ખોટી રીતે કરદાતાની નોંધણી દાખલાની અરજી રદ કરવા બદલ લાદવામાં આવ્યો 15000 નો દંડ

Spread the love
Reading Time: 3 minutes

ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:

રંજના સિંઘ વી કમિશ્નર સ્ટેટ ટેક્સ

સલગ્ન કાયદો: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 2017

ચુકાદો આપનાર ફોરમ: અલહાબાદ હાઇકોર્ટ

માનનીય જજ: પિયુષ અગ્રવાલ


કરદાતા વતી વકીલ: આલોક કુમાર

સરકાર વતી: એ. સી. ત્રિપાઠી

ચુકાદા તારીખ: 30 માર્ચ 2022


કેસની હકીકતો:

  • કરદાતા નોકરી અપાવવાની સેવા પૂરી પાડવાના વ્યવસાયમાં રોકાયેલા હતા.
  • તેઓ દ્વારા 17.08.2021 ના રોજ જી.એસ.ટી. નોંધણી મેળવવાની અરજી કરવામાં આવેલ હતી.
  • નોંધણી દાખલા અરજીના અનુસંધાને કરદાતાના ધંધાના સ્થળની 15.09.2021 ના રોજ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • આ સ્થળ તપાસ બાદ વધારાની વિગતો કરદાતા પાસેથી માંગવામાં આવી હતી. કરદાતા દ્વારા આ વિગતો આપી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
  • આ જવાબ સામે અધિકારી દ્વારા 23.09.2021 ના રોજ નોંધણી દાખલા માટેની અરજી નકરવામાં આવી હતી.
  • અધિકારીના આદેશ સામે કરદાતા દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ અપીલ 28.10.2021 ના રોજ અપીલ અધિકારી દ્વારા અપીલમાં કરદાતા વિરુદ્ધ આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
  • આ અપીલ આદેશ સામે તથા અધિકારીના આદેશને આ રિટ પિટિશન દ્વારા પડકારવામાં આવ્યો છે.

કરદાતા તરફે રજૂઆત:

  • કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 25 હેઠળ તથા જી.એસ.ટી. નિયમના નિયમ 8 તથા 9 હેઠળ જરૂરી તમામ સાહિત્યો સાથે અરજી કરવામાં આવી હતી.
  • PAN કાર્ડ, આધાર કાર્ડ, ઘર વેરા રિસીપ્ટ જેવા તમામ સાહિત્યો અરજીમાં ઓનલાઈન આપવામાં આવ્યા હતા તથા આ પુરાવાઓ સ્થળ તપાસ સમયે અધિકારીને રજૂ કરવામાં આવ્યા હતા.
  • કાયદા તથા નિયમોમાં જરૂરી તમામ દસ્તાવેજો આપ્યા હોવા છતાં, અરજી તથા અપીલ કોઈ પણ વિગતવાર કારણ દર્શાવ્યા વગર રદ્દ કરવામાં આવી છે.

કોર્ટનો ચુકાદો:

  • જી.એસ.ટી. હેઠળ કલમ 25 સાથે નિયમ 8 અને 9 સાથે વાંચવા છે જરૂરી.
  • આ જોગવાઇઓનું વાંચન કરતાં કરદાતા પાસે PAN હોવો જરૂરી છે.
  • આ કેસમાં PAN ઉપરાંત, આધાર કાર્ડ, ધંધાની જગ્યાના પુરાવા પણ આપવામાં આવ્યા છે.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ધંધાના સ્થળની સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. જે સ્થળ તપાસમાં કોઈ વાંધાજનક બાબત બહાર આવી ના હતી.
  • ત્યારબાદ કરદાતાને વધુ પુરાવા રૂપે ધંધાની જગ્યાના પુરાવા તરીકે ઇલેક્ટ્રીક બિલ/વેરા પહોંચ અથવા અન્ય કોઈ પુરાવા આપવા જણાવવામાં આવ્યું હતું.
  • કરદાતાએ ધંધાના જગ્યાની વેરા પહોંચ આપી હોવા છતાં, ઇલેક્ટ્રીક બિલ ના હોવાના કારણે નોંધણી દાખલા મેળવવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
  • આ બાબતે કરદાતા દ્વારા અપીલ હાથ ધરતા તેઓને અપીલ અધિકારી દ્વારા કોઈ રાહત આપવામાં આવી ના હતી.
  • પ્રોપર ઓફિસર કે અપીલ અધિકારી દ્વારા કરદાતાને કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યા વગર કે કારણ આપ્યા વગર કરદાતાની અરજી રદ કરી આપવામાં આવી છે. ઘર વેરાની પહોચ આપી હોવા છતાં અધિકારી દ્વારા કરદાતા પાસે ઇલેક્ટ્રીક બિલનો આગ્રહ રાખવામા આવ્યો હતો જે કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી.
  • કરદાતાએ સ્પષ્ટ પણે અરજી તથા અપીલમાં જણાવેલ છે કે તેઓ ધંધાની જગ્યાના માલિક છે.
  • PAN, Aadhar તથા ઘરવેરા પહોંચ અરજી સાથે આપી હોવા બાદ અધિકારી દ્વારા ઇલેક્ટ્રીક બિલનો આગ્રહ કરી શકાય નહીં.
  • કોઈ શરતચૂક કે કાયદાનો ભંગ થયો ના હોય તેવા સંજોગોમાં કરદાતાને પોતાનો ધંધો કયદાકીય રીતે ચલાવવાનો પૂરો હક્ક છે.
  • કરદાતાનો ધંધો જપ્ત કરવાનો કોઈને બિનકાયદાકીય રીતે તથા એક તરફી રીતે રોકવાનો કોઈને અધિકાર નથી.
  • કરદાતા દ્વારા પૂરા પાડવામાં આવેલ વિગતો ધ્યાને લેતા તેઓ દ્વારા કાયદાકીય રીતે જરૂરી તમામ વિગતો પૂરી પાડવામાં આવી હતી.
  • આ આદેશ પસાર કરવા સાથે કોર્ટ દ્વારા એવું સ્પષ્ટ રીતે નોંધવામાં આવે છે કે, રાજ્ય વેરા હેઠળના બન્ને અધિકારીઓ કરદાતાને હેરાન કરવા તેઓની અરજી રદ્દ કરેલ છે તેવું ફલિત થાય છે. આ બાબત ક્યારે પણ સ્વીકારી શકાય નહીં. અધિકારીઓનું આ વલણ ક્યારેય ચલાવી શકાય નહીં. રાજ્ય વેરા અધિકારી દ્વારા કાયદા તથા નિયમોને ધ્યાને લઈ નિર્ણય લેવા જરૂરી છે.
  • અધિકારીનો તારીખ 23.09.2021 નો આદેશ તથા 28.10.2021 ના અપીલના આદેશ કાયદાની દ્રષ્ટિએ ટકી શકે નહીં. અધિકારી દ્વારા આ આદેશ મળ્યાના 7 દિવસમાં રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો ધ્યાને લઈ નોંધણી દાખલા અંગે કાયદા અને નિયમોને ધ્યાને લઈ આદેશ કરવામાં આવે.
  • આ રિટ પિટિશન વળતર સાથે મંજૂર રાખવામા આવે છે અને રિસ્પોનડંટ દ્વારા 15000/- વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવે છે.
  • રિસ્પોનડંટ આ વળતરની રકમ અધિકારીઓ પાસેથી વસૂલ કરી શકે છે.

(સંપાદક નોંધ: જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો હાલ લોઢાંના ચણા ચાવવા જેવુ મુશ્કેલ કામ બની ગયું છે. યેનકેન રીતે કરદાતાઓની અરજી એક યા બીજા કારણોસર રદ્દ કરવામાં આવતી હોય છે. આ બાબત ઉપર ખુબજ ઉપયોગી ચુકાદો છે.)   

  • (આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટ (એડવોકેટ તથા એડિટર-ટેક્સ ટુડે) ના અંગત અર્થઘટન છે. વાંચકોના લાભાર્થે આ ચુકાદો આ લેખ સાથે જોડેલ છે.)

2 thoughts on “ખોટી રીતે કરદાતાની નોંધણી દાખલાની અરજી રદ કરવા બદલ લાદવામાં આવ્યો 15000 નો દંડ

Comments are closed.

error: Content is protected !!