કોરોનાની વિકટ પરિસ્થિતીને ધ્યાને લઈ જી.એસ.ટી. રિટર્નની મુદતમાં કરો વધારો: ગુજરાત ચેમ્બર
રિટર્ન અને અન્ય કંપલાયન્સમાં વધારો કરવા, લેઇટ ફી માફ કરવા તથા અધિકારીઓ કરદાતાઓ ઉપર કઠોર કામગીરીના કરે તે અંગે સૂચના બહાર પડે તે અંગે નાણાંમંત્રીને રજૂઆત કરતું ગુજરાત ચેમ્બર:
તા. 22.04.2021: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાંમંત્રી નિર્મલા સિતારમણને જી.એસ.ટી.ની વિવિધ મુદતમાં વધારો કરવા આવેદન પાઠવવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. આ સમયે વિવિધ ગામોમાં સ્વૈછીક લોકડાઉન પણ જાહેર થઈ રહ્યા છે. આવા વિકટ સમયે રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ આ આવેદનમાં કરવામાં આવી છે. આ ઉપરાંત જી.એસ.ટી. હેઠળ વિવિધ રિટર્ન મોડા ભરવાથી લગતી લેઈટ ફી પણ હાલના સંજોગોમાં માફ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. જી.એસ.ટી. કાયદા હેઠળ વેપારીઓ દ્વારા કસૂર થાય તો પણ આ સ્થિતિને ધ્યાને લઈ અધિકારીઓ કડક કાર્યવાહીથી દૂર રહે તેવી સૂચના બહાર પાડવામાં આવે તેવી પણ માંગ આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે.
જી.એસ.ટી. હેઠાણ માસિક રિટર્ન, ત્રિમાસિક રિટર્ન, કંપોઝીશનના વેપારીઓના માસિક રિટર્ન જેવી કંપલાયન્સની જવાબદારી એપ્રિલ મહિનામાં વેપારીઓ ઉપર રહેતી હોય છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ અને ખાસ કરીને સર્વિસ ટેક્સની અનેક નોટિસો પણ મોટા પ્રમાણમા નિકાળવામાં આવી હોવાના સમાચારો મળી રહ્યા છે. કોરોના સંકટની બીજી લહેર જ્યારે ગુજરાત સહિત દેશભરમાં કાળો- કેર વરતાવી રહી હોય ત્યારે જી.એસ.ટી. સહિતના કાયદાઑ હેઠળ મુદતમાં વધારો કરી વેપારીઓને રાહત આપવી ખૂબ જરૂરી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓના હિતમાં આ માંગણી યોગ્ય સમયે કરવામાં આવી છે. દેશભરમાંથી ચેમ્બર દ્વારા ગુજરાત ચેમ્બરની જેમ આ પ્રકારે માંગણી કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને સમગ્ર દેશમાં ખૂબ શક્તિશાળી સંસ્થા માનવમાં આવે છે. આ સમયે ગુજરાત ચેમ્બરની આ રજૂઆત ધ્યાને લઈ વિવિધ મુદતોમાં વધારો થશે તેવી આશા રાજ્યના વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે