જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન સસ્પેનશનની જોગવાઈ આ Covid-19 દરમ્યાન સસ્પેન્ડ કરવી છે ખૂબ જરૂરી!!

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાયદા હેઠળ કરદાતાને સાંભળવાની તક આપ્યા વગર જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ કરવાની સત્તાના કારણે હેરાન થઈ રહ્યા છે વેપારીઓ

તા. 06.05.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ કરચોરી ડામવાના વિવિધ પ્રયાસોના ભાગ રૂપે અલગ અલગ નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. આ નિયમો થકી કરચોરી કેટલા અંશે રોકી શકવામાં આવી છે તે તો ચર્ચાનો વિષય છે પરંતુ આ પ્રકારની આકરા નિયમોના કારણે પ્રમાણિક વેપારીઓ ઘણી મુશ્કેલીઑનો સામનો કરી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. આ નિયમો પૈકી “રજીસ્ટ્રેશન સસ્પેનશન” જે નિયમને સૌથી વધુ ઘાતક ગણવામાં આવી રહ્યો છે. આ નિયમ પ્રમાણે વેપારીઓ દ્વારા જી.એસ.ટી. કાયદા તથા નિયમો હેઠળ ભૂલો કરવામાં આવે તો અધિકારી દ્વારા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાંના અધિકારો આપવામાં આવ્યા છે. વેપારી GSTR 3B તથા GSTR 1 માં તફાવત જણાય, 2B માં દર્શાવે છે તેના કરતાં GSTR 3B માં જો વધુ ક્રેડિટ લેવામાં આવી હોય તેવા કારણોસર વેપારીઓનો નોંધણી દાખલો સસ્પેન્ડ કરવાંની સત્તા અધિકારીઑને આપવામાં આવેલ છે. આ નિયમો સિવાય પણ અનેક કિસ્સાઓ એવા જોવા મળી રહ્યા છે જ્યાં એક યા બીજા કારણોસર કરદાતાઓનો નંબર આ નિયમોને આધીન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોય. જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ થયા બાદ, વેપારીએ નોટિસનો જવાબ નિયત સમયમાં આપવાનો થતો હોય છે. જો આ જવાબ આપવામાં મોડુ થાય તો અધિકારી જી.એસ.ટી. નંબર રદ્દ કરી નાંખતા હોય છે. આ નોટિસ સામે નિયત સમયમાં જવાબ પણ આપી દેવામાં આવે તો પણ આ જવાબ જોઈ તે અરજી નિકાલ કરવાં અંગે કોઈ સમયમર્યાદા અધિકારીઓ માટે બંધવામાં આવી નથી. વેપારીઓ અથવા તેમના ટેક્સ એડવોકેટ/CA પાસે ઓફિસોમાં રૂબરૂ જઈ પોતાના કેસની વિગતો દર્શાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. હાલ કોરોનાના કારણે અનેક વિસ્તારોમાં લોકડાઉન જેવી પરિસ્થિતી છે. આ મુશ્કેલ સમયમાં સરકારી ઓફિસો પણ 50% ની ક્ષમતા માં કામ કરી રહી છે. “રજીસ્ટ્રેશન સસ્પેનશન” અંગેના નિયમો આમ પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધના માનવમાં આવી રહ્યા છે. આ અંગે વાત કરતાં રાજકોટના જાણીતા એડવોકેટ અપૂર્વ મહેતા ટેક્સ ટુડેને જણાવે છે કે “કરદાતાને સાંભળ્યા વગર પસાર કરવામાં આવતા સસ્પેનશનના આદેશ જી.એસ.ટી. કાયદા હેઠળ ભલે યોગ્ય હોય પરંતુ કુદરતી ન્યાયના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ અયોગ્ય ગણાય. જે વ્યક્તિ વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરવામાં આવે તેને પોતાનો પક્ષ રાખવાની તક આપવી જરૂરી બને છે આ પ્રકારના સસ્પેનશનના આદેશોના કારણે ભવિષ્યમાં ઘણા વિવાદો થશે તેવું લાગી રહ્યું છે.”

હાલ કોરોનાના આ સંકટમાં આ નિયમો વધુ મુશ્કેલી ઊભી કરે તે બાબત ચોક્કસ છે. જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ થતાં વેપારીઓ માલ ખરીદીના કે વેચાણ માટે ઇ વે બિલ બનાવી શકતા નથી. એવા પણ અનેક કિસ્સાઑ સામે આવી રહ્યા છે કે “નોંધણી દાખલો સસ્પેન્ડ” થવાથી આવા વેપારીઓ પછી કરચોરી કરવાં મજબૂર બની જતાં હોય છે. આ નિયમોમાં જરૂરી બદલાવ થાય તે જરૂરી છે. આ નિયમોનું અમલીકરણ અધિકારી ના કરે તેવી સૂચના અધિકારીઑને આપવામાં આવે તેવી માંગ કરદાતાઓ કરી રહ્યા છે. અધિકારીઓ પણ આ પ્રકારના આદેશો માત્ર જ્યાં કરચોરીની તીવ્ર શક્યતાઑ હોય ત્યાંજ કરે તેવી પણ લાગણી ટેક્સ પ્રોફેશનલ્સ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!