્ષિક GSTR 4 ભરવાની જવાબદારી પણ રહેતી હોય છે. આ GSTR 4 માં કરદાતાનું વેચાણ ઉપરાંત ખરીદીની વિગતો પણ દર્શાવવાની રહેતી હોય છે. આ વાર્ષિક રિટર્ન કંપોઝીશન કરદાતાએ 30 એપ્રિલ સુધીમાં ભરવાનું રહેતું હોય છે. જો આ રિટર્ન મોડુ ભરવામાં આવે તો રોજ 50 જેવી લેઇટ ફી લાગુ પડતી હોય છે. આ લેઇટ ફી મહત્તમ “નીલ” રિટર્ન ના સદર્ભમાં મહત્તમ 500/- અને એ સિવાયના GSTR 4 રિટર્ન માં 2000 સુધીની લેઇટ ફી લાગુ પડતી હોય છે. આમ, કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાએ એપ્રિલ માહિનામાં GSTR 4 સમયસર ભરવું જરૂરી છે.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા 30 એપ્રિલ સુધીમાં ભરવામાં આવે ITC 01 ફોર્મ
કંપોઝીશનમાંથી બહાર નીકળવાનો વિકલ્પ જ્યારે 01 એપ્રિલ 2024 થી સ્વીકારવામાં આવ્યો હોય ત્યારે 31 માર્ચના રોજ સ્ટોકમાં રહેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કરદાતાએ ITC 01 ફોર્મ નિયત તારીખથી 30 દિવસમાં ભરવાનું થતું હોય છે. આ ફોર્મ 30 એપ્રિલ સુધીમાં ભરવામાં ના આવે તો કરદાતાને પોતાના સ્ટોક ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. એક ટેક્સ પ્રોફેશનલ તરીકે ક્યારેક એવું ધ્યાને આવતું હોય છે કે આ જોગવાઈની અજાણતાને કારણે આ ફોર્મ સમયસર ભરવામાં આવતું નથી. આ કારણે ઘણીવાર કરદાતાને મોટુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. આમ, આ ફોર્મ સમયસર 30 એપ્રિલ સુધીમાં ભરવું ખૂબ જરૂરી છે.
ઇ ઇંવોઇસ અંગેની જવાબદારી ચેક કરી લેવી છે જરૂરી:
કોઈ પણ કરદાતાનું ટર્નઓવર ગત નાણાકીય વર્ષ 2023 24 માં 5 કરોડથી વધુ થયું હોય તો 01 એપ્રિલ 2024 થી તેઓ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બની જશે. ઇ ઇંવોઇસ માટે જવાબદાર કરદાતા આ જોગવાઈનું પાલન ના કરે તો વેચનાર વેપારી દંડકીયા જોગવાઈ માટે જવાબદાર બની જાય છે અને ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત થતાં હોય છે. આ બાબતે કરદાતાએ પોતાની જવાબદારી ચકાસી લેવી જરૂરી છે.
નિયમિત ભરવાના થતાં માસિક/ત્રિમાસિક GSTR 1 તથા GSTR 3બી:
કંપોઝીશન સિવાયના કરદાતાઑ માટે એપ્રિલ મહિનામાં પોતાના ત્રિમાસિક અથવા માસિક GSTR 1 ભરવાના રહેતા હોય છે. માસિક ધોરણે ભરવાના થતાં GSTR 1 ભરવાની નિયત તારીખ 11 એપ્રિલ છે જ્યારે ત્રિમાસિક GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ છે. આ ઉપરાંત કંપોઝીશન સિવાયના કરદાતાઓએ ભરવાના થતાં GSTR 3B ની નિયત તારીખ 5 કરોડ સુધીના ટર્નઓવર માટે 22 એપ્રિલ છે જ્યારે 5 કરોડ કે તેથી વધુના ટર્નઓવર માટે 20 એપ્રિલ છે.
એપ્રિલ મહિનામાં ગત વર્ષની આઉટપુટ તથા ઈન્પુટ અંગેની વિગતો પોર્ટલ ઉપર ચેક કરી લેવી છે જરૂરી!
જી.એસ.ટી. હેઠળ ગત વર્ષ એટ્લે કે નાણાકીય વર્ષ 2023 24 માં વેચાણ ઉપર ભરવાની થતી આઉટપુટ જવાબદારીમાં GSTR 1 તથા GSTR 3B માં કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે GSTR 2B તથા 3B વચ્ચે કોઈ તફાવત હોય તો તેની અસર એપ્રિલ મહિનામાં માર્ચ 2024 ના રિટર્નમાં અસર આપી દેવી અત્યંત જરૂરી છે. જો આ અસર માર્ચ મહિનાના રિટર્નમાં ના આપવામાં આવે તો ત્યાર બાદના નાણાકીય વર્ષમાં આપવામાં આવે તો કરદાતા તથા તેમના એકાઉન્ટન્ટ અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે આ અંગેની વિગતો વાર્ષિક રિટર્નમાં ભરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. આ મુશ્કેલી થી બચવા એપ્રિલ મહિનામાં જે માર્ચનું રિટર્ન ભરવામાં આવે તે વધુ તકેદારી રાખી ભરવામાં આવે તે જરૂરી છે.
સામાન્ય રીતે એવું માનવમાં આવતું હોય છે કે ટેક્સ પ્રોફેશનલ્સ માટે માર્ચ મહિનો સૌથી મુશ્કેલ રહેતો હોય છે. જ્યારે હવે ટેક્સ પ્રોફેશનલ્સ માટે એપ્રિલ, જુલાઇ, ઓક્ટોબર જેવા મહિનાઓ વધુ મુશ્કેલ રહેતા હોય છે. જી.એસ.ટી. હોય કે ઇન્કમ ટેક્સ હાલ ટેક્સ પ્રોફેશનલસે અને કરદાતા બન્નેએ સિસ્ટમ પ્રમાણે ચાલવાનું રહેતું હોય છે. કરદાતા કે ટેક્સ પ્રોફેશનલ્સ સિસ્ટમ ઉપર આપવામાં આવેલ સમયમર્યાદા ચૂકે તો ઘણીવાર ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે. ટેક્સ પ્રોફેશનલ્સ સાથે કરદાતા પણ આ અંગે પોતાની જવાબદારી સમજે એ ખૂબ જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે.)