આકારણી આદેશ સામે અપીલ કરવાની મુદત ચૂકી ગયા હોય તેવા કરદાતા માટે એક ઉત્તમ તક!!
જી.એસ.ટી. કાઉન્સીલની 52 મી મિટિંગમાં સરકારને કરવામાં આવેલ સૂચનને ધ્યાને લઈ અપીલ માટે ફરી તક આપવા અંગેની નોટિફિકેશન 02 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યું:
31 માર્ચ 2023 સુધીના આકારણી આદેશો માટે મળશે લાભ. 31 જાન્યુઆરી 2024 સુધીમાં કરવાની રહેશે અપીલ
તા. 03.11.2023: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરદાતા વિરુદ્ધ અનેક આકારણી આદેશ પસાર કરવામાં આવ્યા છે. આ આદેશોમાં મોટા પ્રમાણમા માંગણૂ ઉપસ્થિતિ થયેલ હોવાના અહેવાલો અવારનવાર પ્રસિદ્ધ થયા છે. જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ પણ આદેશ સામે કરદાતા સામાન્ય રીતે 90 દિવસમાં અપીલ કરી શકે છે. આ ઉપરાંત યોગ્ય કારણ હોય તો વધુ 30 દિવસ “ડીલે કોંડોનેશન” સાથે કરદાતા અપીલ કરી શકે છે. આમ. કોઈ પણ આદેશ સામે કરદાતા દ્વારા વધુમાં વધુ 120 દિવસમાં અપીલ કરી દાખલ કરી આપવાની થતી હોય છે. એવા અનેક કરદાતાઓ છે કે જેઓ આ સમય મર્યાદામાં અપીલ કરવાનું ચૂકી ગયા હતા. આ પૈકી અનેક કરદાતાઓ દ્વારા હાઇકોર્ટ તથા ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં સમય મર્યાદા બાદ અપીલ સ્વીકારવા દાદ માંગવામાં આવી હતી. માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તથા વિવિધ કેસોમાં માનનીય ઉચ્ચ ન્યાયાલયો દ્વારા એવું ઠરાવવામાં આવ્યું હતું કે જ્યારે અપીલ કરવા માટે કાયદા હેઠળ “ડીલે કોંડોનેશન” માટે પણ મહત્તમ મર્યાદા સૂચવવામાં આવેલ હોય ત્યારે કોર્ટ આ મર્યાદામાં વધારો કરી શકે નહીં. આ કારણે અનેક કરદાતાઓ પરેશાન થઈ રહ્યા હતા.
જી.એસ.ટી. કાઉન્સીલની 52 મી બેઠકમાં સરકારને એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અપીલ કરવાની તક ચૂકી ગયા હોય તેવા કરદાતાઓને અપીલ કરવા ફરી એક તક આપવામાં આવે. કાઉન્સીલનું આ સૂચનને સ્વીકારી સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ એટલેકે CBIC દ્વારા 02 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા 53/2023 મુજબ જે કરદાતાઓ સામે માંગણૂ ઉપસ્થિત કરતો આદેશ 31 માર્ચ 2023 કે તે પહેલા પસાર કરવામાં આવ્યા હોય અને જે કરદાતાઓ આ આદેશ સામે અપીલ કરવાનું ચૂકી ગયા હોય તેઓ 31 જાન્યુઆરી 2024 સુધીમાં આ આદેશ સામે અપીલ દાખલ કરી શકશે. આ જાહેરનામામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે કરદાતા દ્વારા અગાઉ કોઈ આદેશ સામે અપીલ દાખલ કરવામાં આવેલ હોય અને આ અપીલ માત્ર સમયમર્યાદાના કારણસર નામંજૂર કરવામાં આવેલ હોય તેવા કરદાતા પણ આ યોજનાનો લાભ લઈ ફરી અપીલ દાખલ કરી શકે છે. આ ઉપરાંત આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જે આપીલો અપીલ અધિકારી સમક્ષ પડતર હોય તે અપીલ પણ આ જાહેરનામા હેઠળ છે તેમ માની લેવાનું રહેશે. પરંતુ આ પડતર અપીલ ધરાવતા કરદાતાઓ તથા આ યોજનાનો લાભ લઈ નવી અપીલ દાખલ કરતાં કરદાતાઓ એ આ યોજના હેઠળ “પ્રિ ડિપોઝિટ” તરીકે વિવાદિત વેરાના 10% ના બદલે 12.5% રકમ ભરવાની રહેશે. આ 12.5 ટકા રકમ પૈકી ઓછામાં ઓછી 20% રકમ રોકડ સ્વરૂપે ભરવાની રહેશે. આ “પ્રિ ડિપોઝીટ” ની મહત્તમ રકમ આ યોજના હેઠળ 25 કરોડની રહેશે. અપીલનો નિકાલ ના થાય ત્યાં સુધીમાં કરદાતાને અગાઉ ભરેલ કોઈ રકમનું રિફંડ ચૂકવવામાં આવશે નહીં. આ યોજનાનો લાભ માંગણૂ ઉપસ્થિત થયેલ છે તે અંગેની આપીલો માટે જ લાગુ પડશે. જી.એસ.ટી. નોંધણી નંબર રદ્દ થયો હોય તેવા આદેશને કે રિફંડ નામંજૂર કરતાં આદેશને આ જાહેરનામા હેઠળની યોજનાનો લાભ મળશે નહીં.
અપીલ માટેની આ યોજનાના કારણે અનેક કરદાતાઓને લાભ થશે તે ચોક્કસ છે. આ યોજનાનો લાભ નોંધણી આદેશ રદ્દની આપીલો સહિત અન્ય આપીલોને પણ આપવામાં આવ્યો હોય તો વધુ અસરકારક રીતે કરદાતાઓને રાહત મળે તેમ હતી. આ ઉપરાંત 31 માર્ચ 2023 પછી પસાર કરવામાં આવેલ આદેશો પૈકી પણ અમુક આદેશો સામે અપીલ કરવાની સમયમર્યાદા જતી રહી છે. આવા કેસોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.