ઇન્કમ ટેક્સ હેઠળ આવી છે નોટિસ??? આ નોટિસને ના કરો નજરઅંદાજ!!!

Spread the love
Reading Time: 3 minutes

તા. 21.02.2023

ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 147 હેઠળ સામાન્ય રીતે જે તે આકારણી વર્ષથી ત્રણ વર્ષની અંદર કરદાતા દ્વારા થયેલ વ્યવહારોની તપાસ હાથ ધરવાની નોટિસ આપવામાં આવતી હોય છે. હાલમાં આકારણી વર્ષ 2019-20 (નાણાકીય વર્ષ 2018 19) માટેની નોટિસો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આપવામાં આવી રહી છે. હાલમાં આપવામાં આવતી આ નોટિસ એ પ્રાથમિક તપાસ અંગેની નોટિસ છે. આ નોટિસ ઉપર કરદાતાઓ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે.

નાણાકીય વર્ષ 2018 19 માટેના વ્યવહારો માટે આપવામાં આવી છે નોટિસો:

હાલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નાણાકીય વર્ષ 2018 19 (આકારણી વર્ષ 2019-20) સંદર્ભે નોટિસો આપવામાં આવી છે. આ નોટિસ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 148A(b) હેઠળ આપવામાં આવી છે. આ નોટિસ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ કરદાતાને તેઓના વ્યવહારોની માહિતી આપવા જણાવે છે. કરદાતા દ્વારા આપવામાં આવેલ માહિતી યોગ્ય જણાય તો કરદાતાનો કેસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા બંધ કરી આપવામાં આવે છે. જો કરદાતા દ્વારા આપવામાં આવેલ માહિતી યોગ્ય તથા પૂરતી ના માનવમાં આવે અથવાતો આ પ્રાથમિક નોટિસનો કોઈ જવાબ કરદાતા દ્વારા ના આપવામાં આવે તો ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા આ અંગે એક આદેશ પસાર કરવાનો રહે છે. આ આદેશ પસાર કર્યા બાદ કરદાતાના વ્યવહારોની તપાસની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

પ્રાથમિક નોટિસમાં વિગતો આપવી છે જરૂરી

ઇન્કમ ટેક્સ હેઠળ આપવામાં આવેલી ઘણી નોટિસો એવી છે જેની વિગતો કરદાતા પાસે સરળતાથી ઉપલબ્ધ છે. આવી વિગતો આપી કરદાતા દ્વારા કરવામાં આવેલ વ્યવહારો જો તેઓના નિયત ટેક્સ ભરેલ રકમમાંથી કરવામાં આવેલ હોય ત્યારે આવી વિગતો સમયસર આપવામાં આવે તે જરૂરી છે. જો આવી વિગતો સમયસર આપવામાં આવે તો આ કેસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ત્યારે જ બંધ કરી આપવામાં આવતો હોય છે.

અધિકારી દ્વારા ઓછામાં ઓછા 7 દિવસ માટે આપવામાં આવે છે વિગતો આપવા માટે સમય:

ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા તેઓની પાસે રહેલી માહિતી બાબતે વિગતો રજૂ કરવા કરદાતાને ઓછામાં ઓછો 7 દિવસનો સમય આપવો ફરજિયાત છે. આ સમયમાં કરદાતાએ પોતાનો જવાબ, વિગતો સાથે આપવો જરૂરી છે. અનિવાર્ય સંજોગોમાં કરદાતા દ્વારા સમય વધારવા માટે ઓનલાઈન અરજી કરી સમય મેળવવાનો પણ વિકલ્પ રહેલો છે.

અધિકારીને જવાબ મળ્યાના મહિનાના અંતથી 30 દિવસમાં પસાર કરવાનો રહે છે આદેશ:

ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટિસનો કરદાતા દ્વારા વિગતો સાથે જવાબ આપવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં કરદાતાનો જવાબ માન્ય રહેવા કે ના રહેવા અંગેનો આદેશ જવાબ રજૂ થયો હોય તે મહિનાના અંતથી 30 દિવસમાં આદેશ પસાર કરવો જરૂરી છે. કરદાતા દ્વારા જો કોઈ જવાબ રજૂ કરવામાં ના આવે તો નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તે મહિનાના અંતથી 30 દિવસની અંદર કલમ 148A (d) હેઠળ આદેશ પસાર કરવાનો રહે છે.

આ નોટિસમાં કેવી કેવી વિગતો આપવાની રહે છે?

ઇન્કમ ટેક્સની નોટિસ આવે ત્યારે કરદાતા ઘણી મુંજવણ અનુભવતા હોય છે. ખાસ કરીને આ નોટિસમાં શું જવાબ આપવો તે પ્રશ્ન કરદાતાના મનમાં ઉદભવે તે સ્વાભાવિક છે. શું જવાબ આપવો તે અંગે જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે પરંતુ જે પ્રમાણે ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા નોટિસમાં વિગતો માંગવામાં આવી હોય તે મુજબ અલગ અલગ વિગતો કરદાતા દ્વારા આપી જોઈએ. ઉદાહરણ સ્વરૂપે કરદાતા દ્વારા આપવાની થતી વિગતો વિષે નીચે ઉલ્લેખ કરવામાં આવેલ છે.

નોટિસમાં આપવામાં આવેલ વિગત કરદાતા દ્વારા આપવાની થતી માહિતી
બેન્કમાં રોકડ જમા કરાવવા બાબત જમા રકમ કઈ આવક કે સ્ત્રોત માંથી કરાવેલ છે તે અંગેની વિગતો
વિવિધ રોકાણ સંદર્ભે નોટિસ રોકાણ કઈ આવક કે સ્ત્રોત માંથી કરાવેલ છે તે અંગેની વિગતો
જમીન કે મકાન ખરીદી બાબતની નોટિસ જમીન કે મકાન ખરીદી કઈ આવક કે ક્યાં સ્ત્રોત માંથી કરેલ છે તે અંગેની વિગતો
જમીન કે મકાન વેચાણ બાબતે નોટિસ જમીન કે મકાન-મિલ્કત ખરીદ તથા વેચાણના દસ્તાવેજની વિગતો
શેર બજારના વ્યવહારો અંગે વિગતો શેર બ્રોકર પાસેથી P & L accounts, ફાઇનાન્સિયલ લેજર અને ડિમેટ સ્ટેટમેન્ટ

આ નોટિસનો જવાબ આપવામાં ના આવે તો શું થાય?

આ નોટિસનો જવાબ ના આપવામાં આવે તો શું થાય તે અંગે પણ સવાલ ઊઠે તે સ્વાભાવિક છે. આ નોટિસનો જવાબના આપવામાં આવે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરદાતાની વિગતવાર ચકાસણી કરવામાં આવે છે. આ વિગતવાર ચકાસણી દરમ્યાન આ વિગતો કરદાતાએ આપવાની જ રહે છે પરંતુ આ ઉપરાંત પણ ઘણી વિગતો આપવા કરદાતા જવાબદાર બને છે. આ ઉપરાંત આ કાર્યવાહી ઘણો લાંબો સમય સુધી ચાલતી હોય છે આથી કરદાતાએ આ દરમ્યાન લાંબો સમય સુધી માનસિક બોજમાં રહેવું પડતું હોય છે. આ કારણે એક ટેક્સ એડવોકેટ તરીકે મારો આગ્રહ છે કે ઇન્કમ ટેક્સની નોટિસ આપવામાં આવી હોય ત્યારે કરદાતા દ્વારા કોઈ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક કરી આ નોટિસનો જવાબ આપવા બાબતે સલાહ લઈ લે તે જરૂરી છે. કોઈ પણ સંજોગોમાં આ નોટિસને નજર અંદાજ કરવામાં ના આવે તે જરૂરી છે.

By Bhavya Popat

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 20.02.2023 ના રોજ પ્રકાશિત થયો છે.)

error: Content is protected !!