જી.એસ.ટી. પોર્ટલ ઉપર બહાર પાડવામાં આવી મહત્વની એડવાઈઝરી
By Bhavya Popat
તા. 23.01.2023. જી.એસ.ટી. પોર્ટલ ઉપર કરદાતાઓની સગવડતા માટે નવી સગવડ આપવામાં આવેલ છે. રિટર્ન ના ભરવાના કારણે સિસ્ટમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ જી.એસ.ટી. નંબર બાબતે આ સગવડ આપવામાં આવી છે. આ રીતે સસ્પેન્ડ થયેલ જી.એસ.ટી. નંબર, કરદાતા દ્વારા રિટર્ન ભરવામાં આવતા કરદાતાને “ઈનીશીએટ ડ્રોપ પ્રોસિડિંગ” નો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સગવડ બાબતે જી.એસ.ટી. પોર્ટલ ઉપર એક મહત્વની એડવાઈઝરી-માર્ગદર્શિકા તારીખ 16 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ જી.એસ.ટી. હેઠળ માસિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાના 6 રિટર્ન બાકી હોય, અને ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓના 2 ત્રિમાસિક રિટર્ન બાકી હોય ત્યારે જી.એસ.ટી. નંબર સિસ્ટમ દ્વારા સસ્પેન્ડ કરી નાંખવામાં આવતો હોય છે. કરદાતા જ્યારે આ બાકી રિટર્ન ભરી આપે ત્યારે, સિસ્ટમ દ્વારા સ્વયંભૂ આ સસ્પેન્ડ થયેલ જી.એસ.ટી. નંબર ચાલુ કરી આપવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે કોઈ સંજોગોમાં પોર્ટલ ઉપર જી.એસ.ટી. રજીસ્ટ્રેશન સ્વયંભૂ શરૂ કરી આપવામાં ના આવે ત્યારે કરદાતા “ઈનીશીએટ ડ્રોપ પ્રોસીડિંગ્સ” નો વિકલ્પ દ્વારા જી.એસ.ટી. સસ્પેન્શન દૂર કરાવવા ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજી ઓનલાઈન કરવા માટે કરદાતાએ જી.એસ.ટી. પોર્ટલમાં લૉગિન કરી, સર્વિસ વિકલ્પમાંથી, યુઝર સર્વિસ વિકલ્પમાં જઈ, વ્યૂ નોટિસ એન્ડ ઓર્ડર્સમાં જઈ ત્યાં રહેલા “ઈનીશીએટ ડ્રોપ પ્રોસિડિંગસ” નામનો વિકલ્પ લેવાનો રહે છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપરની આ એડવાઈઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ નવી સાગવડનો લાભ 01 ડિસેમ્બર 2022 અને ત્યારબાદ આપવામાં આવેલ નોટિસો માટે જ કરદાતાને મળશે.
“ઈનીશીએટ ડ્રોપ પ્રોસિડિંગસ” નો વિકલ્પ પોર્ટલ પર ના દર્શાવતો હોવાની ઉઠી રહી છે ફરિયાદો!!
“ઈનીશીએટ ડ્રોપ પ્રોસિડિંગસ” ની આ નવી સગવડ શરૂ થતાં કરદાતાઓ કે જેઓના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રિટર્ન ના ભરવાના કારણે સસ્પેન્ડ થયા હોય અને તેઓ દ્વારા આ રિટર્ન ભરી આપવામાં આવે ત્યારે આ સગવડ ખૂબ ઉપયોગી બનશે તેવું માનવમાં આવી રહ્યું છે. પરંતુ ઘણા કરદાતાઓ પોતાના જી.એસ.ટી. લૉગિનમાં આ સગવડ ના હોવાની ફરિયાદો ઉઠાવી રહ્યા છે. આ બાબતે ખાસ જાણવું જરૂરી છે કે આ “ઈનીશીએટ ડ્રોપ પ્રોસિડિંગસ” ની સગવડ એ માત્ર 01 ડિસેમ્બર 2022 પછી જે કરદાતાઓનો નોંધણી દાખલો સસ્પેન્ડ થયેલ છે તેઓ માટે જ ઉપલબ્ધ છે. આ પહેલા સસ્પેન્ડ થયેલ નોંધણી નંબર સંદર્ભે આ નવી સગવડ મળશે નહીં. આ ઉપરાંત એ બાબત પણ જાણવી જરૂરી છે કે જે કરદાતાનો નોંધણી દાખલો રદ્દ (કેન્સલ) કરી આપવામાં આવ્યો હોય તેવા કરદાતાને પણ આ સગવડ મળશે નહીં. માત્ર, કરદાતાનો નોંધણી દાખલો સસ્પેન્ડ થયેલ હોય અને આ દરમ્યાન તેઓ પોતાના જી.એસ.ટી. રિટર્ન ભરી આપે તો જ આ નવી સગવડ તેઓના માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત એ જાણવું પણ જરૂરી છે કે માત્ર નિયત સમયના જી.એસ.ટી. રિટર્નના ભરવાના કારણે જે નોંધણી દાખલા સસ્પેન્ડ થયેલ હોય તેઓને જ આ નવી “ઈનીશીએટ ડ્રોપ પ્રોસિડિંગસ” ની સગવડનો લાભ મળશે. આમ, આ સિવાયના કારણોસર નોંધણી દાખલો સસ્પેન્ડ થયેલ હોય તો આ સગવડ નો લાભ મળી શકેશે નહીં.
મોટા પ્રમાણમા આપવામાં આવી રહી છે જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરવા અંગેની નોટિસો:
જી.એસ.ટી. હેઠળ નિયત સમયના રિટર્ન ના ભરવામાં આવે, ધંધો ચાલુ ના હોય તેવા સંજોગોમાં અધિકારીને નોટિસ આપવાની સત્તા આપવામાં આવેલ છે. પરંતુ હવે આ નોટિસો અધિકારી દ્વારા આપવામાં આવવાને બદલે સિસ્ટમ દ્વારા સ્વયંભૂ (ઓટો જનરેટેડ)આપવામાં આવી રહી છે. જે કરદાતાઓનું ટર્નઓવર NIL છે તેવા કરદાતાઓને આ નોટિસ ખાસ આપવામાં આવી રહી છે. ઘણા કરદાતાના એક યા બીજા કારણોસર અમુક સમય માટે જી.એસ.ટી. હેઠળ કોઈ ટર્નઓવર હોતું નથી. આ કારણે હવે તેઓનો નંબર રદ્દ કરી આપવામાં આવશે તેવી ભીતિ સેવાઇ રહી છે. આ પ્રકારે “સુઓ મોટો” અધિકારી દ્વારા રદ્દ થતાં જી.એસ.ટી. નંબરના કારણે ભવિષ્યમાં આ જ PAN ઉપર નવો જી.એસ.ટી. નંબર લેવા માટે અરજી કરવામાં આવે ત્યારે પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ માટે, અંગત રીતે હું એવું માનું છું કે જો નજીકના ભવિષ્યમાં પોતાના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ઉપર ટર્નઓવર થવાની શક્યતા ના હોય ત્યારે “સુઓ મોટો” જી.એસ.ટી. નંબર રદ્દ કરવાની નોટિસ સામે જવાબ આપી, કરદાતા પોતે જી.એસ.ટી. નોંધણી રદ્દ માટે અરજી કરી આપે તે વધુ હિતાવહ સાબિત થઈ શકે છે.
જી.એસ.ટી. નોંધણી દાખલો અધિકારી દ્વારા રદ્દ કરી આપવામાં આવે તો કરદાતા પાસે છે આ વિકલ્પો:
જી.એસ.ટી. હેઠળ કરદાતાએ રિટર્ન ના ભર્યા હોવાના કારણે, NIL ટર્નઓવરના કારણે કે આવા કોઈ પણ કારણસર જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરી આપવામાં આવે તેવા સંજોગોમાં કરદાતા પાસે બે વિકલ્પ રહેલા છે. એક તો જો તેઓના ટૂંક સમયમાં ધંધો ચાલુ થવાના કે કરવાની શક્યતા ના હોય તો આ જી.એસ.ટી. રદનો આદેશ સ્વીકારી છેલ્લે ભરવાનું થતું GSTR 10 હેઠળનું Final Return ભરી આપે. જી.એસ.ટી. નોંધણી રદ્દ સમયે સ્ટોકમાં હોય તેવા માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડી અથવા તો આઉટપુટ ટેક્સ ભરી પોતાની જવાબદારી પૂર્ણ કરી શકે છે. પરંતુ જો કરદાતા પોતાનો જી.એસ.ટી. નોંધણી દાખલો ચાલુ રાખવા માંગતા હોય તો અધિકારી દ્વારા કરવામાં આવેલ જી.એસ.ટી. રદ્દના આદેશ સામે “રિવોકેશન” અરજી ફાઇલ કરી શકે છે.
કરદાતાના જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરવાની પ્રક્રિયા કરદાતાના ધંધો કરવાના મૂળભૂત અધિકારનું હનન ગણી શકાય. કાયદામાં આ અંગે સત્તા આપી હોવા છતાં અધિકારીઓ આ સત્તાનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરે તે જરૂરી છે. હવે જ્યારે આ પ્રકારની નોટિસો સિસ્ટમ જનરેટેડ આપવામાં આવી રહી છે ત્યારે આ રીતે સિસ્ટમ દ્વારા આપવામાં આવી રહેલી નોટિસોની કાયદેસરતા બાબતે પણ નિષ્ણાંતોમાં ચર્ચાનો દોર ચાલુ થઈ ગયો હવાના સમાચાર મળી રહ્યા છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તારીખ 23.01.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)