શેર બજારના વ્યવહારો ઇન્કમ ટેક્સ રિટર્નમાં યોગ્ય રીતે દર્શાવવા છે જરૂરી!! આ વ્યવહારો દર્શાવવામાં ચૂક કરવાથી આવી શકે છે મોટી જવાબદારી

Spread the love
Reading Time: 4 minutes

10.07.2023

ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર TIS ઉપર આવેલ માહિતીને ધ્યાને લઈ આ વ્યવહારો દર્શાવવા છે જરૂરી.

કોરોના કાળમાં ખાસ કરીને લોકડાઉન દરમ્યાન સામાન્ય લોકોના શેર બજારમાંના રોકાણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે તેવા અહેવાલો છે. એક ટેક્સ એડવોકેટ તરીકે એવો અનુભવ થયો છે કે શેર બજારના રોકાણમાં થયેલ આ વધારાના કારણે શેર બજાર ઉપર લાગતા ટેક્સ બાબતેના પ્રશ્નોમાં પણ વધારો થયો છે. આજે આ લેખમાં શેર બજારના વ્યવહારો ઉપર લગતા ઇન્કમ ટેક્સ અંગેના સામાન્ય નિયમોની ચર્ચા કરવામાં આવેલ છે.

ટૂંકા ગાળાનો મૂડી નફો (શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન)

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ શેર ખરીદી કર્યાના 12 મહિના સુધીમાંજ આ શેરનું વેચાણ કરવામાં આવે ત્યારે જે નફો ઉદ્દભવે તેને ટૂંકા ગાળાનો મૂડી નફો કે અંગ્રેજીમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્રીમતિ પોપટ દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 14 જુલાઇ 2022 ના ખરીદી કરવામાં આવેલ હોય અને આ શેર તેઓ દ્વારા 31 માર્ચ 2023 ના રોજ વેચાણ કરી આપવામાં આવેલ હોય અને તેઓને જે નફો ઉદ્દભવે તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવે છે. આવા ટૂંકા ગાળાના નફા ઉપર 15% ના દરે ઇન્કમ ટેક્સ લાગુ પડે છે. કરદાતાની અન્ય આવક ઉપર જે કોઈ પણ દર લાગુ હોય પરંતુ શેર બજારના વ્યવહાર ઉપર જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉદ્દ્ભવેલ હોય ત્યારે તેના ઉપર 15% ના દરે જ ઇન્કમ ટેક્સ લાગુ પડે છે. આ તકે એ બાબત જાણવી જરૂરી છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એ માત્ર ડિલિવરી બેઇઝ વ્યવહારો માટે લાગુ પડે. શેરની ડિલિવરી લીધા સિવાય માત્ર “ઇન્ટ્રા ડે” વ્યવહારો જેવા વ્યવહારો માટે ઇન્કમ ટેક્સ હેઠળ અલગ જોગવાઈ લાગુ પડે છે જેની ચર્ચા હવે પછી આ લેખમાં કરવામાં આવેલ છે.

લાંબા ગાળાનો મૂડી નફો (લોંગ ટર્મ કેપિટલ ગેઇન)

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ શેર ખરીદી કર્યાના 12 મહિના બાદ આ શેરોનું વેચાણ કરવામાં આવે ત્યારે જે નફો ઉદ્દભવે તેને લાંબા ગાળાનો મૂડી નફો કે અંગ્રેજીમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્રીમતિ પોપટ દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 14 જુલાઇ 2020 ના ખરીદી કરવામાં આવેલ હોય અને આ શેર તેઓ દ્વારા 31 માર્ચ 2023 ના રોજ વેચાણ કરી આપવામાં આવેલ હોય અને તેઓને જે નફો ઉદ્દભવે તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવે છે. લાંબા ગાળાના મૂડી નફા ઉપર 10% ના રાહતકારક દરે ઇન્કમ ટેક્સ લાગુ પડે છે. જો કે લાંબા ગાળાના મૂડી નફા સંદર્ભે કરદાતાઓને 1 લાખ સુધીની વિશિષ્ટ મુક્તિ આપવામાં આવેલ છે. આમ, કરદાતાને લાંબાગાળાનો મૂડી નફો 1 લાખથી વધુ થાય તો તે વધારાના નફા ઉપર જ 10% ના દરે વેરો ભરવાની જવાબદારી આવશે.

લાંબા ગાળાના મૂડી નફા બાબતે “ગ્રાન્ડફાધરિંગ ક્લોઝ” અંગેની એક વિશિષ્ટ રાહત!!

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નાણાકીય વર્ષ 2018-19 સુધી લાંબા ગાળાનો મૂડી નફો કરમુક્ત હતો. લાંબા ગાળાના મૂડી નફો કેટલો પણ મોટો હોય તેના ઉપર ટેક્સની કોઈ જવાબદારી આવતી ના હતી. પરંતુ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલ બજેટ 2018 માં આ કરમુક્તિ પાછી ખેચી લેવામાં આવી હતી. આ કરમુકિત પાછી ખેંચી હોવાની સાથે જ કરદાતાઓને એક વિશિષ્ટ લાભ આપવામાં આવ્યો છે.  31 જાન્યુઆરી 2018 પહેલા જે કોઈ કરદાતાઓ એ કોઈ શેરની ખરીદી કરેલ હોય અને આ શેરનું વેચાણ તેઓ દ્વારા લાંબા ગાળા દરમ્યાન (12 મહિના ધારણ કર્યા બાદ) કરવામાં આવે તો તેઓની ખરીદ કિંમતની ગણતરીમાં વિશિષ્ટ લાભ આપવામાં આવે છે. આ લાભની ગણતરી ટેકનિકલ હોય, આ પ્રકારના લાંબાગાળાના નફાની ગણતરી કરાવવા પોતાના ટેક્સ પ્રોફેશનલ્સની સલાહ લેવી જરૂરી છે. 

ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ઉપર ટેક્સની જવાબદારી:

ઇન્ટ્રા ડે ટ્રેડિંગ એટ્લે એ પ્રકારના શેર બજારના વ્યવહાર જેમાં વ્યક્તિ ખરીદેલા શેરની ડિલિવરી પોતાના ડીમેટ એકાઉન્ટમાં આવે એ પહેલા જ તેનું વેચાણ કરી આપતા હોય. આ પ્રકારના શેર વ્યવહારને ઇન્કમ ટેક્સ હેઠળ સટ્ટાકીય આવક ગણવામાં આવે છે જેને અંગ્રેજીમાં “સ્પેક્યુલેશન બિઝનેસ ઇન્કમ” ગણવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારો ઉપર કરદાતા પોતાના સામાન્ય રીતે લાગુ દરે ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બને છે.

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન વ્યવહારો ઉપર ઇન્કમ ટેક્સની જવાબદારી:

ફ્યુચર અને ઓપ્શનમાં શેર બજારમાં વ્યવહાર કરતાં કરદાતાઓની આવક એ ઇન્કમ ટેક્સ હેઠળ ધંધાકીય આવક ગણાય છે. પરંતુ આ પ્રકારના વ્યવહાર એ સટ્ટાકીય વ્યવહારો ગણાય નહીં પરંતુ સામાન્ય ધંધાકીય આવક તરીકે ગણવામાં આવશે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શનની ધંધાકીય આવક ઉપર કરદાતા પોતાને લાગુ જે તે રેઇટ ઉપર ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બનશે.

શેર બજારના વ્યવહારોનું નુકસાન પછીના વર્ષમાં બાદ મળે?

શેર બજારમાં વ્યવહારો કરતાં વ્યક્તિ માટે આ પ્રશ્ન ખૂબ સામાન્ય રહેતો હોય છે. કોઈ વર્ષમાં ઉદ્દભવેલ નફા સામે જૂના વર્ષોમાં થયેલ નુકસાન બાદ મળે? નુકસાન સેટ ઓફ કરવાના નિયમો અલગ અલગ માટે વ્યવહારો સામે અલગ અલગ રહેતા હોય છે. મૂડી નફાનું (નુકસાનનું) સેટ ઓફ માત્રને માત્ર મૂડી નફાની ભવિષ્યની આવક સામે થઈ શકે છે. આવકના અન્ય સ્ત્રોત સામે મૂડી નુકસાનનો “સેટ ઓફ” થઈ શકે નહીં. એમાં પણ, લાંબાગાળાના મૂડી નુકસાનનું “સેટ ઓફ” માત્ર ભવિષ્યમાં થતાં લાંબા ગાળાના મૂડી નફા સામે જ થઈ શકે છે. જ્યારે ટૂંકા ગાળાના મૂડી નુકસાનનું સેટ ઓફ ભવિષ્યમાં થતાં લાંબા ગાળાના મૂડી નફા અથવા તો ટૂંકા ગાળાના મૂડી નફા બન્ને સામે થઈ શકે છે. સટ્ટાકીય વ્યવહારો (ઇન્ટ્રા ડે ટ્રેડીંગ) અંગેનું નુકસાન માત્ર ભવિષ્યમાં ઉદ્દભવતા સટ્ટાકીય વ્યવહારોના નફા સામે જ “સેટ ઓફ” થઈ શકે છે. જ્યારે ધંધાકીય વ્યવહારો (F & O વ્યવહારો) નું નુકસાન અન્ય ધંધાકીય આવક ઉપરાંત અન્ય આવક સામે પણ “સેટ ઓફ” થઈ શકે છે. એ બાબત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે કોઈ પણ નુકસાન ભવિષ્યના વર્ષમાં “સેટ ઓફ” લેવા માટે જે વર્ષમાં નુકસાન ઉદ્દભવ્યું હોય તે વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ઇન્કમ ટેક્સ હેઠળ સૂચિત સમય મર્યાદામાં ભરવું અનિવાર્ય છે. આમ, ઓડિટ સિવાયના કરદાતાઓ હોય તેઓના માટે 31 જુલાઇ તથા ઓડિટ કરાવવા જવાબદાર કરદાતાઓ માટે 31 ઓક્ટોબર સુધીમાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવે તો જ ભવિષ્યના નફા સામે જે તે વર્ષનું નુકસાન “સેટ ઓફ” લઈ શકાય છે. આ તકે એક મહત્વની બાબત જાણવી જરૂરી છે કે જે તે વર્ષમાં કરદાતાને હાઉસ પ્રોપર્ટીની આવક (હાઉસિંગ લોન વ્યાજ સહિત) કે ધંધાકીય આવક (સટ્ટાકીય ધંધા સિવાયની) માં નુકસાન થયું હોય અને તેઓને તે જ વર્ષના લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના મૂડી નફા સામે “સેટ ઓફ” મળી શકે છે.

શેર બજારના વ્યવહારો હાથ ધરવા એ સામાન્ય લોકો માટે જોઈએ તેટલું સહેલું નથી. એવી જ રીતે આ વ્યવહારોને ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવા પણ રમત વાત નથી. આ અંગે યોગ્ય માર્ગદર્શન મેળવી કરદાતા પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે તે ઇચ્છનીય છે. એક ટેક્સ પ્રોફેશનલ તરીકે હું ચોક્કસ માનું છું કે શેર બજારના વ્યવહાર કરતાં કરદાતાએ આ વિષય ઉપર નિષ્ણાંત ટેક્સ પ્રોફેશનલ્સનું માર્ગદર્શન લઈ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે.

-By Bhavya Popat

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તારીખ 10.07.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!