વકીલને ત્યાં કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની તપાસની કાર્યવાહીને ઉધડો લેતી ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

કોઈ કરદાતાના MOU બાબતે વકીલને ત્યાં કરવામાં આવેલ તપાસની પદ્ધતિ બાબતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના 7 અધિકારીઓને આપવામાં આવી નોટિસ

તા. 11.12.2023: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા એક કરદાતાને ત્યાં કરવામાં આવેલ રેઇડના સંદર્ભે તેના વકીલની ઓફિસ ઉપર પણ રેઇડ કરવામાં આવી હતી. કરદાતાને લગતા દસ્તાવેજોની તપાસ કરતાં અધિકારીઓએ દ્વારા વકીલના ઓફિસ તથા ઘર પર તપાસ કરી ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવેલ હતા. બનાવની વિગત એવી છે કે અમદાવાદના જાણીતા વકીલ મૌલિકકુમાર સતિષભાઇ શેઠને ત્યાં તેઓના અસીલ તેવા કોઈ કરદાતા ના સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવતા તેઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ ભાર્ગવ કારીયા તથા જસ્ટિસ નિરલ મહેતાની બેન્ચ દ્વારા અધિકારીઓને પોતે ઇન્કમ ટેક્સ કાયદાની કઈ જોગવાઈઑને આધીન આ પગલું લેવામાં આવ્યું હતું તે અંગે પ્રશ્નો કર્યા હતા. હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલ 1 આયકર અધિકારી સહિત 7 આયકર વિભાગના સ્ટાફને નોટિસ આપવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચ દ્વારા એવી વેધક ટકોર કરવામાં આવી હતી કે જો આવી રીતે એડવોકેટની ઓફિસે તપાસ કરવામાં આવશે તો કોઈ વ્યવસાયી આ પ્રકારની કાર્યવાહીથી બચી શકશે નહીં. બેન્ચ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવી હતી કે આપણે કોઈ 1974-75 ની ઈમરજન્સી જેવી પરિસ્થિતીમાં જીવી રહ્યા નથી. કરદાતા વતી ઉપસ્થિતિ રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રહતોગી દ્વારા એ બાબત પણ જણાવવામાં આવી હતી કે આ તપાસની કામગીરી 3 નવેમ્બરે પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તપાસ ટિમ દ્વારા 06 નવેમ્બર સુધી એડવોકેટ મૌલિકકુમારને કોર્ટ જવા તથા તેમના પરિવારને બહાર જવા નહતા દીધા. ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ઉપસ્થિત વકીલ દ્વારા આ અધિકારી તથા ટિમનો બચાવ કરી જણાવવામાં આવ્યું હતું કે આયકર પાર્ટી દ્વારા તપાસની કામગીરી કાયદાની મર્યાદામાં રહી પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આયકર તપાસ ટિમ દ્વારા કોઈ કરદાતા સંદર્ભે દસ્તાવેજો મેળવવા અરજ્કર્તા વકીલને ત્યાં છપામારી કરી હતી. અરજ્કર્તા વકીલને આ બાબતે કોઈ નોટિસ પણ આયકર વિભાગ તરફથી આપવામાં આવી ના હતી આ બાબતને પણ કોર્ટ દ્વારા અયોગ્ય ગણાવી હતી. કોર્ટ દ્વારા એવો વેધક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આયકર ખાતા દ્વારા જે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) ની તપાસ કરવામાં આવી છે તે તો કોઈ પણ વ્યક્તિ પાસે હોય શકે છે તો શું આયકર ખાતું ગમે તેના દુકાન કે ઘર ઉપર તપાસ હાથ ધરશે??? આ બાબતે કોર્ટ દ્વારા અગાઉ 2 દિવસ આયકર વિભાગને આ બાબતે સમાધાન કરવા આપવામાં આવ્યા હતા પરંતુ આયકર વિભાગ દ્વારા આ અંગે કશું કરવામાં આવ્યું નથી જે કારણે આ કોર્ટ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા જઇ રહી છે.

ટેક્સ બેન્ચના સિનિયર જજ જસ્ટિસ કરિયા દ્વારા આયકર વિભાગને આદેશ કરતાં જણાવાયું હતું કે અરજ્કર્તા એડવોકેટને ત્યાં જે રીતે તપાસ હાથ ધરવામાં આવી ત્યાં તકલીફ છે. અરજ્કર્તાને ત્યાંથી ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો અરજ્કર્તાને પરત કરી આપવામાં આવે અને સાથે સાથે અરજ્કર્તાની જાહેર માફી માંગવામાં આયકર વિભાગને આદેશ કરવામાં આવ્યો  છે. જો આમ નહીં કરવામાં આવે તો કોઈ કર્મચારીને છોડવામાં નહીં આવે તેવું પણ આ આદેશમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે.

આ સામે જ્યારે આયકર વિભાગના વકીલ દ્વારા મુદત માંગવામાં આવી હતી ત્યારે કોર્ટ દ્વારા આ માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને વકીલશ્રીને પોતે આ જગ્યા એ અરજ્કર્તાની જગ્યા એ હોય તો શું થાય તે અંગે વિચારવા જણાવવામાં આવ્યું હતું. આ તપાસમાં સલગ્ન સાતે કર્મચારીને 18 તારીખમાં વ્યક્તિગ્ત રીતે જવાબ રજૂ કરવા 18 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવેલ છે.

કોઈ કરદાતાને લગતી તપાસમાં કરદાતાના વકીલ, ટેક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં આ રીતે કાર્યવાહી કરવામાં આવે તો વેપાર જગતમાં ભયનું વાતાવરણ ઊભું થાય. આ વ્યવસાયીઓ કોઈ એક કરદાતા માટે નહીં પણ ઘણા બધા અસીલો માટે કામ કરતાં હોય છે. આવા સંજોગોમાં તેઓના ઉપર જો કાર્યાવહી કરવામાં આવે તો તેની અસર તેમના અન્ય અસીલોને પણ થાય તે સ્વાભાવિક છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પ્રકારની કાર્યવાહી સામે આ પ્રકારે કડક વલણ દર્શાવવામાં આવતા આયકર વિભાગ દ્વારા વ્યવસાયીઓ પર કરવામાં આવતી કાર્યવાહી કરતાં અચકાશે તેવું માની શકાય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!