વેટ, સેન્ટરલ એકસાઇઝ, સર્વિસ ટેક્સ જેવા જૂના કાયદાની જમા ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી.માં લેવાની કરદાતાઓને ફરી તક આપતી સુપ્રીમ કોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

CBIC દ્વારા આ ક્રેડિટ લેવા બાબતે તારીખ 09 સપ્ટેમ્બર 2022 ના રોજ બહારમ પાડી માર્ગદર્શિકા:

છેલ્લી તક છે હવે ફરી તક આપવામાં આવશે નહીં: CBIC ની સ્પષ્ટતા

તા. 20.09.2022: માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા યુનિયન ઓફ ઈન્ડિયા વી. ફિલ્કો ટ્રેડ સેન્ટર પ્રાઈવેટ લિમિટેડ [SLP (C) No. 32709-32710/2018] ના કેસમાં વેટ, સેંટરલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ જેવા જૂના કાયદાઓની જમા રહેલી ક્રેડિટ જી.એસ.ટી. માં આગળ ખેંચવાની સગવડ આપવામાં આવી હતી. કરદાતાઓ દ્વારા જૂના કાયદાઑ હેઠળ જમા રહેલી ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદા હેઠળ Tran 1 તથા Tran 2 દ્વારા માંગવાની રહેતી હોય છે. આ ક્રેડિટ અગાઉ માંગવાનુ ચૂકી ગયા હોય કે આ ક્રેડિટ લેવામાં કોઈ ભૂલ થઈ હોય તેવા કરદાતાઓને એક તક આપવા તા 22.07.2022 ના રોજ આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદાને અનુસરી જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. જે કરદાતા કોઈ પણ કારણોસર અગાઉ જી.એસ.ટી. લાગુ થયો ત્યારે આ જૂના કાયદાઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાનું ચૂકી ગયા હોય તેઓના માટે ફરી એક તક ઊભી થઈ છે. આ ઉપરાંત જે કરદાતાઓ એ અગાઉ Tran 1 અને Tran 2 દ્વારા ક્રેડિટ માંગવામાં આવેલ છે અને તેઓ આ ક્રેડિટમાં ફેરફાર કરવા ઈચ્છે છે તેઓને પણ આ ફોર્મ રિવાઈઝ કરવાની તક આપવામાં આવી છે. 01.10.2022 થી 30.11.2022 સુધી કરદાતાઓ માટે Tran 1 તથા Tran 2 ભરવા માટેનો વિકલ્પ ફરી ખોલી આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. CBIC ની આ સૂચનાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

Tran 1 તથા Tran 2 ભરવા માટેની મહત્વની ગાઈડલાઇન્સ:

  1. કરદાતા દ્વારા ફોર્મ Tran 1 તથા Tran 2 ઓનલાઈન પોર્ટલ ઉપર ભરવાનું રહેશે.
  2. Tran 1 તથા Tran 2 ભરવા સાથે કરદાતાએ એક “ડેકલેરેશન” ભરવાનું રહેશે. આ “ડેકલેરેશન” નો નમૂનો આ ગાઈડલાઇન્સમાં આપેલ છે. આ “ડેકલેરેશન” પણ કરદાતાએ સહી કરી PDF સ્વરૂપે અપલોડ કરવાનું રહેશે.
  3. કેન્દ્રિય વેચાણ વેરા અધિનિયમ હેઠળ જે વ્યવહારો માટે વિવિધ ફોર્મની જરૂરિયાત રહેતી હતી. આવા વ્યવહારો માટેના ફોર્મ 27.12.2017 પછી આવેલા ફોર્મ C, ફોર્મ F, ફોર્મ H, ફોર્મ I માટે જૂના કાયદા હેઠળ કોઈ ઈન્પુટનો દાવો આ મોડા આવેલ ફોર્મ પૂરતો મળશે નહીં.
  4. આ વધારાના સમય દરમ્યાન ભરવામાં આવેલ Tran 1 તથા Tran 2 ફોર્મની નકલ પોર્ટલ ઉપરથી ડાઉનલોડ કરી, ઉપર જણાવેલ “ડેકલેરેશન” સાથે જી.એસ.ટી. હેઠળ ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને ફોર્મ ઓનલાઈન ભર્યાના 7 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે. કરદાતા દ્વારા માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સની ટ્રાન્સીશનલ ક્રેડિટ બાબતેના દસ્તાવેજી પુરાવા જેવા કે રિટર્ન, બિલો, અન્ય દસ્તાવેજો કરદાતાએ તૈયાર રાખવાના રહેશે અને જ્યારે અધિકારી દ્વારા આ પુરાવાઓ માંગવામાં આવે ત્યારે આ પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
  5. 10.2022 થી 30.11.2022 દરમ્યાન Tran 1 તથા Tran 2 ભરવાની તક એ કરદાતાને આપવામાં આવેલ એક વખતની તક રહેશે તે નોંધવું જરૂરી છે. કરદાતાએ અગાઉ ભરેલ ફોર્મ રીવાઇઝ કરવા કે અગાઉ ફોર્મ ભર્યું જ ના હોય તેઓના માટે આ ફોર્મ ભરવાની આ આખરી તક હશે.
  6. એક બાબત આ માર્ગદર્શિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે એક વખત માનનીય સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને Tran 1 અને Tran 2 ફાઇલ કરવામાં આવેલ હોય કે આ ફોર્મ રિવાઈઝ કરવામાં આવ્યું હોય ત્યારે ફરી આ ફોર્મ ભરવા કે રિવાઈઝ કરવાની કોઈ તક કરદાતાને કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહીં.
  7. જે કરદાતાઓએ અગાઉ આ Tran 1 કે Tran 2 ફોર્મ ભરેલ હોય અને તેઓ તેમાં કોઈ રિવિઝન (સુધારા) કરવા માંગતા ના હોય તેઓએ આ ફોર્મ ફરી ભરવાની કોઈ જરૂર રહેતી નથી તેવી સ્પષ્ટતા 
  8. કરદાતા દ્વારા અગાઉ ભરવામાં આવેલ Tran 1 કે Tran 2 ફોર્મ કોઈ કારણોસર અધિકારી દ્વારા સંપૂર્ણ રીતે અથવા અંશતઃ નામંજૂર કરવામાં આવેલ હોય તેવા કરદાતાઑ સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને ફરી આ ફોર્મ ભરી શકશે નહીં. આવા કેસોમાં કરદાતા પાસે અપીલ ફાઇલ કરવાનો વિકલ્પ રહેલ છે.
  9. કરદાતાનો કોઈ કેસ “અપીલ” કે “એજયુડિકેશન” હેઠળ નિર્ણય આધીન હોય તેવા કિસ્સામાં પણ સુપ્રીમ કોર્ટના આદેશનો લાભ કરદાતાને મળશે નહીં અને આ ફોર્મ ભરવું કરદાતા માટે યોગ્ય વિકલ્પ રહેશે નહીં.
  10. કરદાતા દ્વારા જ્યારે આ વિકલ્પ લઈ Tran 1 કે Tran 2 ફોર્મ ભરવામાં આવ્યું હોય ત્યારે અધિકારી દ્વારા આ ફોર્મની યોગ્ય ચકાસણી કરવામાં આવશે. આ ચકાસણીને અંતે આ અંગે યોગ્ય આદેશ પસાર કરવામાં આવશે. અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ અનુસાર ટ્રાન્સીશનલ ક્રેડિટ કરદાતાના ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં જમા કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના આદેશના કારણે તમામ કરદાતાઓને પોતાની અગાઉના કાયદા હેઠળની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. માં લઈ જવાની એક સોનેરી તક મળી છે તે બાબત નિર્વિવાદ છે. આ તકનો લાભ લઈ જે કરદાતાઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ છે તેઓ ખાસ આ સવલતનો લાભ લે તે ઇચ્છનીય છે.    

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિ,આ 19 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!