સહકારી બેન્ક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી માટે કરવામાં આવેલ ખર્ચ બાદ મળે: ITAT સુરત
તા. 30.05.2022: સહકારી બેન્કો, કંપનીઓ માટે મહત્વ ધરાવતો એક ચુકાદો ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રાઈબ્યુનલની સુરત બેન્ચ દ્વારા 17.05.2022 ના રોજ આપવામાં આવ્યો છે. કેસની હકીકત એવી છે સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપ બેન્ક એક સહકારી બેન્ક છે. બેન્ક દ્વારા પોતાના શતાબ્દી વર્ષ નિમિતે ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણી સંદર્ભે કાર્યેક્રમ રાખવામા આવ્યો હતો જે અંગે વિભિન્ન ખર્ચ કરવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા આ ખર્ચ આકારણીમાં નામંજૂર કરવામાં આવ્યો હતો. આકારણીના આ આદેશ સામે કરદાતા દ્વારા કમિશ્નર અપિલ્સમાં અપીલ કરવામાં આવી હતી. આ અપીલ કરદાતાની તરફેણમાં આવેલ હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કમિશ્નર અપીલના આદેશને ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલની સુરત બેન્ચ દ્વારા CIT વી. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેન્ક, ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સહિતના અન્ય ચૂકદાઓને ધ્યાને લઈ કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે સહકારી બેન્ક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી માટે કરવામાં આવેલ ખર્ચ, ઇન્કમ ટેક્સ હેઠળ ખર્ચ તરીકે બાદ મળે. સહકારી બેન્કો, સામાજિક સંસ્થાઓ, કંપનીઓને આ ચુકાદો ઉપયોગી સાબિત થઈ શકે છે. કરદાતા તરફથી ટ્રિબ્યુનલમાં સુરતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિતિશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે