કોવિડની માર સહન કરી રહેલા વેપારીઓ ઉપર આવી શકે છે વધુ ભારણ!!! મોબાઈલ સ્ક્વોડને આપવામાં આવ્યા મસમોટા “ટાર્ગેટ”
ગતવર્ષ કરતાં અનેક ગણા મોટા ટાર્ગેટ આપેલા હોવાથી અધિકારીઓએ મોબાઈલ ચેકપોસ્ટમાં કરવું પડશે વેપારીઓને વધુ દબાણ!!
તા. 05.05.2021: કોરોના મહામારીના કારણે રાજ્યના વેપારીઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા કપરા સમયે વેપારીઓ સરકાર તરફથી મદદની આશા સેવીને બેઠા છે. આવા સમયે વેપારીઓને મદદરૂપ થવાના બદલે, વેપારીઓની મુશ્કેલી વધે તેવા સમાચાર મળી રહ્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજ્યભરની માલવહન તપાસ કરવાની જવાબદારી ધરાવતી “મોબાઈલ સ્ક્વોડ” ને રાજ્ય જી.એસ.ટી. દ્વારા “ટાર્ગેટ” ની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષ કરતાં આ ટાર્ગેટમાં ગત વર્ષથી 25% થી માંડીને 90% સુધીનો વધારો થયો હોવાની માહિતી મળી રહી છે. આ વધારો થતાં અધિકારીઓને આ “ટાર્ગેટ” પૂરો કરવા ખૂબ મુશ્કેલ બને તો નવાઈ નહીં. મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ આ “ટાર્ગેટ” પૂરા કરવા કોને “ટાર્ગેટ” કરશે તે અનુભવી વેપારીઓ માટે સમજવું વધુ મુશ્કેલ નથી.
આ અંગે ટેક્સ ટુડે સાથે વાત કરતાં જુનાગઢના અગ્રણી એડવોકેટ પ્રતિક મિશ્રાણી જણાવે છે કે “થોડા દિવસ પહેલા અમારા અસીલનો માલ “મોબાઈલ સ્કવોડ” દ્વારા રોકવામાં આવ્યો હતી. HSN કોડ છ ના બદલે ચાર આંકડાનો દર્શાવ્યા હોવાના કારણે તેમના ઉપર મસમોટો દંડ કરવાં અંગે કાર્યવાહી થઈ રહી હતી. પરંતુ સમયસર યોગ્ય રજૂઆતના પગલે તથા અધિકારીના સકારાત્મક વલણના કારણે આ દંડમાંથી વેપારીને અમો બચાવી શક્યા હતા. પરંતુ આ પ્રકારે દરેક વખતે વેપારી બચી જાય તે સંભવ નથી. ખાસ કરીને જ્યારે મોબાઈલ સ્કવોડના અધિકારીઑ ઉપર મોટા ટાર્ગેટ પૂરા કરવાનું ભારણ હોય ત્યારે વેપારીઓને નાની નાની ભૂલો માટે દંડવામાં આવે તે સંભાવના નકારી શકાય નહીં.” આ સમયે પ્રશ્નએ ઊભો થાય કે કોરોનાના આ મુશ્કેલ વર્ષમાં વેપારીઓને શક્ય એટલી મદદ કરવાંના બદલે જો આ પ્રમાણે મુશ્કેલી ઊભી કરવામાં આવશે તો રાજ્યના વેપાર ઉદ્યોગ માટે કોરોના કાળ પછી “પડ્યા પર પાટુ” જેવી પરિસ્થિતનું નિર્માણ નહીં થાય??. આ “ટાર્ગેટ” ઉપર પુનઃવિચાર કરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઉઠી રહી છે. વેપારી સંગઠનો પણ આ અંગે એક સુરે અવાજ ઉઠાવે તે જરૂરી છે. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે.