જી.એસ.ટી. ભરતાં કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સ છે “કોરોના પ્રૂફ” ??

Spread the love
Reading Time: < 1 minute

કોરોના વરસાવી રહ્યો છે દેશભરમાં કહેર પરંતુ જી.એસ.ટી. રિટર્ન કે ટેક્સ ભરવાની તારીખોમાં નથી કરવામાં આવ્યો કોઈ વધારો!!

તા. 19.04.2021: સમગ્ર દેશમાં કોરોનાની આ બીજી લહેર કહેર વરસાવી રહી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં કેસોની સંખ્યા, મૃત્યુદર બન્નેની બાબતમાં આ બીજો તબક્કો વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં ખૂબ ચીવટ પૂર્વક જી.એસ.ટી. ભરવામાં તથા તેના રિટર્ન ભરવાના સમયમાં સરકાર દ્વારા સમયસર વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ બીજા તબક્કામાં કોઈ અગમ્ય કારણોસર કરદાતાઑને કોઈ રાહત આપવામાં આવી  રહી નથી. અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો લગભગ લોકડાઉન કહી શકાય તેવી પરિસ્થિતિ છે. અન્ય રાજ્યોમાં પણ સ્વૈછીક લોકડાઉન દ્વારા કોરોનાની સ્થિતિમાં કાબૂ મેળવવા પ્રયાસો થઈ રહ્યા છે. આ પરિસ્થિતીમાં કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સ પોતાના તથા પોતાના પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરે કે જી.એસ.ટી. ના રિટર્ન ભારે?? આ વેધક પ્રશ્ન સૌના મનમાં ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતીમાં કરદાતાઓના મનમાં પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે કે સરકારને કરદાતાઓની ચિંતા નથી કે પછી જી.એસ.ટી. ની આવક ઘટે તો સરકારને મુશ્કેલી પડી શકે છે એ કારણે મુદતોમાં વધારો કરવામાં આવતો નથી???

આ મુદતોમાં સમયસર વધારો કરવામાં આવે તેની તાતી જરૂરી છે. કંપોઝીશનના વેપારીઓએ ભરવાના થાથા CMP-08 ની મુદત તો ગઇકાલે 18 એપ્રિલે પૂરી થઈ ગઈ છે. હવે કરદાતાઓ ટેક્સ ઉપરાંત વ્યાજ ભરવાં જવાબદાર બનશે. કંપોઝીશન સિવાયના કરદાતાઑએ ભરવાના થતાં 3B રિટર્નની મુદત પણ 20/22 એપ્રિલે પુર્ણ થાય છે. ત્યારબાદ કરદાતાઓ માત્ર વ્યાજ જ નહીં પણ મસ-મોટી લેઇટ ફી ભરવાં પણ જવાબદાર બનશે. 30 એપ્રિલ સુધીમાં કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓએ GSTR 4 ભરવાના રહેશે. કરદાતાઓનું કામ સાંભળતા ટેક્સ પ્રોફેશનલ્સ પણ 50% સ્ટાફ સાથે કામ કરી રહ્યા છે. ટેક્સ પ્રોફેશનલ્સને અને તેમના સ્ટાફમાં પણ કોરોનાના કેસો મોટા પ્રમાણમા થયા હોય તેવા અહેવાલ છે. આ તમામ પરિસ્થિતી જોતાં સરકાર સમયસર મુદતમાં વધારો કરે તેવી માંગ કરદાતાઓમાં તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108