ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ 30 સપ્ટેમ્બર પહેલા કરાવવાનું ચૂકશો નહીં!!
ઓડિટ માટે જવાબદાર કરદાતાને ઇન્કમ ટેક્સ હેઠળ રિટર્ન ભરવા મળશે 31 ઓક્ટોબર સુધીનો સમય
તા. 29.08.2023
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ધંધાકીય આવક ધરાવતા કરદાતાનું નાણાકીય વર્ષનું ટર્નઓવર જ્યારે નિયત મર્યાદાથી વધુ થતું હોય ત્યારે પોતાના ધંધાકીય ચોપડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવા જરૂરી રહેતા હોય છે. આ કરદાતાઓને ઓડિટ સિવાયના કરદાતાઓ કરતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં વધુ સમય આપવામાં આવતો હોય છે. આજે આ લેખમાં ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ અંગેની મહત્વની જોગવાઇઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.
ક્યાં કરદાતાઓ માટે ઓડિટ બને છે ફરજિયાત?
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AB હેઠળ કોઈ નાણાકીય વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 1 કરોડથી વધુ હોય ત્યારે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે પોતાના ધંધાકીય ચોપડા ઓડિટ કરાવવા જવાબદાર બને છે. કરદાતાના ધંધામાં કોઈ વર્ષમાં જ્યારે કુલ વેચાણ પૈકી રોકડ વેચાણ 5% થી વધુ ના હોય અને તેમનો ધંધાકીય ચૂકવણીઓ કુલ ચુકવણીઓના 5% થી વધુ ના હોય તેવા કરદાતા માટે ઓડિટ કરાવવા અંગે વિશેષ છૂટ આપવામાં આવેલ છે. આવા કરદાતા કે જેઓ ઉપરક્ત બન્ને શરતો પૂર્ણ કરતાં હોય તેમના માટે ઇન્કમ ટેક્સ ઓડિટના ટર્નઓવરની મર્યાદા 1 કરોડની જગ્યાએ 10 કરોડ ગણવાની રહેશે.
ઇન્કમ ટેક્સ હેઠળ કોઈ વ્યવસાયી (પ્રોફેશનલ) જ્યારે પોતાના વ્યવસાયની રિસીપ્ટ (આવક) 50 લાખથી વધુ થાય ત્યારે તેઓ પોતાના ધંધાકીય ચોપડા ઓડિટ કરાવવા જવાબદાર બને છે. પ્રોફેશનલ્સમાં ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એંજિનિયર વગેરે જેવા વ્યવસાયનો સમાવેશ થાય છે. વ્યવસાય એટ્લે એવા ધંધા કે જેમાં કોઈ પણ “ડિગ્રી” મહત્વની હોય.
ઉપરોક્ત સ્થિતિ ઉપરાંત જ્યારે કરદાતાનો ધંધો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD, 44AE, 44ADA જેવી અંદાજિત આવક યોજના હેઠળ સમાવિષ્ટ થતો હોય અને કરદાતા આ જોગવાઈમાં નિર્દિષ્ટ નફાથી ઓછો નફો દર્શાવતા હોય ત્યારે પણ તેઓ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ કરાવવા જવાબદાર બની જતાં હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વેપારીનું નાણાકીય વર્ષનું ટર્નઓવર 90 લાખ છે. તેઓનો નફો માત્ર 5 લાખ જ છે. તેઓનો રિટેઈલ વેપારનો ધંધો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ સમાવિષ્ટ થાય છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ ટર્નઓવરના 8 % નફો દર્શાવવો ફરજિયાત છે. હવે જ્યારે કરદાતા 8% (90,00,000 ના 8% એટ્લે 7,20,000) થી ઓછો નફો દર્શાવે છે તો તેવા સંજોગોમાં તેઓનું ટર્નઓવર નિયત મર્યાદાથી (1 કરોડની મર્યાદાથી) ઓછું હોવા છતાં તેઓ ઓડિટ કરાવવા જવાબદાર બની જાય છે. આવી જ રીતે કોઈ ડોક્ટર, એંજિનિયર જેવા વ્યવસાયીની ધંધાકીય રિસીપ્ટ 30 લાખ છે પરંતુ તેઓનો નફો માત્ર 10 લાખ જ દર્શાવે છે ત્યારે આ નફો પણ વ્યવસાયીઓ માટેની અંદાજિત આવક યોજનામાં નિર્દિષ્ટ આવક (કુલ રિસીપ્ટના 50%) કરતાં ઓછી હોય, તેઓ પણ રિસીપ્ટ 50 લાખ કરતાં ઓછી હોવા છતાં ઓડિટ કરાવવા જવાબદાર બનશે.
આ ઉપરાંત ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ સમાવિષ્ટ ધંધા માટે ઓડિટની મર્યાદા 1 કરોડના સ્થાને 2 કરોડ ગણવાની વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે. વાહન ભાડે ચલાવવાના ધંધા, કમિશન-બ્રોકરેજ, વ્યવસાયીઓ સિવાયના મોટા ભાગના ધંધા આ કલમ હેઠળ સમાવિષ્ટ થઈ જતાં હોય છે. આમ, સામાન્ય ધંધાર્થી પોતાનું ટર્નઓવર 2 કરોડ સુધી હોય અને તેઓ પોતાના ટર્નઓવરના 8% (ચેક દ્વારા થયેલ ટર્નઓવરના કિસ્સામાં 6%) દર્શાવી આપે તો તેઓને ઓડિટ કરાવવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જતી હોય છે.
ભાગીદારી પેઢી માટે શું ફરજિયાત ઓડિટ કરાવવાનું રહે?
આ પ્રશ્ન એક ટેક્સ પ્રોફેશનલ્સને વારંવાર પુછવામાં આવતો હોય છે. શું ભાગીદારી પેઢીએ ઇન્કમ ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત બની જતું હોય છે. આનો જવાબ છે હા, જ્યારે કોઈ ભાગીદારી પેઢી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD, 44ADA, 44AE હેઠળ નિર્દિષ્ટ ધંધો ચલાવતા હોય એને આ કલમોમાં લાગુ રકમ કરતાં ઓછો નફો દર્શાવતા હોય ત્યારે ઓડિટ કરાવવું ભાગીદારી પેઢી માટે ફરજિયાત બની જતું હોય છે. આ તકે એક બાબત ધ્યાને રાખવી ખૂબ જરૂરી છે કે ભાગીદારી પેઢી માટે નિયત નફાની (8% ની) ગણતરી કરવામાં ભાગીદારોને ચૂકવવામાં આવતું વ્યાજ અને મહેનતાણું વધારામાં બાદ મળશે નહીં. સરળ રીતે કહીએ તો ભાગીદારી પેઢી જ્યારે તેઓના ટર્નઓવરના 8% નફો દર્શાવી આપે અને તેના ઉપર ટેક્સ ભરવાની જવાબદારી સ્વીકારી લે તો તેઓની ઓડિટ કરવાની જવાબદારી આવે નહિ. પરંતુ ભાગીદારીના કિસ્સામાં ટર્નઓવરના 8% નફો દર્શાવવાથી તેના ઉપર 30% જેવો ઊચો ટેક્સ લાગતો હોય, સામાન્ય રીતે તમામ ભાગીદારી પેઢી ઓડિટ કરાવવાનો રસ્તો પસંદ કરતાં હોય છે. આમ, આડકતરી રીતે કહીએ તો તમામ ભાગીદારી પેઢીએ સામાન્ય રીતે ઓડિટ કરાવવું ફરજિયાત બની જતું હોય છે.
ટેકસેબલ આવક ના હોય તેવા કરદાતાને ઓડિટ કરાવવામાં મુક્તિ મળતી હોય છે:
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD(5) હેઠળ કોઈ કરદાતાનો ધંધાનો નફો નિર્દિષ્ટ ટકાવારીથી ઓછો હોય પરંતુ તેમની કુલ આવક ઇન્કમ ટેક્સ હેઠળની મુક્તિ મર્યાદાથી ઓછી હોય તો ધંધાકીય નફો નિર્દિષ્ટ ટકાવારીથી ઓછો હોવા છતાં તેઓને ઓડિટ કરાવવામાં મુક્તિ આપવામાં આવેલ છે. આ મુક્તિ બાબતે એક વાત સમજવી જરૂરી છે કે હાલ ઇન્કમ ટેક્સ હેઠળની મુક્તિ મર્યાદા 2.5 લાખની છે. ઘણા કરદાતાઓ મુક્તિ મર્યાદા 5 લાખ છે તેવી ખોટી માન્યતા ધરાવતા હોય છે. આ ઉપરાંત એ બાબત પણ જાણવી જરૂરી છે કે કુલ આવકમાં ભાડાની આવક, વ્યાજની આવક, મૂડીનફાની આવક વગેરે તમામ કરપાત્ર આવકનો સમાવેશ થઈ જાય છે.
ઇન્કમ ટેક્સ ઓડિટને પત્ર હોય તેવા કરદાતાએ ઓડિટ રિપોર્ટ ઓનલાઈન સ્વીકારવની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર 2023
નાણાકીય વર્ષ 2022 23 ના વર્ષ માટે ઓડિટ અપલોડ કરી આ ઓડિટ કરદાતાએ સ્વીકારવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. આ સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ ઓડિટ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર અપલોડ કરી આપે અને કરદાતા ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ડિજિટલ સહી દ્વારા આ ઓડિટ રિપોર્ટનો સ્વીકાર કરી લે તે જરૂરી છે. આ તારીખ બાદ ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ સ્વીકારવાથી કરદાતા દંડને પાત્ર બની શકે છે.
ઓડિટ લાગુ હોય તેવા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ઓક્ટોબર 2023 છે.
નાણાકીય વર્ષ 2022 23 માટે ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટને પાત્ર હોય તેવા કરદાતાના ઓડિટ રિપોર્ટ સ્વીકારવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. પરંતુ ઓડિટને પાત્ર હોય તેવા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. ઓડિટને પાત્ર હોય તેવી ભાગીદારી પેઢીના ભાગીદારો માટે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 રહેશે.
ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ કરાવવા જવાબદાર હોય તેવા કરદાતાઓ એ પોતાની જવાબદારી સમજી સમયસર આ કામગીરી કરવી ખાસ જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 28 ઓગસ્ટ 2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)