ઇન્કમ ટેક્સ “રી એસેસમેંટ” ઉપર અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો કરદાતાની તરફેણમાં મહત્વનો ચુકાદો…

Spread the love
Reading Time: 2 minutes

ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:

નાબકો પ્રોડકટ્સ પ્રા. લી વી. યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ

સલગ્ન કાયદો: ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 (Income Tax)

ચુકાદો આપનાર ફોરમ: અલાહબાદ હાઇકોર્ટ

માનનીય જજ/મેમ્બર: શ્રી સૂર્યપ્રકાશ કેશરવાણીજી, શ્રી જયંત બેનર્જી

કરદાતા વતી વકીલ: શ્રી અભિનવ મલ્હોત્રા,

સરકાર વતી: શ્રી સુદર્શન સિંઘ, શ્રી ગૌરવ મહાજન

ચુકાદા તારીખ: 02.08.2022


કેસની હકીકતો:

  • ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 148A(d) હેઠળ કરદાતા વિરુદ્ધ 30.03.2022 ના રોજ આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
  • આ આદેશ પસાર કરવામાં અધિકારી દ્વારા નોંધવામાં આવ્યું હતું કે કરદાતા દ્વારા 148A(a) ની નોટિસ સામે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી.
  • ખરેખર કરદાતા દ્વારા 29.03.2022 ના રોજ ઓનલાઈન પોર્ટલ ઉપર જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
  • પોતાનો જવાબ રજૂ ના કરવાના કારણે “કુદરતી ન્યાય” ના સિદ્ધાંતોનો ભંગ થયેલ હોય, કરદાતા દ્વારા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્વામાં આવ્યા હતા.

કરદાતા તરફે રજૂઆત:

  • અધિકારીની નોટિસ સામે જવાબ રજૂ થઈ ગયો હોવા છતાં આ જવાબ ધ્યાને લીધા સિવાય આદેશ પસાર કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી.
  • આ આદેશ સુધારવા કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 154 હેઠળની ભૂલ સુધારણા અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી.
  • આ બાબત કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાય.

સરકાર તરફે રાજુઆત:

  • કરદાતાનો જવાબ પોર્ટલ પર અપલોડ થયેલ છે પરંતુ સિસ્ટમમાં રહેલી ખામીના કારણે અધિકારીને આ આદેશ દર્શાવતો ના હતો.
  • ઇન્કમ ટેક્સ અધિકારીઓ માટેની સિસ્ટમ ITBA ઉપર આ જવાબ દર્શાવતો ના હોય અધિકારી જવાબ જોઈ શક્યા ના હતા.
  • કરદાતા દ્વારા દર્શાવવામાં આવેલ “એકનોલેજમેંટ” નકારી શકાય નહીં.
  • અધિકારી દ્વારા એફિડેવિટમાં સ્વીકારવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશમાં કરદાતાનો જવાબ ધ્યાને લેવામાં આવ્યો નથી.

કોર્ટનો ચુકાદો:

    • અવારનવાર કોર્ટ સામે આ પ્રકારે પ્રશ્ન આવી રહ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વતી હાજર વકીલોનો બચાવ સામાન્ય રીતે એ જ રહેતો હોય છે કે આ ક્ષતિઓ કોમ્પ્યુટર-સિસ્ટમ માં રહેલી ખામીઓના કારણે છે અને તેઓના અધિકારીઓ આ બાબતે કશું કરવા અસમર્થ છે.
    • CBDT દ્વારા આ ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવેલ છે અને તેઓ આ સિસ્ટમ ચલાવવા જવાબદાર છે, સિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરવા તેઓ જ જવાબદાર છે.
    • ડિપાર્ટમેંટની પોતાની ભૂલોના કારણે કરદાતાને હેરાન થવું પડે તે યોગ્ય નથી.
    • આ પ્રકારના આદેશથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ થાય છે.
    • આ પ્રકારની ખામીઓના કારણે કરદાતાઓના મનમાં એવી લાગણી ઉદ્દભવે છે કે તેઓને ન્યાય મેળવવો શક્ય નથી.
    • CBDT દ્વારા પોતાની સિસ્ટમની ખામીઓ જલ્દીથી દૂર કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવે છે તથા પોતાના અધિકારીઓમાં જવાબદારી ઊભી થાય તેવા પગલાં લેવામાં આવે તેવી તાકીદ કરવામાં આવે છે.
    • કરદાતાને આ આદેશના બે અઠવાડીયાની અંદર 50000/- નું વળતર પણ સમવાળા તરફથી આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાની રજૂઆતને ધ્યાને લીધા વગર અનેક કિસ્સાઓમાં આદેશ પસાર કરવામાં આવે છે. આ પ્રકારના આદેશ એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હનન કહેવાય તે બાબત ઉપર આ ચુકાદો ખૂબ મહત્વનો છે)    

(આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટ (એડવોકેટ તથા એડિટર-ટેક્સ ટુડે) ના અંગત અર્થઘટન છે. વાંચકોના લાભાર્થે આ ચુકાદો આ લેખ સાથે જોડેલ છે.)

માનનીય અલાહબાદ હાઇકોર્ટનો ચુકાદો વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

WTAX(A)_997_2022 (3)

error: Content is protected !!