જી.એસ.ટી. હેઠળ થયા છે આ મહત્વના બદલાવો જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: 3 minutes

તા. 03.01.2022

By Bhavya Popat, Advocate

જી.એસ.ટી. કાઉન્સીલની 48 મી બેઠક તારીખ 17.12.2022 ના રોજ મળી હતી. આ બેઠકમાં કાઉન્સીલ દ્વારા જી.એસ.ટી. હેઠળ મહત્વના સુધારા કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ સૂચનોનો અમલ કરનારા જાહેરનામા તથા પરિપત્રો હવે 26 ડિસેમ્બર 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. આ જાહેરનામા તથા પરીપત્રો દ્વારા નીચેના મહત્વના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે.

નાણાકીય વર્ષ 2017 18 તથા 2018 19 ના વર્ષમાં GSTR 2A માં GSTR 3B વચ્ચે તફાવત આવતો હોય તેવા સંજોગોમાં બહાર પાડવામાં આવી ખાતાકીય સ્પષ્ટતા:

જી.એસ.ટી. કાયદા હેઠળ વેચનાર દ્વારા ભરવામાં આવતા GSTR 1 ફોર્મમાં પોતાના વેચાણની વિગતો દર્શાવવામાં આવે છે. GSTR 1 માં દર્શાવવામાં આવેલ B2B વેચાણ (જી.એસ.ટી. નોંધણી ધરાવનાર કરદાતાને કરવામાં આવેલ વેચાણ) ઉપરથી ખરીદનારના જી.એસ.ટી. લૉગિનમાં GSTR 2A ઓટો પોપ્યુલેટ થતું હોય છે. પ્રવર્તમાન નિયમો પ્રમાણે કરદાતાને માત્ર GSTR 2A/2B માં દર્શાવેલ હોય એટલી જ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે. GSTR 2A માં ના હોય તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મળે તે કારણે અનેક ડિમાન્ડ-વસૂલાત ઊભી થઈ હોવાની માહિતી મળી રહે છે. નાણાકીય વર્ષ 2017 18 તથા 2018 19 માં મોટા પ્રમાણમા અનેક કરદાતાઓ ના કિસ્સામાં તફાવત રહેલા હતા. આ અંગે સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવેલ હતી. આ અંગે સરકાર દ્વારા સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા પરિપત્ર બહાર પાડી ખુલાસો કરવામાં આવ્યો છે. આ પરિપત્રના મુખ્ય મુદ્દા નીચે જણાવેલ છે.

  • નાણાકીય વર્ષ 2017 18 તથા 2018 19 ના વર્ષ માટેના GSTR 2A માં દર્શાવતી ક્રેડિટ તથા GSTR 3B મે માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં તફાવત આવે તો સૌ પ્રથમ અધિકારી દ્વારા કરદાતા પાસેથી જે બિલો GSTR 2A માં નથી દર્શાવી રહ્યા તેની વિગતો મંગાવવાની રહેશે.
  • આ વિગતો માંગવી અધિકારી દ્વારા એ બાબતની ખરાઈ કરવાની રહેશે કે જી.એસ.ટી. કાયદાની કલમ 16 હેઠળ ની શરતો જેવી કે કરદાતા પાસે બિલ હોવું ફરજિયાત છે, કરદાતા એ જે તે માલ કે સેવા મેળવી હોવી જરૂરી છે.
  • કરદાતા દ્વારા જે તે માલની ખરીદી પેટે ચુકવણી કરી આપવામાં આવી છે તથા કરદાતા દ્વારા કોઈ રિવર્સલ કરવા પત્ર ક્રેડિટ લઈ નથી લીધી તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • આમ કર્યા બાદ, જો GSTR 3B તથા GSTR 2 A વચ્ચેનો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો તફાવત 5 લાખ કરતાં વધુ હોય તો કરદાતા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટનું આ બાબતેનું સર્ટિફિકેટ આપવાનું રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
  • જો બંને ફોર્મ વચ્ચે ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો તફાવત 5 લાખ સુધીનો હોય તો કરદાતાએ વેચનારનું નિયત કરવામાં આવેલ નમૂનામાં સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
  • જો કે આ સર્ક્યુલરમાં મહત્વની સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે નાણાકીય વર્ષ 2017 18 ના વર્ષ માટે સપ્ટેમ્બર 2018 પછી પરંતુ માર્ચ 2019 પહેલા ભરવામાં આવેલ 3B રિટર્ન બાબતે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તો જ માન્ય રહેશે જો વેચનાર દ્વારા પોતાના GSTR 1 માં આ વિગતોનો સમાવેશ કરવામાં આવેલ હોય.

PAN સાથે લિન્ક કરેલ મોબાઈલ અને ઇ મેઈલ ઉપર જશે OTP

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી બોગસ બિલિંગ દ્વારા જી.એસ.ટી. હેઠળ કરચોરી આચારવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ જ કારણે સરકાર હવે જી.એસ.ટી. નોંધણી માટે (નવા નંબર મેળવવા)  “બાયોમેટ્રિક બેઝ” આધાર ઓથેનટીકેશન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ પદ્ધતિનો અમલ સૌપ્રથમ ગુજરાતમાં થશે. આ ઉપરાંત હવે નવા નોંધણી નંબર મેળવવા માટે કરદાતાએ PAN માં આપેલ મોબાઈલ નંબર તથા ઇ મેઈલ ઉપર વેરિફિકેશન કરાવવું જરૂરી બનશે.

GSTR 1 તથા GSTR 3B માં તફાવત આવતા કરદાતાને સિસ્ટમ દ્વારા આપવામાં આવશે નોટિસ

કરદાતા દ્વારા ભરવામાં આવતા વેચાણ દર્શાવતા રિટર્ન GSTR 1 તથા કરદાતા જે મુખ્ય રિટર્ન GSTR 3B દ્વારા પોતાનો ટેક્સ ભારે છે તે બન્ને વચ્ચે તફાવત આવે તેવા સંજોગોમાં હવે જી.એસ.ટી. સિસ્ટમ દ્વારા કરદાતાને નોટિસ આપવામાં આવશે. કરદાતાને આ નોટિસ ઇ મેઈલ દ્વારા તથા પોર્ટલમાં DRC-01B ફોર્મમાં આપવામાં આવશે. કરદાતાને આ નોટિસ મળે ત્યારે તેઓ પાસે બે વિકલ્પ રહેશે. પ્રથમ જો આ તફાવતના કારણે કરદાતાએ ટેક્સ ભરવા પાત્ર હોય તો તેઓ દ્વારા ટેક્સની ચુકવણી કરી DRC 03 ભરવાનું રહેશ. જો આ તફાવત હોવા છતાં કરદાતાને આ રકમ ના ભરવા અંગે યોગ્ય ખુલાસો આપવાનો થતો હોય તો તે આ ખુલાસો આપી શકશે. ટેક્સની ચુકવણી કરવા કે યોગ્ય ખુલાસો આપવા કરદાતાને નોટિસ મળ્યાથી 7 દિવસનો સમય આપવામાં આવશે. કરદાતા દ્વારા DRC 01 ના Part B માં જ આ ખુલાસો કે ટેક્સ પેમેન્ટ અંગેની વિગતો દર્શાવતો જવાબ રજૂ કરવાનો રહેશે. જો કરદાતા દ્વારા 7 દિવસના સમયમાં જવાબ આપવામાં ના આવ્યો હોય અથવા તો કરદાતા દ્વારા આપવામાં આવેલ જવાબ અધિકારીને માન્ય કે યોગ્ય ના લાગ્યો હોય તો કરદાતા પાસેથી વસૂલાતની કામગીરી માટે કાર્યવાહી કરવામાં આવશે. GSTR 1 તથા GSTR 3B ના તફાવતના કારણે કરદાતાને આપવામાં આવેલ નોટિસ અંગેનો ટેક્સ ભરવામાં ના આવેલ હોય અથવાતો કરદાતા દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવેલ હોય તેવા સંજોગોમાં નોટિસની મુદત પૂર્ણ થયા બાદ કરદાતા પોતાનું પછીનું GSTR 1 કે IFF ભરી શકશે નહીં તેવી કડક જોગવાઈ પણ અમલી બનાવવામાં આવી છે.

જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ આ મહત્વના સુધારાઓ અંગે આગામી લેખમાં જાણકારી આપવા પ્રયાસ કરવામાં આવશે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 02 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!