ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું 31 ડિસેમ્બર સુધી છે ખૂબ જરૂરી. ના ભરવામાં આવે તો લાગશે 10000 ની લેઇટ ફી
કોરોનાના કેસો વધવાના કારણે 31 ડિસેમ્બરથી મુદત વધારવામાં આવે તેવી ઉઠી રહી છે માંગ
તા. 10.12.2020: સામાન્ય કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હોય છે. પોતાના ધંધાનું ઓડિટ કરવા જવાબદાર કરદાતાઓ માટે રિટર્ન ભરવાની મુદત 31 ઓક્ટોબર હોય છે. આ મુદત બાદ રિટર્ન ભરવામાં આવે તો કરદાતાએ પોતાના ટેક્સ, વ્યાજ ઉપરાંત લેઇટ ફી ભરવાની થતી હોય છે. કરદાતા પોતાના રિટર્ન આ મુજબ મુદતમાં ના ભારે અને 31 ડિસેમ્બર સુધી ભરે તો 5,000/- (પાંચ હજાર) ની તથા ડિસેમ્બર પછી પણ 31 માર્ચ સુધી ભારે તો 10,000/- (દસ હજાર) ની લેઇટ ફી ભરવા જવાબદાર થતાં હોય છે. આ વર્ષે કોરોનાના કારણે આ મુદતમાં 31 જુલાઇની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓડિટ સિવાયના કરદાતાઓ જો પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર સુધીમાં ના ભારે તો તેઓએ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 234F હેઠળ 10000/- (દસ હજાર) ની લેઇટ ફી ભરવાની જવાબદારી આવશે. જોકે 5,00,000/- (પાંચ લાખ) સુધીની કુલ આવક ધરાવતા કરદાતાઓ માટે આ લેઇટ ફી 1,000/- (એક હજાર) રહેતી હોય છે.
આ અંગે વાત કરતાં CA ચિંતન પોપટ જણાવે છે કે કોરોનાના કેસો દિવાળીના તહેવારો અને ત્યારબાદના સમયમાં ખૂબ વધ્યા છે. ઘણા શહેરોમાં હાલ રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ તમામ પરિસ્થિતી જોતાં રિટર્ન ભરવાની આ મુદતમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. તેઓ વધુમાં ઉમેરે છે કે કોરોનાના આ વર્ષમાં કરદાતાઓ માટે લેઇટ ફી સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે તે પણ જરૂરી છે.
સરકાર દ્વારા કરદાતાઓને આ મુશ્કેલ વર્ષમાં ઘણી રાહતો આપવામાં આવી છે. આ વર્ષમાં લેઇટ ફી પણ સંપૂર્ણ પણે હટાવવામાં આવે તેવી માંગ કરદાતાઓમાં ઉઠી રહી છે. ગુજરાતીમાં કહેવત છે “પારકી આશ સદા નિરાશ”. આ કહેવત મુજબ સરકાર દ્વારા મુદતમાં વધારો થશે તેવી આશા રાખવાના બદલે કરદાતા પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર પહેલા ભરી આપે તે જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.