કોરોના સંક્રમણ ઘટતા વેપારીઓને સમયમાં છૂટછાટ વધારવા રાજ્ય સરકારને માંગ કરતું ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન
(speaker)
27 મે 2021 થી નવી માર્ગદર્શિકામાં વેપારીઓ માટે તથા હોટેલ રેસ્ટોરંટ માટે સમયમાં વધુ છૂટછાટ આપવામાં આવે તે છે જરૂરી: જયેન્દ્ર તન્ના
તા.26.05.2021: ગુજરાત રાજયમાં કોરોનાની બીજી લહેરએ કહેર વર્ષાવ્યો છે. કોરોના સંક્રમણનો બીજો તબક્કો ધીમો પડી રહ્યાના અહેવાલો વિવિધ તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહ્યા છે. કોરોનાના બીજા તબક્કામાં ગુજરાતના 36 શહેરોમાં અનેક પાબંધીઓ લાગુ કરવામાં આવી હતી. આ શહેરોના વેપાર ઉદ્યોગને આ પાબંધીઓના કારણે ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે જ્યારે કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે 27 મે ના રોજ જે નવી કોરોના માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેમાં વેપાર ધંધામાં વધુ છૂટછાટ આપવાની માંગ રાજ્ય સરકાર પાસે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી છે.
ફેડરેશન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે હવે બપોરે 3 ના બદલે સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવી જરૂરી છે. સવારે દુકાન ખોલવા બાબતે કોઈ નિયંત્રણ ના રહે અને જે તે શહેર અને ધંધાની પ્રણાલિકા મુજબ દુકાન ખોલવા છૂટ આપવામાં આવે તે જરૂરી છે. ફેડરેશન દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ માટે પણ હાલ જે માત્ર “પાર્સલ” સુવિધા ની છૂટ છે તેને સ્થાને 50% ની મર્યાદામાં બપોરે 11 થી 3 હોટેલ/રેસ્ટોરન્ટની અંદર બેસી જમવાની છૂટ આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ ફૂડ જોઇન્ટસ તથા ખાણીપીણીના ધંધાર્થીઓને સવારે 7 થી રાત્રે 12 સુધી ફૂડ ડિલિવરીની છૂટ આપવી જરૂરી છે તેવી રજૂઆત પણ રાજ્ય સરકારને કરવામાં આવી છે. રાત્રિ કરફ્યુ જે શહેરોમાં લગાવવામાં આવ્યો છે તે કરફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કરી રાત્રિના 9 થી સવારે 6 સુધીનો સમય કરવા પણ આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.
ટેક્સ ટુડે સાથે ખાસ વાત કરતાં સંસ્થાના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યુ હતું કે “કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે ચોક્કસ જરૂરી છે પરંતુ ધંધા રોજગારને પણ સાથો સાથ શક્ય એટલું ઓછું નુકસાન થાય તે જોવું પણ આ તકે જરૂરી છે. વેપારીઓ આ અંગે પોતાની જવાબદારી સમજે છે અને માર્ગદર્શિકાનું પાલન કરી પોતાના ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. છેલ્લા 14 મહિનાથી ધંધા-ઉદ્યોગની જે હાલત છે તે જોતાં કેન્દ્ર/રાજ્ય સરકાર કોઈ મોટું રાહત પેકેજ આપે તે ખૂબ જરૂરી છે”. 27 મે થી નવી માર્ગદર્શિકામાં વેપારીઓને છૂટછાટ વધારવામાં આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે