ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવું છે જરૂરી-નિયમિત રિટર્ન ભરવાના છે આ ફાયદા…

Spread the love
Reading Time: 5 minutes

તા. 16.12.2021

ઇન્કમ ટેક્સ રિટર્ન લેઇટ ફી વગર ભરવાની મુદત 31 ડિસેમ્બર 2021 છે. ત્યારબાદ લેઇટ ફી સાથે ભરવું પડશે રિટર્ન

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યક્તિઓ તથા અમુક સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. વ્યક્તિગત કરદાતા તથા H U F કરદાતાની આવક જો કરપાત્ર મર્યાદાથી વધુ હોય તો તેવા સંજોગોમાં તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે. જ્યારે વ્યક્તિ કે HUF સિવાયના કરદાતા જેવા કે ભાગીદારી પેઢી, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (LLP) તથા કંપની માટે આવક હોય કે ના હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત હોય છે. આ લેખમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના ફાયદા વિષે વાંચકોને સમજ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

લોન લેવામાં ઇન્કમ ટેક્સ રિટર્નની ઉપયોગિતા

જ્યારે કોઈ વ્યક્તિ ઘર, ગાડી કે અન્ય કોઈ પણ લોન લેવા કોઈ બેન્ક પાસે જાઈ ત્યારે આ ઇન્કમ ટેક્સ રિટર્ન અતિ ઉપયોગી સાબિત થતું હોય છે. બેન્ક દ્વારા જે તે વ્યક્તિ કેવી રીતે લોનના હપ્તાની ચુકવણી કરશે તેનો અંદાજ ઇન્કમ ટેક્સ રિટર્ન ઉપરથી લગાવવામાં આવતો હોય છે. સામાન્ય રીતે બેન્કમાં ત્રણ વર્ષના રિટર્ન માંગવામાં આવતા હોય છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે કરદાતાના ત્રણ વર્ષના આવક ઉપરથી સરેરાશ આવક નક્કી કરી શકાય. આમ, જો નિયમિત રિટર્ન ભરવામાં આવે તો આ પ્રકારે બેન્ક લોન લેવામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ ઉપયોગી બને છે. હાલ, માત્ર એક નાણાકીય વર્ષનું રિટર્ન જ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ભરી શકાય છે. હાલ કરદાતા માત્ર નાણાકીય વર્ષ 2020 21 નું નાણાકીય રિટર્ન ભરી શકે છે. ઘણી વાર ટેક્સ પ્રોફેશનલ્સ પાસે અસીલો આવી બેન્ક લોન માટે વધુ રિટર્નની જરૂર હોય એક થી વધુ રિટર્ન ભરવાં આગ્રહ કરતાં હોય છે. પરંતુ આ બાબતે એ જાણવું ખૂબ જરૂરી છે કે એક સાથે એક રિટર્ન ભરવું જ હાલ શક્ય છે. એક થી વધુ રિટર્ન એક સાથે ભરી શકાય તેમ ના હોય આ બાબતે યોગ્ય આયોજન કરી સમયસર રિટર્ન ભરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

મૂડી ઊભી કરવાંમાં ઇન્કમ ટેક્સ રિટર્નની ઉપયોગિતા:

ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવામાં આવે તો વ્યક્તિ સારી એવી મૂડી ઊભી કરી શકે છે. આ મૂડી તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે મિલ્કત ખરીદીમાં, વિવિધ રોકાણ કરવામાં, વિદેશ પ્રવાસો માટે કે અન્ય કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકે છે. આમ, વ્યક્તિની આવક ટેકસેબલ મર્યાદાથી ઓછી હોય તો પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જોઈએ તેવું ઘણા નિષ્ણાંતો સલાહ આપતા હોય છે.

વિદેશાગમન માટે આવકના પુરાવા તરીકે મહત્વનો પુરાવો:

વ્યક્તિ પોતે પોતાના પરિવાર માટે જ્યારે વિદેશ ફરવા કે અભ્યાસ કરવા જવા માટે વિઝા માટે અરજી કરે ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન મહત્વનો પુરાવો સાબિત થતું હોય છે. વ્યક્તિની આવક બાબતે સૌથી વધુ સ્વીકાર્ય પુરાવા તરીકે ઇન્કમ ટેક્સ રિટર્નને માનવમાં આવે છે. વ્યવસ્થિત આયોજન કરીને ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્નના કારણે વિઝાની વિધિ સરળતાથી તથા વધુ સકારાત્મક રીતે પૂરી થઈ શકે છે.

અન્ય ફાયદાઓ:

ઇન્કમ ટેક્સ રિટર્ન ઘણી જગ્યાએ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ઉપયોગી બનતા હોય છે. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ ક્લેમમાં પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ઉપયોગી થતાં હોય છે. જે વ્યક્તિનો ટેક્સ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કાપવામાં આવ્યો હોય તેઑ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આ કપાયેલ ટેક્સનું રિફંડ મેળવી શકે છે.

શું PAN હોય એટ્લે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે?

આ પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સને વારંવાર તેઓના અસીલ પૂછતાં હોય છે કે શું PAN ધરાવતા હોય તેવા વ્યક્તિગ્ત કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે??. આ પ્રશ્નનો જવાબ છે ના. વ્યક્તિગત કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું એવા સંજોગોમાં જ ફરજિયાત છે જ્યારે તેઓની આવક કરપાત્ર મુક્તિ મર્યાદાથી વધુ હોય. હાલ કરપાત્ર મુક્તિ મર્યાદા 2,50,000 છે. આમ, અઢી લાખથી વધુ આવક હોય તેવા વ્યક્તિગત કરદાતાએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. માત્ર, PAN કાર્ડ હોય એટ્લે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત નથી.

ખાસ સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન બને ફરજિયાત   

ઇન્કમ ટેક્સ હેઠળ અમુક ખાસ સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોય છે. નીચેના સંજોગોમાં અમક મુક્તિ મર્યાદાથી ઓછી હોવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જાય છે.

  • વિદેશમાં કોઈ મિલ્કત ધરાવતા હોય ત્યારે,
  • ભારત બહાર કોઈ બેન્ક એકાઉન્ટમાં સહી કરવાની સત્તા હોય ત્યારે,
  • એક કે તેથી વધુ કરંટ ખાતામાં 1 કરોડથી વધુ રકમ બેન્ક ખાતામાં જમા કરવવામાં આવી હોય ત્યારે,
  • બે લાખથી વધુ ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ કરવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં
  • એક લાખથી વધુ ઇલેક્ટ્રીક બિલની વર્ષ દરમ્યાન ચુકવણી કરવામાં આવી હોય ત્યારે,

મોટા આર્થિક વ્યવહાર કર્યા હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું છે હિતાવહ:

કોઈ વ્યક્તિએ નાણાકીય વર્ષમાં મોટા આર્થિક વ્યવહાર કરેલ હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપવું ખાસ હિતાવહ છે. 10 લાખ કે તેથી વધુ રકમ સેવિંગ ખાતામાં જમા કરાવેલ હોય, 50 લાખ કે તેથી વધુ રકમ કરંટ ખાતામાં જમા કરાવેલ હોય, 30 લાખ કે તેથી વધુ રકમની સ્થાવર મિલ્કતનો ખરીદ કે વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ હોય, 1 લાખનું ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવ્યું હોય અથવા વર્ષ દરમ્યાન ચૂકવવામાં આવેલ ક્રેડિટ કાર્ડ બિલ 10 લાખથી વધુ હોય તેવા મોટા આર્થિક વ્યવહાર અંગેની જાણ વિવિધ એજન્સી જેવી કે બેન્ક, સબ રજીસ્ટ્રાર ઓફિસ વી દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને કરવામાં આવતી હોય છે. આ વિગતોને ઇન્કમ ટેક્સ હેઠળ AIR એટલેકે “એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટ” ની માહિતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ AIR ની માહિતી ઇન્કમ ટેક્સ પાસે કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ હોય અને તે વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભારે તો તેવા વ્યક્તિને નોટિસ આવવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે. આ સાપેક્ષમાં જો આવા વ્યક્તિ પોતાનું રિટર્ન ભરી આપે તો આવા વ્યવહારો કર્યા હોવા છતાં ઇન્કમ ટેક્સ નોટિસ આવવાની સંભાવના ખૂબ ઓછી થઈ જતી હોય છે.

31 ડિસેમ્બર પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી લેઇટ ફી બચાવવી છે જરૂરી:

કોઈ પણ નાણાકીય વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન તે પછીના નાણાકીય વર્ષના અંત સુધી ભરી શકાય છે. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2020 21 નું ઇન્કમ ટેક્સ રિટર્ન 31 માર્ચ 2022 સુધી ભરી શકાય છે. પરંતુ આ રિટર્ન ડ્યુ ડેઇટ સુધીમાં ભરવું જરૂરી છે. સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનઇ ડ્યુ ડેઇટ નાણાકીય વર્ષ પછીની 31 જુલાઇ રહેતી હોય છે. આ વર્ષ ઇન્કમ ટેક્સ પોર્ટલની તકલીફો ના કારણે ડ્યુ ડેઇટ 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવવામાં આવેલ છે. 31 ડિસેમ્બર પછી જો આ રિટર્ન ભરવામાં આવે તો 5000 ની લેઇટ ફી ભરવાની જવાબદારી ઊભી થઈ શકે છે. જો કે જે કરદાતાઓને ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ કરાવવું ફરજિયાત હોય તેવા કરદાતા માટે રિટર્ન ભરવાની મુદત 15 ફેબ્રુઆરી છે. તેવી રીતે નિયત મર્યાદાથી નીચે આવક ધરાવતા કરદાતા એટ્લે કે અઢી લાખથી કે તેથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ ઉપર આ લેઇટ ફી લાગુ પડતી નથી.

એક થી વધુ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવે તેવી ઉઠી રહી છે માંગ:

હાલ, ઇન્કમ ટેક્સના નિયમો મુજબ માત્ર છેલ્લા એક વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવે છે. અગાઉ વ્યક્તિ બે વર્ષ સુધીના રિટર્ન એક સાથે ભરી શકતા હતા. હાલ ના નિયમમાં છૂટ આપી ઓછામાં ઓછા બે વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરદાતાઓમાં સતત ઉઠી રહી છે. બેન્ક લોન માટે, રિફંડ ક્લેઇમ કરવા જેવા કામ માટે આ મુદત વધારો કરવો જરૂરી છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત નજીક હોય દરેક વ્યક્તિ ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ભારે તે ઇચ્છનીય છે. નિયમિત તથા સમયસર ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ વ્યક્તિ માટે ઉપયોગી સાબિત થતાં હોય છે તે બાબતે કોઈ બે મત નથી.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારવિશ્વ પૂર્તિમાં તારીખ 13.12.2021 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!