MSME માટે જી.એસ.ટી. નંબર મેળવવો બનાવવામાં આવ્યો મરજિયાત

તા. 09.03.2021: નાના અને લઘુ ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડી MSME નોંધણી મેળવવા માટે જી.એસ.ટી. નંબરને મરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. 05 માર્ચ ના રોજ S.O. 1055 (E) નંબરનું જાહેરનામું બહાર પાડી આ સુધારો કરવામાં આવ્યો છે. હવે જી.એસ.ટી. નંબર મેળવવાની મુક્તિ મર્યાદા સુધીનું ટર્નઓવર હોય ત્યાં સુધી MSME નોંધણી માટે જી.એસ.ટી. નંબર નાંખવાની જરૂર રહેશે નહીં. અત્રે એ જાણવું જરૂરી છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ સેવા આપતા કરદાતાઓ માટે ટર્નઓવરની લિમિટ 20 લાખ છે જ્યારે એ સિવાયના કરદાતાઓ માટે આ લિમિટ 40 લાખની છે. આ જાહેરનામાથી એ પણ સુધારો કરવામાં આવ્યો છે કે માલિકી સ્વરૂપે ધંધો કરતાં કરદાતા માટે MSME નોંધણી સમયે PAN ની વિગતો દર્શાવવી મરજિયાત રહેશે જ્યારે એ સિવાયના કરદાતાઓ માટે આ વિગતો ફરજિયાત રહેશે. MSME કાયદાના જાણકાર ભાર્ગવ ગણાત્રા ટેક્સ ટુડે સાથે વાતચીત કરતાં જણાવે છે કે “આ સુધારા પહેલા નાના ધંધાર્થીઑ કે જેમનું ટર્નઓવર જી.એસ.ટી. મર્યાદાઓથી નીચે હતું તેઓએ પણ જી.એસ.ટી. હેઠળ ફરજિયાત ના હોવા છતાં પણ જી.એસ.ટી. નંબર લેવો પડતો હતો. હવે આ સુધારાના કારણે આવા વ્યક્તિઓને ઘણી રાહત મળશે”
ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તરફ ઉઠાવવામાં આવેલ આ પગલું ખરેખર આવકારદાયક ગણાય. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.