જી એસ ટી કાઉન્સીલની 50 મી મિટિંગમાં થઈ કરદાતાઓ માટે છે આ ખુશ ખબર….

Spread the love
Reading Time: 4 minutes

GSTR 4, GSTR 9, GSTR 10 વગેરે બાબતો ઉપરની રાહત યોજના 31.08.2023 સુધી લંબાવવા સૂચન:

તા. 12.07.2023

જી.એસ.ટી. હેઠળ સરકારને માર્ગદર્શન પૂરું પાડવા માટે દેશના નાણાંમંત્રી, કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના નાણાંમંત્રી તથા રાજ્યના નાણાં મંત્રી અથવા રાજ્ય દ્વારા સૂચવવામાં આવેલ અન્ય મંત્રી દ્વારા જી.એસ.ટી. કાઉન્સીલની રચના કરવામાં આવેલ છે. જી.એસ.ટી. કાઉન્સીલની 50 મી બેઠક વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે તારીખ 11 જુલાઇ 2023 ના રોજ મળેલ હતી. આ 50 મી મિટિંગમાં કાઉન્સીલ દ્વારા “50 Steps towards a Journey” નામક વિશેષ શોર્ટ ફિલ્મ રીલીઝ કરવામાં આવી હતી જેમાં, જી.એસ.ટી. લાગુ થયાથી આજ સુધી લેવામાં આવેલ 50 મહત્વના નિર્ણયોની માહિતી રસપ્રદ રીતે આપવામાં આવી છે. આ ઉપરાંત “My Stamp” નામક ટપાલ ટિકિટનું પણ અનાવરણ જી.એસ.ટી. કાઉન્સીલના ચેરપર્સન નાણામંત્રી નિર્મલા સિથારમન તથા જી.એસ.ટી. કાઉન્સીલના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. 11 જુલાઇના રોજ મળેલી આ 50 મી કાઉન્સીલ મિટિંગ ખૂબ લાંબી ચાલી હતી અને તે અંગેની પ્રેસ વિજ્ઞપ્તિ રાત્રે બહાર પાડવામાં આવી હતી. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં નીચે મુજબ જાહેરાતો કરવામાં આવેલ છે.

  1. ફ્રાયમ્સ જેવી નાસ્તાની તળેલી ના હોય તેવી બનાવટો ઉપર જી.એસ.ટી. 5% કરવા જાહેરાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી આ સુધારો લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
  2. ખેડૂત દ્વારા સહકારી મંડળીઓને વેચાણ કરવામાં આવતા કપાસ ઉપર RCM લાગે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
  3. ઝરી દોરી-યાર્ન તરીકે ઓળખાતી ચીજ વસ્તુ ઉપર વેરનો દર 12 % થી ઘટાડી 5% કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ ફેરફાર પણ પાછલી તારીખથી અમલી બને તેવું સૂચન કરવામાં આવ્યું છે.
  4. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી કે જેઓએ ફોરવર્ડ ચાર્જ હેઠળ ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકારેલ હોય તેવા કરદાતાએ દર વર્ષે આ વિકલ્પ સ્વીકારવા અરજી કરવાની જરૂર રહેશે નહીં. એક વાર આ વિકલ્પ સ્વીકારવાની અરજી કરેલ હશે ત્યારબાદ જ્યાં સુધી આ ફોરવર્ડ ચાર્જ વિકલ્પમાં રહેવા કરદાતા ઈચ્છા ધરાવતા હોય ત્યાં સુધી કોઈ અરજી દર વર્ષે તેઓ દ્વારા કરવાની જરૂર રહેશે નહીં અને ફોરવર્ડ ચાર્જનો વિકલ્પ તેઓ માટે ચાલુ જ રહેશે. ટૂંકમાં એક વાર ફોરવર્ડ ચાર્જમાં ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકાર્ય કર્યા બાદ માત્ર જ્યારે રિવર્સ ચાર્જના વિકલ્પમાં જવાની ઈચ્છા ધરાવશે ત્યારે જ જી.ટી.એ. દ્વારા ફરી અરજી કરવાની રહેશે.
  5. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી જો ફોરવર્ડ ચાર્જમાં વેરો ભરવા ઈચ્છા ધરાવતી હોય તો હાલ તેઓ દ્વારા આગલા વર્ષની 15 માર્ચ પહેલા આ વિકલ્પ સ્વીકારવાનો રહે છે. આ સમયમર્યાદામાં વધારો કરી હવે આવા ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી પાછલા વર્ષની 01 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીમાં આ વિકલ્પ પસંદ કરી શકશે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
  6. સિનેમા ઘરોમાં ગ્રાહકોને નાસ્તો વેચાણ કરવાની સેવાઓ જ્યારે ફિલ્મ ટિકિટથી અલગ રીતે વેચાણ કરવામાં આવતી હોય ત્યારે આ સેવા એ રેસ્ટોરન્ટ સેવા જ ગણાશે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. પરંતુ જ્યારે ફિલ્મની ટિકિટ સાથે આ નાસ્તાનું વેચાણ કરવામાં આવતું હોય તેવા વ્યવહારોમાં ફિલ્મ ટિકિટ સાથે આ નાસ્તાનું વેચાણ એ કંપોઝીટ સપ્લાય ગણાશે અને તેના ઉપર ફિલ્મ ટિકિટના દરે જી.એસ.ટી. લાગુ પડશે તેવો પણ ખુલાસો કરવામાં આવેલ છે.
  7. કેસીનો, ઘોડા દોડ, ઓનલાઈન ગેઇમસ ઉપર 28 % ના દરે વેરો લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ તમામાં ઉપર તેની પૂરી રકમ ઉપર જી.એસ.ટી. લાગુ કરવામાં આવશે તેવું સૂચન કરવામાં આવેલ છે.
  8. 08.2023 થી જી.એસ.ટી. ટ્રાઈબ્યુનલની ક્રમિક તબક્કામાં રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે.
  9. જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવામાં અમુક વિગતો આપવામાં કરદાતાઓને મુક્તિ આપવામાં આવેલ હતી. આ મુક્તિ નાણાકીય વર્ષ 2022 23 ના વાર્ષિક રિટર્ન માટે પણ ચાલુ રાખવામા આવેલ છે.
  10. બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાં માટેની મુક્તિ નાણાકીય વર્ષ 2022 23 માટે પણ ચાલુ રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
  11. વોરંટી પિરિયડ દરમ્યાન ગ્રાહકોને બદલી આપવામાં આવેલ પાર્ટસ બાબતે ખુલાસો કરતો સર્ક્યુલર બહાર પાડવા કેન્દ્ર સરકારને સૂચન કરવામાં આવેલ છે.
  12. રિફંડ અંગે ચાલી રહેલી દ્વિધાઓ અંગે ખુલાસો કરતો પરિપત્ર બહાર પાડવા કેન્દ્ર સરકારને સૂચન કરવામાં આવેલ છે.
  13. સરકારને કરવામાં આવતા વેચાણ સંદર્ભે ઇ ઇંવોઇસની જોગવાઈ અંગે ખુલાસો કરતો પરિપત્ર બહાર પાડવા સૂચન કરવામાં આવ્યું છે.
  14. કરદાતા દ્વારા ખોટી રીતે ભોગવવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે વ્યાજની ગણતરી કેવી રીતે કરવી તે અંગે ખુલાસો બહાર પાડવા સૂચન કરવામાં આવ્યું છે.
  15. નાણાકીય વર્ષ 2017-18 અને 2018 19 માટે GSTR 3B તથા GSTR 2A માં તફાવત હોય તેવા સંજોગોમાં ખરાઈ કરવાની પદ્ધતિ સર્ક્યુલર 183/15/2022, તા. 27 ડિસેમ્બર 2022 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ પ્રકારે જ 01.04.2019 થી 31.12.2021 સુધી પણ આ ખરાઈ બાબતે સર્ક્યુલર બહાર પાડવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
  16. Filco Trade Center Pvt Ltd ના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદા સંદર્ભે Tran 1 અને Tran 2 બાબતે વિવાદના કિસ્સામાં મેન્યુલ અપીલ ફાઇલ કરવાની સગવડ શરૂ કરવા સૂચન કરવામાં આવેલ છે.
  17. જી.એસ.ટી. નિયમ હેઠળનો નિયમ 108(1) તથા 109(1) માં સુધારો કરી અમુક ખાસ સંજોગોમાં મેન્યુયલ અપીલ દાખલ કરવા પરવાનગી આપવા સૂચન કરવામાં આવેલ છે.
  18. GSTR 4, GSTR 9, GSTR 10, કેનસલેશન રિવોકેશન અરજી અંગે 30 જૂન સુધી લાગુ કરવામાં આવેલ “એમ્નેસ્ટી સ્કીમ” (માફી યોજના) ની મુદત 31.08.2023 સુધી વધારવા સૂચન કરવામાં આવ્યું છે.
  19. નવો જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવતા કરદાતા દ્વારા પોતાના બેન્ક ખાતાની જાણ ઓનલાઈન કરવાની સમયમર્યાદા નોંધણી દાખલો મળ્યેથી 30 દિવસ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આવા કરદાતા પોતાનું પ્રથમ GSTR 1 કે IFF ભરે તે પહેલા બેન્ક અંગેની જાણ કરવી ફરજિયાત રહેશે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. આમ કરવામાં નિષ્ફળ જશે તેવા કરદાતાનો નોંધણી દાખલો સિસ્ટમ દ્વારા જ 30 દિવસમાં સસ્પેન્ડ કરી નાંખવામાં આવશે તેવી પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત બેન્કની વિગતો કરદાતા દ્વારા આપવામાં આવશે એટ્લે તુરંતજ આ સસ્પેન્શન સિસ્ટમ દ્વારા દૂર કરી આપવામાં આવશે.
  20. હવે આધાર દ્વારા વેરિફિકેશન થયું હશે તેવા કેસોમાં પણ જો સિસ્ટમ દ્વારા રિસ્ક દર્શાવવામાં આવે તો નવા નોંધણી દાખલાની અરજી સંદર્ભે ધંધાની જગ્યાનું ફીઝીકલ વેરિફિકેશન કરવામાં આવશે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે.
  21. રાજ્ય કક્ષાએ “રાજ્ય કક્ષાની કો ઓર્ડિનેશન કમિટી” ની સ્થાપના કરવા સૂચન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય અને સેંટરલ જી.એસ.ટી. ના અધિકારીઓ દ્વારા જી.એસ.ટી. જ્ઞાન અભિવૃદ્ધિ તથા જી.એસ.ટી. સંચાલન અંગે કાર્ય કરવાનું રહેશે.

જી.એસ.ટી. કાઉન્સીલની જાહેરાતો પૈકી જમીની સ્તરે ઉપયોગી થાય તેવા સૂચનો વિષે માહિતી આપવામાં આવેલ છે. આ તકે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ એ જી.એસ.ટી. વહીવટ માટે સૂચનો કરતી સંસ્થા છે. આ સૂચનો ઉપર અમલવારી કરવા અંગે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવતા હોય છે. આ નોટિફિકેશન બહાર પડે ત્યાર બાદ જ આ સૂચનો ઉપર અમલવારી થતી તોય છે.

error: Content is protected !!
18108