આજે છે કંપોઝીશન કરદાતાના વાર્ષિક રિટર્ન GSTR 4 ની છેલ્લી તારીખ!! આજે આવશે તારીખ વધારનું નોટિફિકેશન કે કાલથી લેઇટ ફી થશે ચાલુ???
કોવિડ-19 ના કારણે આ વર્ષે તો મુદત વધારવી છે અનિવાર્ય પરંતુ શું કોઈ પણ વર્ષ માટે વાર્ષિક રિટર્ન ભરવા 30 એપ્રિલની મુદત પૂરતી ગણાય???
તા. 30.04.2021: 2020-21 ના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2021 છે. આજે જ્યારે આ રિટર્ન ભરવાની મુદત પૂરી થવા જઇ રહી છે ત્યારે કરદાતાઓ તથા ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ આશા સેવી રહ્યા છે કે આ મુદતમાં વધારો કરવા અંગેનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવશે. જો આજે આ નોટિફિકેશન બહાર પાડવામાં નહીં આવે તો આવતીકાલથી આ ફોર્મ ભરવાંમાં રોજ 200 રૂપિયાની લેઇટ ફી લાગી શકે છે. GSTR 4 એ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓનું વાર્ષિક રિટર્ન છે. આ વાર્ષિક રિટર્ન દર વર્ષે 30 એપ્રિલ સુધીમાં ભરવાનું થતું હોય છે. કોઈ પણ વાર્ષિક રિટર્ન ભરવાં માટે સામાન્ય રીતે ત્રણ થી નવ મહિના જેવો સમય જે તે ટેક્સ કાયદા હેઠળ આપવામાં આવતો હોય છે. પરંતુ કંપોઝીશનના કરદાતા કે જેઓ જી.એસ.ટી. હેઠળ નાના કરદાતાઓ ગણાય છે તેમના માટે આ મુદત માત્ર 30 દિવસની રાખવામા આવી છે. આ તકે મૂળભૂત રીતે એ પ્રશ્ન ઊભો થાય કે શું વાર્ષિક રિટર્ન ભરવાં માટે આ 30 દિવસનો સમય પૂરતો ગણાય? ઉલ્લેખનીય છે કે કંપોઝીશન કરદાતા દ્વારા ભરવાના થતાં આ ફોર્મથી સરકારને કોઈ ટેક્સ મળતો હોતો નથી. આ ફોર્મ માત્ર પ્રોસીજરલ ફોર્મ છે. આ વખતે તો કોરોનાના કારણે મુદત વધારવી અનિવાર્ય છે પણ શું આ મુદતમાં કાયમી વધારો થાય તે જરૂરી નથી?? જી એસ ટી કાયદાના નિયમ 62 હેઠળ ભરવાનું થતું આ રિટર્ન ભરવા મુદત ઓછામાં ઓછી 30 જૂન સુધી કરી આપવી જરૂરી છે. જો કે આ સુધારો કરવા જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણ જરૂરી છે. ટેક્સ પ્રોફેશનલ્સ આશા સેવી રહ્યા છે કે જી.એસ.ટી. કાઉન્સીલની આગામી મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવે અને આ અંગે મુદત વધારો કરવા ભલામણ કરવામાં આવે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે