GSTR 9 C બાબતે આવ્યો મહત્વનો ખુલાસો: નહીં ભરવામાં આવે 9C તો લાગુ થશે મોટી લેઇટ ફી

જે કરદાતા માટે ટર્નઓવર મુજબ GSTR 9C ભરવું ફરજિયાત હોય, તેઓ 31.03.2025 સુધી આ ફોર્મ ભરી આપે તે જરૂરી!!
તા. 31.01.2025: જી.એસ.ટી. કાયદાની કલમ 44 હેઠળ 2 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન GSTR 9 ભરવું ફરજિયાત છે. આવી રીતે 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા માટે GSTR 9 ઉપરાંત GSTR 9 C ભરવું પણ ભરવાની જવાબદારી આવતી હોય છે. આ વાર્ષિક રિટર્ન ભરવા માટેની સમય મર્યાદા જે તે નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછીના ડિસેમ્બર મહિનાની હોય છે. આ વાર્ષિક રિટર્ન મોડુ ભરવામાં આવે તો મોટી લેઇટ ફી લાગુ પડતી હોય છે. આ બાબતે એક વર્ગમાં એવી માન્યતા હતી કે ટર્નઓવર 5 કરોડ ઉપર હોવા છતાં, GSTR 9C ભરવાની જવાબદારી હોવા છતાં લેઇટ ફી એ માત્ર GSTR 9 મોડુ ભરવા બાબતે લાગુ પડે અને GSTR 9C ભરવામાં ના આવ્યું હોય તો પણ તેના માટે કોઈ લેઇટ ફી લાગુ પડે નહીં.
આ બાબતે મહત્વની સ્પષ્ટતા સર્ક્યુલર 246, 30 જાન્યુઆરી 2025 ના રોજ સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સ્પષ્ટતા મુજબ જે કરદાતાઓ માટે માત્ર GSTR 9 ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી હોય તેઓના માટે GSTR 9 ભરાઈ જતાં તેઓની જી.એસ.ટી. કાયદાની કલમ 44 હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની જવાબદારી પૂર્ણ થઈ ગઈ ગણાય જ્યારે એવા કરદાતા કે જેમના માટે ટર્નઓવર મુજબ GSTR 9 તથા GSTR 9C પણ ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી હોય તેમના માટે કલમ 44 હેઠળ વર્ષીક રિટર્ન ભરવાની જવાબદારી ત્યારે જ પૂર્ણ થઈ ગણાય જ્યારે GSTR 9 ઉપરાંત GSTR 9C ભરવામાં આવે. આમ, કોઈ કરદાતા જેમનું ટર્નઓવર 5 કરોડ થી ઉપર હોય અને GSTR 9 C ભરવાની જવાબદારી હોય તેવા સંજોગોમાં કરદાતા દ્વારા GSTR 9C ખાસ ભરી આપવામાં આવે તે જરૂરી છે. જ્યાં સુધી માત્ર 9 ભરવામાં આવ્યું હોય અને 9C ભરવામાં ના આવ્યું હોય ત્યાં લેઇટ ફી ની જવાબદારી ચાલુ રહે છે.
ઉલ્લેખનીય છે કે હાલ જી.એસ.ટી. સેંટરલ નોટિફિકેશન 08/2025, તા 23.01.2025 મુજબ નાણાકીય વર્ષ 2017-18 થી માંડીને નાણાકીય વર્ષ 2022 23 માટેના GSTR 9 C ભરવામાં લેઇટ ફી GSTR 9 ભરાયા બાદની લેઇટ ફી બાબતે મુક્તિ આપવામાં આવેલ છે. આ સર્ક્યુલર હેઠળ મુક્તિ મેળવવા કરદાતા દ્વારા GSTR 9C 31.03.2025 સુધી ભરી આપવા જરૂરી છે. આ અંગે વાત કરતાં જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ પ્રતિક મિશ્રાણી જણાવે છે કે “હાલ, નાણાકીય વર્ષ 2017 18 થી કરદાતાઓને બાકી વ્યાજ અંગેની નોટિસ આપવામાં આવી રહી છે. શક્ય બને કે લેઇટ ફી બાબતે પણ ભવિષ્યમાં નોટિસ આપવામાં આવે. આ વિકટ પરિસ્થિતીથી બચવા જે કરદાતાઓને જે તે વર્ષ માટે GSTR 9C ભરવાની જવાબદારી આવતી હોય તેઓ 9C ભરી આપે તે ઇચ્છનીય છે.” ભવ્ય પોપટ, ટેક્સ ટુડે