ત્રિમાસિક GSTR 1 ભરવાની છેલ્લી તારીખ છે જાન્યુઆરી 13 નહીં કે જાન્યુઆરી 31!! GSTN એ કર્યો ખુલાસો
તા. 06.01.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ કરદાતાઓએ માસિક કે ત્રિમાસિક GSTR 1 માં વેચાણ અંગેની વિગતો આપવાની હોય છે. આ વિગતો ઉપરથી ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળતી હોય છે. ખાસ કરીને B2B વ્યવહારો કરતાં કરદાતાઓ માટે આ રિટર્ન સમયસર ભરવું ખૂબ જરૂરી હોય છે. જો આ રિટર્ન સમયસર યોગ્ય વિગતો સાથે ભરવામાં ન આવે તો ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે.
ટેક્સ પ્રોફેશનલ્સમાં એક વર્ગ એવું માનતો હતો કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 માટે ત્રિમાસિક GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. પોર્ટલ ઉપર પણ છેલ્લી તારીખ આજ દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ GST પોર્ટલ દ્વારા આ અંગે ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે Q 3 ના GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી જ છે. પોર્ટલ ઉપર ટૂંક સમયમાં આ સુધારો કરી નાંખવામાં આવશે. આમ, કરદાતાઓએ પોતાનું GSTR 1, 13 જાન્યુઆરી સુધીમાં ભરી ખરીદનારાઑને ક્રેડિટ લેવામાં મુશ્કેલી ના થાય તે જોવાનું રહેશે. કરદાતા થોડા મોડા થાય અને લેઇટ ફી લગાડી આપતા પોર્ટલ સામે આ પ્રકારની ભૂલો માટે કેટલી લેઇટ ફી સરકાર દ્વારા લગાડવામાં આવે છે ?? આવો પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.