જી.એસ.ટી. મને ક્યાં લાગુ પડે છે!! મારે જી.એસ.ટી. વિષે જાણવાની જરૂર શું??

Spread the love
Reading Time: 4 minutes

જી.એસ.ટી. મને ક્યાં લાગુ પડે છે!! મારે જી.એસ.ટી. વિષે જાણવાની જરૂર શું??

તા. 20.06.2022

જી.એસ.ટી. “ઈંડાયરેક્ટ ટેક્સ” છે અને મને-તમને તમામને લાગુ પડે છે!!

01 જુલાઇ 2017 ના રોજ જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો. જી.એસ.ટી. લાગુ થયા અંગેના સમાચારો ફૂલછાબ સહિત લગભગ તમામ જાણીતા સમાચારપત્રોની ટોપ “હેડલાઇન” હતી. દેશના કરમાળખામાં આમુલ પરીવર્તન તરીકે જી.એસ.ટી. ને માનવમાં આવે છે. ઘણીવાર મિત્રો સાથે થતી વાતમાં એ જાણવા મળે છે કે અમે ક્યાં વેપારી છે કે અમારે જી.એસ.ટી. અંગે જાણવાની જરૂર રહે?? જી.એસ.ટી. અંગે જાણી અમારે શું કરવું?? આ માન્યતા ભૂલ ભરેલી છે. જી.એસ.ટી. અંગેની પ્રાથમિક માહિતી તમામ લોકો માટે શું કરવા જરૂરી છે તે અંગે આ લેખમાં વિગતો આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ડાયરેક્ટ ટેક્સ અને ઇંડાયરેક્ટ વિષે સમજ છે જરૂરી

કોઈ પણ ટેક્સ સિસ્ટમમાં મુખ્યત્વે બે પ્રકારના વેરા લાગુ કરવામાં આવ્યા હોય છે. 1)ડાયરેક્ટ ટેક્સ જેને પ્રત્યેક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે અને 2) ઇનડાયરેક્ટ ટેક્સ જેને અપ્રત્યક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ ટેક્સ એટ્લે એવો ટેક્સ કે જે વ્યક્તિ આ ટેક્સ ભરે છે તે જ વ્યક્તિ આ ટેક્સનું ભારણ પણ સહન કરે છે. ઇન્કમ ટેક્સએ ડાયરેક્ટ ટેક્સનું ઉદાહરણ છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ એટ્લે એવો વેરો જે ભરે છે એક વ્યક્તિ પણ તે ટેક્સનું ભારણ અન્ય વ્યક્તિએ ભોગવવાનું થતું હોય છે. જી.એસ.ટી. એ ઇનડાયરેક્ટ ટેક્સનું ઉદાહરણ છે. જી.એસ.ટી. હેઠળ નોંધણી વેપારી મેળવતો હોય છે, ટેક્સ વેપારી ભરતો હોય છે પણ આ જી.એસ.ટી. નો સંપૂર્ણ બોજો ગ્રાહક ભોગવે છે.

એક કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની મિટિંગમાં મે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે તમારા માંથી ઇન્કમ ટેક્સ કોણ ભરે છે??? તમામ વિદ્યાર્થીઓના મુખમાં હળવું સ્મિત આવી ગયું અને બધા એક સાથે બોલ્યા કે અમારી ઇન્કમ છે જ ક્યાં કે અમે કોઈ ઇન્કમ ટેક્સ ભરીએ!! આ વાત તદ્દન સાચી છે. ત્યારબાદ મારો બીજો પ્રશ્નએ હતો કે તમારા માંથી કોણ જી.એસ.ટી. ભરે છે?? ત્યારે પણ સ્વાભાવિક રીતે તેઓ તમામ વિદ્યાર્થીઓએ એક સાથે કહ્યું હતું કે અમે કોઈ જી.એસ.ટી. ભરતાં નથી!! ત્યારે મે સ્ટુડન્ટસને કહ્યું કે તમારી આ બાબત સાચી નથી. હું, તમે, તમારા વાલીઓ, તમારા શિક્ષકો તમામ રોજ જી.એસ.ટી. ભરીએ છીએ!!! વિદ્યાર્થીઑને આ અંગે વધુ સમાજ આપતા મે જણાવ્યુ કે આપણે જ્યારે કોઈ વસ્તુ કે સેવા ખરીદી કરીએ છીએ ત્યારે આ વસ્તુ ઉપર કે સેવા ઉપર જી.એસ.ટી. લગાડવામાં આવતો હોય છે. તમે પેન ખરીદો, સ્કૂલ બેગ ખરીદો, હોટેલમાં જમવા જશો, હોટેલમાં રહેવા જશો આ તમામ વ્યવહારોમાં તમે જી.એસ.ટી. ભોગવી રહ્યા છો. જી.એસ.ટી. ની રકમ ગ્રાહક તરીકે આપો છો તમે પણ આ રકમ સરકારમાં ભરે છે જે તે માલ કે સેવા પૂરી પાડનાર વેપારી. 11 કોમર્સના વિદ્યાર્થીઓ સાથેની આ વાત એ બાબતની સૂચક ગણી શકાય કે જેમ કોમર્સના આ વિદ્યાર્થીઑ જાણતા નથી કે તેઓ પોતાના રોજિંદા વ્યવહારમાં અનેક પ્રકારે જી.એસ.ટી. ભોગવી રહ્યા છે તેવી જ રીતે સામાન્ય વ્યક્તિઓ પણ આ બાબતે જાણકારી ધરાવતા હોતા નથી.

જી.એસ.ટી. અંગે પ્રાથમિક જાણકારી હોય તો તમે ગેરરીતિઓથી બચી શકો છો!!

ઉપર જણાવવામાં આવ્યું છે તેમ આપણાં રોજબરોજના જીવનના વ્યવહારોમાં આપણે જી.એસ.ટી. ભોગવતા હોઈએ છીએ. કોઈ માલનો વેપાર કરતો વેપારી અથવા તો સેવા પૂરી પાડનાર કરદાતા ઘણીવાર કાયદાની અજ્ઞાનતાના કારણે અથવા ક્યારેક જાણી જોઈને જી.એસ.ટી. હેઠળ નાની મોટી ગેરરીતિઓ આચારતા હોય છે. આ ગેરરીતિઓના કારણે તેઓ કાયદા હેઠળ તમારા મારા જેવા ગ્રાહકો પાસેથી ઉઘરાવવાની થતી રકમથી વધુ રકમ ઉઘરાવી લેતા હોય છે. જી.એસ.ટી. અંગેની પ્રાથમિક જાણકારી હોય તો ગ્રાહકો આ બાબતે સજાગ બની આ ગેરરીતિઓનો ભોગ બનવાથી બચી શકે છે.

જી.એસ.ટી. નંબર ના હોવા છતાં ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે જી.એસ.ટી.

ક્યારેક એવું ધ્યાનમાં આવતું હોય છે કે કોઈ વેપારી કે સેવા પ્રદાતા પોતાની પાસે જી.એસ.ટી. નોંધણી દાખલો ના હોય એમ છતાં ગ્રાહકો પાસેથી જી.એસ.ટી. વસૂલ કરતાં હોય છે. આ બાબત તદ્દન અયોગ્ય છે. ગ્રાહક પાસેથી જી.એસ.ટી. વસૂલ એ જ વ્યક્તિ કરી શકે છે જે જી.એસ.ટી. હેઠળ યોગ્ય નોંધણી દાખલો ધરાવતા હોય. જી.એસ.ટી. નંબર ધરાવતા તમામ કરદાતાઓએ પોતાના ધંધાના સ્થળે જી.એસ.ટી. નંબર પ્રદર્શિત કરવો ફરજિયાત છે. આ ઉપરાંત ગ્રાહકને આપવામાં આવતા બિલ ઉપર પણ પોતાનો જી.એસ.ટી. નંબર પ્રદર્શિત કરવો તમામ કરદાતા માટે જરૂરી છે. આમ, ગ્રાહક દ્વારા જ્યારે તેના બિલમાં જી.એસ.ટી. ની રકમ દર્શાવેલ હોય ત્યારે એ ચકાસવું જરૂરી છે કે જે તે વેપારી કે સેવા પ્રદાતા જી.એસ.ટી. નંબર ધરાવે છે કે નહીં.

કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ ગ્રાહક પાસેથી અલગથી ટેક્સ વસૂલ કરી શકે નહીં!!

ઘણા કિસ્સામાં જી.એસ.ટી. હેઠળ કોઈ વેપારી કે સેવા પ્રદાતા નોંધાયેલ હોય છે પરંતુ એક નાના કરદાતા તરીકે તેઓ કંપોઝીશનનો લાભ લેતા હોય છે. કંપોઝીશનનો લાભ લેતા કરદાતાઓ પોતાના વેચાણ સંદર્ભે કોઈ ટેક્સ ઉઘરાવી શકે નહીં. ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં કરદાતા કંપોઝીશન હેઠળ ટેક્સ ભરવા જવાબદાર હોવા છતાં ગ્રાહકો પાસેથી જી.એસ.ટી. ઉઘરાવતા હોય છે. ગ્રાહકો પોતે આ બાબતે જાણકારના હોવાથી તેઓ ખોટી રીતે આ જી.એસ.ટી. ચૂકવતા હોય છે. કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા જી.એસ.ટી. અલગ ઉઘરવી શકે નહીં અને જો તેઓ જી.એસ.ટી. અલગથી ઉઘરાવે તો આ બાબત ગેરકાયદેસર છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરડાટએ પોતાના ધંધાના બોર્ડ ઉપર એ પણ દર્શાવવું જરૂરી છે કે તેઓ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા છે.

જી.એસ.ટી. હેઠળ વેરો ઉઘરાવવામાં આવેલ હોય તેવા બિલો ગ્રાહકોએ ખાસ મેળવી લેવા છે જરૂરી!!

જી.એસ.ટી. હેઠળ હોટેલ કે રેસ્ટોરન્ટમાં આપ જ્યારે હોટેલમાં રહો છો કે રેસ્ટોરન્ટમાં જમો છો ત્યારે સામાન્ય રીતે બિલ ઉપર જી.એસ.ટી. અલગ લગાડવામાં આવતો હોય છે. આ જી.એસ.ટી. ની રકમ આપે ચૂકવી હોય આ રકમ જે તે હોટેલ કે રેસ્ટોરન્ટ દ્વારા સરકારમાં જમા કરાવવાની રહે છે. પરંતુ મોટાભાગે આ જી.એસ.ટી. વાળું બિલ ગ્રાહકો પોતાની સાથે લઈ જતાં ના હોય ક્યારેક અમુક કરદાતા આ બિલો ઉપર ઉઘરાવવામાં આવેલ જી.એસ.ટી. ની ચોરી કરતાં માલૂમ પડતાં હોય છે. આ હકીકત માત્ર હોટેલ ઈન્ડસ્ટ્રી માટે જ છે તેવું નથી. આમ, તમે ચૂકવેલ જી.એસ.ટી. સરકારમાં યોગ્ય રીતે જમા થાય તે માટે જે બિલ ઉપર આપે જી.એસ.ટી. ચૂકેવેલ છે તે બિલ હમેશા સાથે લઈ જવાનો આગ્રહ રાખો.

આમ, આપ ધંધાદારી વ્યક્તિ નથી કોઈ સેવા કરદાતા નથી તો પણ જી.એસ.ટી. એક ગ્રાહક તરીકે આપના ઉપર અસર કરે છે. જી.એસ.ટી. હેઠળ નાની નાની તકેદારી તથા જાણકારી રાખી આપ આપના તથા દેશના નાણાં બચાવી શકો છો.

By Bhavya Popat

(આ લેખ ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા 20 જૂન 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

આ લેખને પૂર્તિ રૂપે વાંચવા નીચેની લિન્ક ક્લિક કરો

Epaper Vyapar Bhoomi Dt.20-6-2022

error: Content is protected !!