જી.એસ.ટી. માં બિલિંગ પ્રવૃતિ દ્વારા થઈ રહી છે મોટા પ્રમાણમાં કરચોરી!!

Spread the love
Reading Time: 4 minutes

તા.30.05.2022

ક્યારેક જાણતા ક્યારેક અજાણ હોવાથી થઈ જાય છે કરચોરી

જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અવારનવાર કરચોરીના મોટા કૌભાંડોના સમાચાર વાંચવા-સાંભળવા મળી રહ્યા છે. અર્થતંત્રમાં મોટો પ્રમાણમા કરદાતાઓ જી.એસ.ટી. ચોરી કરી રહ્યા હોવાનું જી.એસ.ટી. ડિપાર્ટમેંટની માન્યતા છે. ગુજરાતમાં ભાવનગર તથા આસપાસના વિસ્તારોમાં થોડા સમય પહેલા બહાર આવેલા મોટા જી.એસ.ટી. કૌભાંડના કારણે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ખૂબ સતર્ક બની ગયું છે. આની સીધી અસર જી.એસ.ટી. દ્વારા નવા આપવામાં આવી રહેલા નોંધણી નંબરમાં પડી રહી છે. નવા નોંધણી નંબર મેળવવા માટેની અરજીઓ મોટા પ્રમાણમા નકરવામાં આવી રહી હોવાની માહિતી જમીની સ્તરે મળી રહી છે. ડિપાર્ટમેંટના અધિકારીઓ નામ ના આપવાની શરતે જણાવે છે કે તેઓને ડર છે કે જી.એસ.ટી. હેઠળ નવો નોંધણી દાખલો મેળવવા અરજી કરતા ઘણા મોટા પ્રમાણમા વેપારીઓ બોગસ બિલિંગ દ્વારા કરચોરી આચારનારા વ્યક્તિઓ છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટની આ માન્યતાના કારણે પ્રમાણિક કરદાતાઑ પણ જી.એસ.ટી. મેળવવામાં તકલીફ અનુભવી રહ્યા છે.

કેવી રીતે આચરવામાં આવે છે કરચોરી??

જી.એસ.ટી. હેઠળ કરચોરી મુખ્યત્વે બે રીતે આચરવામાં આવે છે. એક રીતે વેપારી બિલ બનાવ્યા વગર માલનું વેચાણ કરે છે. આ પદ્ધતિ ઘણી જૂની છે અને આ વિષે ખરીદનાર તથા વેચનાર મોટા ભાગે જાણકારી ધરાવતા હોય છે. કરચોરી આચારવાની અન્ય એક રીત એવી છે કે જ્યાં વેપારી માલનું વેચાણ કરતો નથી પરંતુ માત્ર બિલ આપી ટેક્સ ક્રેડિટ ખરીદનારને આપે છે. આ બન્ને પદ્ધતિ દ્વારા માર્કેટમાં મોટા પ્રમાણમા કરચોરી આચરવામાં આવી રહી હોવાની આશંકા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ સેવી રહ્યું છે.

માત્ર બિલ આપી માલ ના વેચવામાં આવે તેમાં કરચોરી કેવી??

વેપાર સાથે જોડાયેલા અનેક વેપારીની માન્યતા હોય છે કે કોઈ ખરીદનાર માલ ના ખરીદે આમ છતાં તેને બિલ આપવામાં આવે તો તેમાં જી.એસ.ટી. ચોરી થતી જ નથી. તેઓની આ માન્યતાનું કારણ આ છે કે તેઓ ના મતે તેઓ દ્વારા માલ તો વેચાણ કરવામાં આવ્યો જ છે. આમ, માલ પણ વેચાઈ ગયો છે, આ માલ ઉપરનું બિલ પણ તેઓ દ્વારા બનાવવામાં આવ્યું છે તો આ વ્યવહારમાં કરચોરી શેની??? આ બાબત વેપારીઓ એ ધ્યાને લેવી જરૂરી છે કે કોઈ પણ વ્યવહારમાં જે વ્યક્તિ માલની ખરીદી કરે છે તે વ્યક્તિને જ બિલ આપવું જરૂરી છે. આ પ્રકારે જ્યારે વેપારી વ્યવહાર કરે છે ત્યારે માલનું વેચાણ અને ઉપયોગ એક વ્યક્તિ કરે છે અને માલનું બિલ અન્ય વ્યક્તિના નામે બનાવવામાં આવે છે, જે વ્યક્તિ ના તો આ માલની ખરીદી કરે છે ના તો તેનો ઉપયોગ કરે છે. આવી વ્યક્તિ માત્ર બિલ ખરીદે છે માલ નહીં!! આવી પ્રવૃતિને જી.એસ.ટી. ની ભાષામાં “બોગસ બિલિંગ” ની પ્રવૃતિ ગણવામાં આવે છે. આ પ્રકારે બિલ ખરીદી ખરીદનાર વેપારી ના મળી શકે તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેતા હોય છે અને આ કારણે સરકારી તિજોરીને નુકસાન જતું હોય છે. અવારનવાર સમાચાર માધ્યમમાં પ્રકાશિત થતાં જી.એસ.ટી. કૌભાંડ અંગેના સમાચાર એ મુખ્યત્વે આ પ્રકારની કરચોરી અંગેના હોય છે. વેચનાર વેપારી ક્યારેક આ અંગે જાણકારી ના અભાવે આ પ્રકારની પ્રવૃતિમાં જોડાઈ જાય છે. ક્યારેક આ ભૂલ વેપારીઓને ખૂબ મુશ્કેલ પડી જાઇ છે. એક ટેક્સ પ્રોફેશનલ તરીકે આ પ્રકારના વ્યવહારથી દૂર રહેવા ખાસ આગ્રહ કરતાં હોય છે.

બિલિંગ કૌભાંડનો ભોગ બની શકે છે પ્રમાણિક વેપારી પણ!!

માર્કેટમાં મોટા પ્રમાણમા ચાલી રહેલા આ બિલિંગ કૌભાંડનો ભોગ ઘણીવાર પ્રમાણિક વેપારી બની જતાં હોય છે. કોઈ વેપારી “બોગસ બિલિંગ” કરી રહ્યો છે તે જાણવું ખરીદનાર માટે સહેલું નથી. ક્યારેક કોઈ ખરીદનાર વેપારી વેચનાર પાસેથી યોગ્ય રીતે માલ પણ ખરીદે, બિલ પણ મેળવે પરંતુ જ્યારે એ વેચનાર વેપારી અન્ય વેપારમાં બોગસ બિલિંગ કરતાં પકડાઈ ત્યારે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ માની લે છે કે આ વેચનાર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવહારો “બોગસ” છે. આમ, આવા સમયે પ્રમાણિક વેપારી દ્વારા કરવામાં આવેલ વ્યવહારો ઉપર પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટને શંકા કરી તપાસ હાથ ધરતા હોય છે. એવા પણ અનેક કિસ્સા સામે આવે છે યોગ્ય દસ્તાવેજી પુરાવાના અભાવે પ્રમાણિક પણે ખરીદી કરી હોવા છતાં ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરી તેની ઉપર ટેક્સ, વ્યાજ, દંડ લગાડવામાં આવતો હોય છે.

ખરીદનાર દ્વારા શું તકેદારી રાખવી છે જરૂરી??

ઉપર જણાવેલ છે તેમ ખરીદનાર વેપારી પ્રમાણિક હોવા છતાં “બોગસ બિલિંગ” પ્રવૃતિમાં સમાવિષ્ટ કોઈ વેચનાર ઉપર થયેલ કાર્યવાહીનો શિકાર બની જતાં હોય છે. આવા સમયે પ્રશ્ન એ થાય કે ખરીદનાર વેપારી કેવી રીતે નક્કી કરે કે વેચનાર વેપારી પ્રમાણિક વેપારી છે, તે જી.એસ.ટી. ડિફોલ્ટર નથી, તે “બોગસ બિલિંગ” અંગેની પ્રવુતીમાં સમાવિષ્ટ નથી??? આ અંગે જવાબ આપવો મુશ્કેલ છે. આ મુશ્કેલી સદંતર નિવારવી શક્ય નથી, પરંતુ યોગ્ય તકેદારી રાખી આ મુશ્કેલીને મહદ્દ અંશે નિવારી શકાય છે. ખરીદનાર જ્યારે પોતાના જાણીતા વેપારી, વર્ષોથી જેમની સાથે કામ કરે છે તેવા વેપારી સાથે વ્યવહાર કરતાં હોય ત્યારે તેઓ વેપારીને સારી રીતે ઓળખતા હોય છે, તેઓના વર્તનથી વાકેફ હોય છે, તેઓની આર્થિક પરિસ્થિતીથી વાકેફ હોય છે ત્યારે આ પ્રકારે હેરાન થવાની શક્યતા ખૂબ ઓછી રહેતી હોય છે. પરંતુ જ્યારે વેપારી કોઈ એવા વેપારી પાસેથી ખરીદી કરે જે તેમના માટે નવા છે, વધુ ઓળખાણ નથી ત્યારે ખરીદનાર વેપારીએ જી.એસ.ટી. પોર્ટલ ઉપર (www.gst.gov.in) પર જઇ “સર્ચ ટેક્સપેયર” ના વિકલ્પમાં જઈ વેચનાર વેપારીના જી.એસ.ટી. “સ્ટેટસ” વિષે જાણકારી મેળવી લેવી જરૂરી છે. વેચનાર વેપારીનો જી.એસ.ટી. નંબર ચાલુ છે, તેના દ્વારા ભરવામાં આવતા જી.એસ.ટી. રિટર્ન નિયમિત ભરાઇ છે તે અંગે ખાત્રી કરી લેવી જોઈએ. વેચનાર વેપારી રિટર્ન ભરવામાં અનિયમિત હોય તો ખરીદનારે ચેતી જવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત વેચનાર દ્વારા મોકલવામાં આવેલ બિલ, ઇ વે બિલમાં જી.એસ.ટી. નંબર, ડિલિવરીની વિગત, પ્લેસ ઓફ સપ્લાય, માલની વિગત, વેરાનો દર અને વેરો યોગ્ય છે તે તપાસી લેવી જરૂરી છે. સૌથી મહત્વની બાબત એ છે કે વેચનાર દ્વારા માલ મોકલવા અંગેની “લોરી રિસીપ્ટ” (LR) માલ વહનના પુરાવા તરીકે જાળવવી જરૂરી છે. એક ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે ઘણી વાર એવું ધ્યાને આવે છે કે ખરીદનાર વેપારી યોગ્ય માહિતીના અભાવે LR જાળવવા વિષે ગંભીર હોતા નથી.

“બિલિંગ કૌભાંડ” દ્વારા સરકારી તિજોરીને તો થાય છે નુકસાન વેપારની શાખ પણ થાય છે અસર:

આ પ્રકારે બિલિંગ પ્રવૃતિ દ્વારા સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. આ પ્રકારે બિલિંગ પ્રવૃતિ પકડાઈ ત્યારે વેપાર તથા વેપારીની શાખને પણ ખાસ્સું એવું નુકસાન થાય છે. આ ઉપરાંત આવા સંજોગોમાં ખરીદનાર તથા વેચનાર બન્ને વેપારીઓ ઉપર વેરા, વ્યાજ, દંડ ની જવાબદારી ઊભી થઈ જતી હોય છે. આમ, નાના ફાયદા મેળવવા લાંબા ગાળાની મુશ્કેલીમાં વેપારી ના પડે તે ઇચ્છનીય છે.

error: Content is protected !!