જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલ અંગે વેપારીઓના મનમાં ઉઠી રહ્યા છે ઘણા પ્રશ્નો. આ પ્રશ્નોની સરળ ભાષામાં સમજૂતી

Spread the love
Reading Time: 7 minutes

તા. 26.10.2021: વેટ, એક્સાઈઝ જેવા અનેક કાયદાની જગ્યાએ વન નેશન, વન ટેક્સ, વન માર્કેટ તરીકે ઓળખતો જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો. અગાઉ ના કાયદાઑમાં પણ વહન થતાં માલ માટે અલગ અલગ ફોર્મ બનાવવા ની જોગવાઈ હતી. જી.એસ.ટી. કાયદા માં પણ કરચોરી રોકવા માટે ઇ વે બિલ બનાવવા ની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઇ વે બિલ માં કોઈ ચૂક થાય તો વેપારીઓએ ઘણી મોટી રકમ દંડ તરીકે ભરવી પડતી હોય છે. આજે આ લેખ માં સરળ ભાષામાં ઇ વે બિલ અંગે મુંજવતા પ્રશ્નો વિષે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.  ઇ વે બિલ અંગે જી.એસ.ટી. કાયદા ની કલમ 68 અને જી.એસ.ટી. નિયમો ના નિયમ 138 હેઠળ જોગવાઈ કરવામાં આવેલ છે.

ઇ વે બિલ બનાવવા ની જવાબદારી મૂળભૂત રીતે કોની રહે છે?

જવાબ: ઇ વે બિલ બનાવવા ની જવાબદારી…

  • જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિની રહે છે.
  • જ્યારે બંને ખરીદનાર તથા વેચનાર જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હોય ત્યારે, જે કરદાતા માલ નું વહન (જેમની જવાબદારી રહેતી હોય તેમની)કરતાં હોય તેની રહે છે.
  • જ્યારે કોઈ નોંધાયેલ વ્યક્તિ બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી માલ ની ખરીદી કરે તેવા સંજોગો માં નોંધાયેલ વ્યક્તિ ની રહે છે.
  • કઈ રકમ સુધી ઇ વે બિલ બનાવવા નું રહેતું નથી?

જવાબ: 50000/- ( પચાસ હજાર) કે તેથી નીચી રકમ ના વેચાણો માટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી. જો કે કોઈ માલ જોબ વર્ક માટે એક રાજ્ય થી અન્ય રાજ્ય માં મોકલવામાં આવે તો કોઈ પણ રકમ હોય, ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.  આવીજ રીતે હેંડીક્રાફ્ટ ના માલ સમાન જો અન્ય રાજ્ય માં મોકલવામાં આવે તો તેમને પણ કોઈ પણ લિમિટ ધ્યાને લીધા સિવાય ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.

ઇ વે બિલ ક્યારે બનાવવા નું રહે છે?

જવાબ: ઇ વે બિલ માલ ની રવાનગી થાય તે પહેલા બનાવવા નું રહે છે.

શું ટ્રાન્સપોર્ટર કે કુરિયર એજન્સી ઇ વે બિલ બનાવી શકે છે?

જવાબ: હા, ટ્રાન્સપોર્ટર કે કુરિયર એજન્સી પણ ઇ વે બિલ બનાવી શકે છે.

શું વેચાણ સિવાય ના કિસ્સાઓ માટે પણ ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે?

જવાબ: હા, માલ ની હેરફેર થાય એ ભલે પછી વેચાણ સ્વરૂપે હોય કે વેચાણ સિવાય (જેવા કે એક્ઝિબીશન માટે) ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.

 

ઇ વે બિલ કેટલા ભાગ નું બનેલું છે?

જવાબ: ઇ વે બિલ બે ભાગ માં બને છે. 1. Part A અને Part B. પાર્ટ A માં કનસાઇનર, કંસાઈની તથા માલ ની રકમ, જથ્થો વગેરે ની વિગતો હોય છે. પાર્ટ A કનસાઇનર અથવા કંસાઈનીએ બનાવવું ફરજિયાત રહે છે. પાર્ટ B માં વાહન ની વિગત હોય છે. Part B, કનસાઇનર કે કંસાઈની જે માલ નું વહન કરતો હોય તેમણે બનાવવું જોઈએ. પણ જો તેમણે આ પાર્ટ B બનાવ્યું ના હોય તો ટ્રાન્સપોર્ટરે આ પાર્ટ B ભરી અપલોડ કરવાનું રહે. પાર્ટ A તથા પાર્ટ B ભરાય ત્યારબાદ  EWB -01 (ઇ વે બિલ) જનરેટ થઈ શકે.

 

કોઈ સંજોગો માં Part A જનરેટ કર્યું હોય પણ પાર્ટ B જનરેટ ના થયું હોય તો ઇ વે બિલ ના દંડ લાગુ પડે?

જવાબ: જ્યાં સુધી પાર્ટ B જનરેટ કરવામાં ના આવે ત્યાં સુધી EWB 01 કે જે ઇ વે બિલ તરીકે ઓળખાય છે તે જનરેટ થયું ના ગણાય. આમ, પાર્ટ B બાકી હોય તો પણ ઇ વે બિલ ના બનાવવા ના દંડ લાગુ પડે.

 

50000/- કે તેથી ઓછી રકમ ના માલ માટે ઇ વે બિલ જનરેટ કરી શકાય?

જવાબ: હા, મરજિયાત રીતે 50000/- કે તેથી ઓછા મૂલ્ય હોય તો પણ ઇ વે બિલ જનરેટ કરી શકાય.

હું એક ખેડૂત છું. હું જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ નથી. મારા માલ ની કિમત 50000/- થી વધુ છે. શું મારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે?

જવાબ: ના, જી.એસ.ટી. કાયદા હેઠળ બિનનોંધાયેલ વ્યક્તિ જ્યારે માલ ની હેરફેર કરતો હોય ત્યારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી. હા, મરજિયાત રીતે તે ઇ વે બિલ બનાવી શકે છે.

હું એક ખેડૂત છું. મારો માલ ટ્રાન્સપોર્ટર ના ટ્રક માં વહન થઈ રહ્યો છે. શું મારા ટ્રાન્સપોર્ટરે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે?

જવાબ: ના, બિન નોંધાયેલ વ્યક્તિ ના માલ ના વહન માટે ટ્રાન્સપોર્ટર પણ ઇ વે બિલ બનાવવા જવાબદાર નથી. મરજિયાત પણે તે ઇ વે બિલ બનાવી શકે છે.

મારો માલ 50 કી.મી. ને અંદર ના અન્ય વેપારી ને વેચવામાં આવ્યો છે. શું 50 કી.મી. ની અંદર હોવાથી મારે ઇ વે બિલ બનાવવા માં મુક્તિ મળી જશે?

જવાબ: ના, 50 કી.મી. ની લિમિટ માત્ર નોંધાયેલ વ્યક્તિ પોતાના રાજયમાંના માં જ ટ્રાન્સપોર્ટર ને માલ મોકલે તેના માટે છે. દા. ત. અમદાવાદ માં કાલુપુર નો વેપારી  ગુજરાતમાંનાજ કોઈ ટ્રાન્સપોર્ટર ને માલ મોકલે કે જે ટ્રાન્સપોર્ટર ની ધંધા ની જગ્યા 50 કી.મી. સુધી માં હોય તો ઇ વે બિલ પાર્ટ B બનાવવા માં મુક્તિ મળે છે. એક વેપારી અન્ય વેપારી કે ગ્રાહક ને માલ મોકલે તેમાં 50 કી.મી. ની મર્યાદા ધ્યાને લેવાની રહેતી નથી. આ સંજોગો માં પણ પાર્ટ A તો બનાવવા નું રહેજ છે. આવી રીતે જ્યારે ટ્રાન્સપોર્ટર ના ગોડાઉન થી માલ ખરીદનાર ના સ્થળ ઉપર મોકલવાનો થતો હોય અને બંને જગ્યા એકજ રાજ્ય માં પડતી હોય તો 50 કી.મી. સુધી ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહેશે. નહીં.

હું એક ખેડૂત છું. મારો માલ એક નોંધાયેલ કરદાતાને વેંચવા વહન થઈ રહ્યો હતો. રસ્તા માં અધિકારી મારા માલ ને રોકી અમારા ખરીદનાર ઉમર ઇ વે બિલ ના બનાવવા અંગે દંડ કર્યો. શું અધિકારીનું આ પગલું સાચું છે?

જવાબ: હા, અધિકારીનું પગલું નિયમો મુજબ બરોબર કહેવાય. નિયમ 138(3) હેઠળ આપવામાં આવેલ ખુલાસા 1 મુજબ, જો બિન નોંધાયેલ વ્યક્તિ દ્વારા માલ નું વહન કોઈ નિશ્ચિત નોંધાયેલ કરદાતા માટે કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગો માં ખરીદનાર કરદાતા ઇ વે બિલ બનાવવા જવાબદાર થઈ જશે.

મારો માલ જે ટ્રક માં જતો હતો તે ટ્રક માં ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે. હવે મારે આ માલ ને બીજા ટ્રક માં તબદીલ કરવાનો છે તો મારે શું વિધિ કરવાની રહે?

જવાબ: જ્યારે માલ એક વહાન માં થી બીજા વહાન માં તબદીલ થતો હોય ત્યારે આ માલ ની રવાનગી થાય તે પહેલા જે વ્યક્તિએ ઇ વે બિલ નો પાર્ટ A ભર્યો હોય તેમણે પોર્ટલ ઉપર નવા વહાનની વિગતો આપી પાર્ટ B અપડેટ કરી આપવાનું રહેશે.

મારા માલ નું વેચાણ રસીદ બદલા થી થયું છે. મારા ટ્રાન્સપોર્ટરે માલ અન્ય ટ્રાન્સપોર્ટર ને આપી દીધો છે. હવે મારે શું કરવાનું રહે?

જવાબ: તમારા ટ્રાન્સપોર્ટરે અથવા તમે  જ્યારે સંપૂર્ણ માલ અન્ય ટ્રાન્સપોર્ટર ને એસાઇન કર્યો હોય ત્યારે જૂના ટ્રાન્સપોર્ટરે અથવા તમારે તમારા ઇ વે બિલ ના યુઈક નંબર નવા રજીસટર્ડ અથવા એનરોલ્ડ ટ્રાન્સપોર્ટર ને આપી અને પાર્ટ B નવા ટ્રાન્સપોર્ટરે અપડેટ કરવાનો રહે છે.

હું એક ટ્રાન્સપોર્ટર છું. મારે એક સાથે ઘણા બધા કનસાઈનમેંટની હેરફેર કરવાની થાય છે. આ તમામ કનસાઈનમેંટની રકમ 50000/- થી વધુ છે. શું અધિકારી રસ્તામાં ઇ વે બિલ માંગી શેકે?

જવાબ: ના, જો વાહનમાં વહન થતાં એક કંસાઇંમેંટની રકમ 50000/- થી ઓછી હોય, અને કુલ માલની રકમ 50000/- થી ઉપર હોય તો પણ હાલના લાગુ નિયમો મુજબ ઇ વે બિલ બનાવવાની જવાબદારી ના આવે.

(આ જોગવાઈ નો અમલ સરકાર દ્વારા જાહેર કરાય તે તારીખ થી અમલ કરવામાં અવશે. આ અમલ અંગે નું નોફિકેશન હજુ બહાર પાડવામાં આવ્યું નથી. આમ, હાલ ટ્રાન્સપોર્ટરની નાના નાના કનસાઈનમેંટ બાબતે ઇ વે બિલ બનાવવા જવાબદારી રહેતી નથી.)

હું જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ છું. મારા નામે કોઈ ઇ વે બિલ બનાવવામાં આવે તો શું મને તેની જાણ થાય?

જવાબ: હા, નોંધાયેલ વ્યક્તિની મોબાઈલ નંબર, ઇ મેઈલ ની વિગતો જી.એસ.ટી. પોર્ટલ માં હોય છે. આ પોર્ટલ માં જે મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા જાણ કરવામાં આવે છે.

મે ખરીદી નથી કરી છતાં પણ મારા નામે ઇ વે બિલ બન્યા અંગે નો SMS મને આવ્યો છે. શું મારે આ મેસેજ ને ગંભીરતા થી લેવો જોઈએ? હું શું કરી શકું છું?

જવાબ:  હા, જો તમે ખરીદી કરેલ ના હોય છતાં જો તમને ઇ વે બિલ અંગે SMS આવેલ હોય તો આ અંગે ઇ વે બિલ જનરેટ થયા ના 72 કલાક માં તમે ઇ વે બિલ પોર્ટલ ઉપર રદ કરી શકો છો.

હું જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ નથી. શું મારા નામે કોઈ ઇ વે બિલ બને તો તેની જાણ મને SMS કે ઇ મેઈલ દ્વારા કરવામાં આવે?

જવાબ: હા, જો તમારી વિગતો GST પોર્ટલ માં બિન નોંધાયેલ તરીકે આપેલ હશે તો બિન નોંધાયેલ વ્યક્તિને પણ જાણ કરવામાં આવશે.

મે વેચનાર તરીકે ઇ વે બિલ જનરેટ કર્યું છે. આ ઇ વે બિલ ક્યાં સુધી “વેલીડ” રહે?

જવાબ: તમે જનરેટ કરેલ ઇ વે બિલ જો 100 કી.મી. ના અંતર સુધી હોય તો  જનરેટ કર્યાના 24 કલાક સુધી વેલીડ રહે. ત્યાર બાદ દર 100 કી.મી. દીઠ 24 કલાક નો સમય સિસ્ટમ દ્વારા ઓટોમેટિક ગણી લેવામાં આવશે અને ઇ વે બિલ ત્યાં સુધી વેલીડ ગણાશે.

જો હું 72 કલાકમાં મારે GSTIN ઉપર જનરેટ થયેલ ઇ વે બિલ રિજેક્ટ ના કરૂ તો શું આ ખરીદીઓ મારી છે તેવું માની લેવામાં આવશે?

જવાબ: હા, જો જે ખરીદનારના નામ ઉપર કોઈ જી.એસ.ટી. ઇ વે બિલ જનરેટ થયેલ હોય અને તે ઇ વે બિલ જનરેટ થયાના 72 કલાક માં તેને રિજેક્ટ ના કરે તો તે ઇ વે બિલ ઓટોમેટિક એક્સેપ્ટ થયેલ ગણાય.

કઈ કઈ વસ્તુ માટે/સ્થિતિ માટે ઇ વે બિલ બનાવવું જરૂરી રહેતું નથી.

નીચેની વસ્તુઓ માટે/સ્થિતિઓમાં ઇ વે બિલ બનાવવું જરૂરી રહેતું નથી.

  1. જ્યારે એનેક્ષર માં જાહેર કરેલ વસ્તુ નું વહન થતું હોય ત્યારે.
    • LPG ગેસ સિલિન્ડર
    • સસ્તા અનાજ ની દુકાનો દ્વારા વેચવામાં આવતું કેરોસીન
    • પોસ્ટ દ્વારા મોકલતા પોસ્ટલ બેગેજ
    • હીરા તથા તેના જેવા મૂલ્યવાન મોટી
    • ઘરેણાં, સોનાર ના સાધનો
    • કરન્સી
    • વપરાયેલ ઘર ગથ્થું માલ સામાન.
  1. લારી, બળદ ગાડું વગેરે નોન મોટરાઇઝ વિહીકલમાં માલ નું વહન થતું હોય ત્યારે.
  2. રાજ્યો દ્વારા ઇ વે બિલ અંગે જે મર્યાદા જાહેર થયેલ હોય તે મર્યાદા સુધી માં જો માલ નું વહન થતું હોય તેવા કિસ્સામાં. (ગુજરાત માં આ મર્યાદાઓ 50000/- ની છે તથા ટ્રાન્સપોર્ટર ને માલ મોકલ્યા ના કિસ્સામાં આ 50 કી.મી. અંતર અંગે ની છે)

     4.સરકાર દ્વારા જાહેરનામા માં જાહેર કરેલ હોય તેવા માલ સંદર્ભે ઇ વે બિલ ની જરૂરિયાત રહેશે નહીં. આ જાહેરનામામાં મોટાભાગે કરમુક્ત ચીજ              વસ્તુઓ નો સમાવેશ કરવામાં આવેલ છે.

  1. નોન જી.એસ.ટી. માલ જેવાકે પેટ્રોલ, ડીઝલ, લીકર વગેરે નું વહન થતું હોય ત્યારે ઇ વે બિલ ની જરૂર રહેશે નહીં.
  2. જ્યારે માલ નું વહન એ જી.એસ.ટી. કાયદા ના શિડ્યુલ III મુજબ સપ્લાય ના ગણાતું હોય ત્યારે ઇ વે બિલ જરૂરી રહેશે નહીં.
  3. જ્યારે ખાલી કાર્ગો નું વહન થતું હોય ત્યારે ઇ વે બિલ જરૂરી રહેશે નહીં.
  4. 20 કી. મી. સુધી ના અંતર માં જો માલ નું વહન ડિલિવરી ચલણ સાથે હોય અને તે માલ વે બ્રિજ સુધી મોકલવામાં આવેલ હોય તો ઇ           વે બિલ જરૂરી રહેશે નહીં.

શું જી.એસ.ટી. રિટર્ન ના ભરવાના કારણે ખરીદનાર કે વેચનાર તરીકે મારા ઇ વે બિલ બનવામાં અથવા બનાવવામાં કોઈ તકલીફ પડી શકે?

જવાબ: હા, સતત બે રિટર્ન ના ભરવામાં આવ્યા હોય તો ખરીદનાર તરીકે તમારા GSTIN ઉપર કોઈ ઇ વે બિલ જનરેટ થઈ શકે નહીં. આવીજ રીતે વેચનાર તરીકે સતત બે રિટર્ન બાકી હોય તો તમે ઇ વે બિલ બનાવી શકો નહીં.

આ લેખ દરેક વેપારીઓ સુધી પહોચે તે જરૂરી છે. આપ આપના અસીલો, મિત્રો ને આ લેખ ફોરવર્ડ કરી, તેઓને ઇ વે બિલ અંગે ની માહિતી આપવા મદદરૂપ બનો તેવી આશા તથા વિનંતી. આ લેખ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ taxtodayuna@gmail.com ઉપર મોકલી શકો છો.

(ડિસ્ક્લેમર: આ લેખ લખવામાં બનતી કાળજી લેવામાં આવેલ છે. છતાં આ લેખ ના મંતવ્યો લેખક ના પોતાના મંતવ્યો છે. વેપારીએ આ વિષે સચોટ માહિતી મેળવવા પોતાના CA, એડવોકેટ અથવા ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરવી જરૂરી છે)

1 thought on “જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલ અંગે વેપારીઓના મનમાં ઉઠી રહ્યા છે ઘણા પ્રશ્નો. આ પ્રશ્નોની સરળ ભાષામાં સમજૂતી

  1. Sir,
    Your article regarding E-Way Bill is indeed appreciated. I want to keep it on my Desk Top but I could not do it. Please suggest me how can I keep it on desk top of my PC as ready reference. Thanks & Regards.

Comments are closed.

error: Content is protected !!