દેશભરમાં 163000 જેટલા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે સરકાર દ્વારા રદ્દ: જાણો શું છે આ પાછળનું કારણ
આ પૈકી અંદાજે 40000 જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ગુજરાતના વેપારીઓના હોવાની મળી રહી છે ખબર:
તા. 14.12.2020: જી.એસ.ટી. હેઠળ સતત છ મહિના સુધી રિટર્ન ન ભરવામાં આવે તો રજીસ્ટ્રેશન રદ્દ કરવાની સત્તા અધિકારીને આપવામાં આવેલ છે. આ સત્તાનો ઉપયોગ કરી દેશભરમાંથી 163000 જેટલા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા હોવાની અખબારી માહિતી મળી રહી છે. આ પૈકી ગુજરાતના 40000 વેપારીઓના રજીસ્ટ્રેશન રદ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરી ડામવાની સમસ્યા સરકાર માટે સૌથી વધુ પડકારજનક રહી છે. આ રિટર્ન ડિફોલટરોમાં ટેક્સ ચોરી થઈ હોવાની સંભાવના અંગે પણ તપાસ થતી હોય છે. સરકારની આવકમાં પણ ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. આ કારણે પણ સરકાર વધુ કડક બની હોય તેમ માનવમાં આવી રહ્યું છે.
જો કે ઘણા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માત્ર એ કારણે રદ્દ કરવામાં આવ્યા છે જેમાં કરદાતાનું ટર્નઓવર છેલ્લા 6 મહિનાથી NIL હોય. આ બાબતે વાત કરતાં વેરાવળના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ હરીશ સવજિયાની જણાવે છે કે “કોવિડ-19” ના કારણે ધંધાઓને માઠી અસર પહોચી છે. લોકડાઉન દરમ્યાન મોટાભાગના ધંધાઓનું ટર્નઓવર NIL રહ્યું હોય તે સામાન્ય બાબત છે. અમુક ધંધાઑ માત્ર “સિઝનલ” હોય છે. આવા ધંધાઓ કે જેની મુખ્ય સિઝન લોકડાઉનમાં જતી રહી તેમના પછીના ટર્નઓવર NIL હોય તે સામાન્ય બાબત છે. સરકાર દ્વારા આ કારણે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે તે તદ્દન અવ્યવહારિક છે. આ પ્રકારે રજીસ્ટ્રેશન રદ્દ થવાથી સરકારી તિજોરોને નુકસાન પહોચવાની સંભાવના પણ રહેલી છે.
કરચોરી કરનારાઓ ઉપર સખત પગલાં લેવા જ જોઈએ. કરદાતા રિટર્ન નિયમિત ભરે તે પણ જરૂરીજ છે. પણ NIL રિટર્નના કારણે કે આ પ્રકારે કોઈ સામાન્ય કારણે નોંધણી દાખલો રદ કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી ગણાય તેવો વેધક પ્રશ્ન કરદાતાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.