જી.એસ.ટી. ના ટર્નઓવરના આંકડા હવે ઇન્કમ ટેક્સ હેઠળ 26AS માં પણ દર્શાવાશે!!
કરદાતાઓ માટે શું આ છે મુશ્કેલીના એંધાણ???
તા. 18.11.2020: 01 જુલાઇ 2017 થી સમગ્ર દેશમાં જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. ત્યારથી લઈ આજ સુધી કરચોરી ડામવા અનેક પ્રકારના પગલાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. કરચોરી કેટલા હદે ઓછી થઈ તે બાબત તો ચર્ચાનો વિષય છે પરંતુ મોટા ભાગના આ પ્રકારના કરચોરી ડામવાના પગલાંથી કરદાતાઓએ ચોક્કસ મુશ્કેલી અનુભવી છે.
હવે કરચોરી ડામવા નવું પગલું ભરતા હવે GSTR 3B ના આંકડા ઇન્કમ ટેક્સ ના 26 AS ફોર્મમાં ઓટોમેટિક દર્શાવવામાં આવશે. આ પ્રકારે 3Bની વિગતો જ્યારે 26 AS માં દર્શાવવામાં આવશે ત્યારે સૌથી મોટો અવરોધ કરદાતાને જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવેલ સર્ક્યુલર 26/2017 થી પડશે. આ સર્ક્યુલર મુજબ કરદાતા પોતાના જે તે વર્ષના “એડજસ્ટમેંટસ” પછીના 3B માં અથવા તો પછીના વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીના GSTR 3B માં કરી શકે છે. હવે જ્યારે ઇન્કમ ટેક્સના ફોર્મ 26 AS માં જે ફિગર આવશે તે આ સર્ક્યુલર પ્રમાણે બાઈફરકેટ કેવી રીતે કરવામાં આવશે તે પ્રશ્ન ઉદ્ભવશે. GSTR 3B ના બદલે GSTR 9 પ્રમાણે ટર્નઓવર મેચ કરવામાં આવે તો તે વધુ વ્યાવહારિક ગણી શકાય એવું કરવ્યાવસાઈકો માને. બીજો મહત્વનો પ્રશ્ન એ પણ આવી શકે છે કે અલગ અલગ રાજ્યોમાં જી.એસ.ટી. નંબર ધરાવતા કરદાતાઓ માટે પોતાના એક રાજ્યમાંથી બીજા રાજયમાં પોતાની બ્રાન્ચને જ કરેલ વેચાણ એ જી.એસ.ટી. હેઠળ ટર્નઓવર ગણાય છે પરંતુ ઇન્કમ ટેક્સ હેઠળ આ રકમને ટર્નઓવર ગણી શકાય નહીં. આમ, આ બાબતે પણ ટર્નઓવરમાં ફેરફાર જણાઈ શકે છે.
લેખકના અંગત મત મુજબ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ GST ટર્નઓવરમાં કોઈ ફેરફાર જણાશે તો 143(1a) ની નોટિસ કરદાતાને આવી શકે છે. આ ટર્નઓવરમાં તફાવત જાણતા સાથેજ કોઈ ગંભીર પગલાં ઇન્કમ ટેક્સ દ્વારા ભરવામાં આવશે તેવો ડર રાખવો અસ્થાને છે. કરદાતાને આ તફાવત સમજાવવા તક આપવામાં આવશે અને આ તફાવત ન સમજાવી શકે તેવા કરદાતાઑ ઉપરજ આ ફેરફારની ગંભીર અસર થશે તેવું માનવમાં આવી રહ્યું છે.
12 નવેમ્બર 2020 થી 26AS માં GST ટર્નઓવર ભાગ H માં દર્શાવવામાં આવી રહ્યું છે. આ અંગે વાત કરતાં CA ચિંતન પોપટ જણાવે છે કે સર્ક્યુલર 26/2017 ના કારણે એક અંદાજ પ્રમાણે 50% જેટલા કરદાતાઓના ટર્નઓવરમાં તફાવત આવી શકે છે. જી.એસ.ટી. નો અમલ થયો છે ત્યારથી કર વ્યાવસાઈકો જી.એસ.ટી. રિટર્ન રિવાઈઝ કરવાની સગવડ આપવા માંગ કરી રહ્યા છે. હવે જો આ સગવડના આપવામાં આવે તો ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ટર્નઓવર બાબતે ગંભીર પ્રશ્નો ઉદભવશે તે બાબત ચોક્કસ છે. રિવાઈઝ રિટર્નની સગવડ ના આપવાની જડતાના કારણેજ સર્ક્યુલર 26/2017 જેવી અતાર્કિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કરચોરી રોકવા ઉઠાવવામાં આવેલ આ પગલું કરદાતાઓ તથા કર વ્યાવસાઈકો માટે આફતના એંધાણ લાવી શકે છે તેવી ભીતિ સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.