જી.એસ.ટી હેઠળ સર્ક્યુલર બહાર પાડી કરવામાં આવ્યા મહત્વના ખુલાસા

Spread the love
Reading Time: 4 minutes

તા. 10.08.2022:

જી.એસ.ટી. કરપ્રણાલી મૂળભૂત રીતે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ બને તેવું સૌ કોઈ ઇચ્છતા હતા. 01 જુલાઇ 2022 થી લાગુ થયેલ જી.એસ.ટી. હેઠળ અસંખ્ય નોટિફિકેશન તથા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા. આ નોટિફિકેશનો તથા સર્ક્યુલરો ના કારણે જ આજે પાંચ વર્ષ પછી જી.એસ.ટી. વધુને વધુ ગૂંચવાડ ભર્યો બની રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના નાણાંમંત્રી સહિતના વ્યક્તિઓથી બનેલ જી.એસ.ટી. કાઉન્સીલ જી.એસ.ટી. અંગે સરકારને સૂચનો આપે છે. આ સૂચનોને ધ્યાને લઈ જી.એસ.ટી.ની અમલવારી કરવા જવાબદાર સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા આ અંગે વિવિધ જાહેરનામા (નોટિફિકેશન) તથા પરીપત્રો (સર્ક્યુલર) બહાર પડે છે. 03 ઓગસ્ટના રોજ CBIC દ્વારા વિવિધ માલ અને સેવાઓ ઉપર જી.એસ.ટી. લાગુ થશે કે નહીં અને થશે તો ક્યાં દરે જી.એસ.ટી. લાગુ થશે તે અંગે પરિપત્ર નંબર 177/09/2022 બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રની મહત્વની બાબતો પર આ લેખમાં સમજણ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.  

આઈસક્રીમ પાર્લર ઉપર જી.એસ.ટી. નો દર:

આઇસ્ક્રીમના વિવિધ ઉત્પાદકો પોતાના દ્વારા ઉત્પાદિત આઇસ્ક્રીમ ઘણીવાર આઇસ્ક્રીમ પાર્લર દ્વારા આઇસ્ક્રીમનું વેચાણ કરતાં હોય છે. આવા આઈસક્રીમ પાર્લર સીધી રીતે કંપનીના હોય અથવા તો અન્ય વ્યક્તિઓ પણ આ પ્રકારના આઇસ્ક્રીમ પાર્લર ધરાવતા કે ચલાવતા હોય છે. આવા આઇસ્ક્રીમ પાર્લરમાં બેઠક વ્યવસ્થા હોય છે જ્યાં બેસી ગ્રાહક આઇસ્ક્રીમ ખાઈ શકે છે. આ આઇસ્ક્રીમ પાર્લર રેસ્ટોરન્ટ ગણી 5% જી.એસ.ટી. લાગુ પડે તેવો ઘણાનો મત હતો. ધાણા કરદાતા આ સેવાને રેસ્ટોરન્ટની સેવા ગણી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધા વગર 5% લેખે જી.એસ.ટી. ભરતા હતા. 06.10.2021 થી CBIC એ સર્ક્યુલર દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આવા આઇસ્ક્રીમ પાર્લર એ રેસ્ટોરન્ટ ગણાય નહીં અને તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા આઇસ્ક્રીમ ઉપર 18 % ના દરે જી.એસ.ટી. લાગુ પડે. આ આઇસ્ક્રીમ પાર્લરને પોતાની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ મળે.  01 જુલાઇ 2017 થી 05.10.2021 સુધી ઘણા કરદાતાઓએ 5% લેખે આ વેચાણ ઉપર જી.એસ.ટી. ભર્યો છે અને પોતાની મોટી ઈન્પુટ જતી કરી છે તેવી રજૂઆત સરકારને મળી હતી. આ પ્રકારના આઈસક્રીમ પાર્લર માટે તેઓને નિયમિત થવાની એક તક આપવામાં આવેલ છે. વેપાર જગતની રજૂઆત સ્વીકારી 01. 07.2017 થી 05.10.2021 ના ગાળા વચ્ચે જે આઇસ્ક્રીમ પાર્લર દ્વારા ઈન્પુટ લીધા સિવાય 5% લેખે જી.એસ.ટી. ભર્યો હશે તેઓ પાસેથી 18% ના દરે વસૂલાત કરવામાં આવશે નહીં. જે આઇસ્ક્રીમ પાર્લર દ્વારા 18 % લેખે જ જી.એસ.ટી. ભરવામાં આવ્યો હોય તેઓને કોઈ રિફંડ મળશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

જિનિંગ કરેલ “બેલ્સ”માં રહેલ કોટન વેરહાઉસમાં સંગ્રહ થાય તે સેવા ઉપર જી.એસ.ટી:

જિનિંગ કરેલ કોટન “બેલ્સ” “વેરહાઉસમાં” (ગોડાઉન) માં સંગ્રહ કરવામાં આવે ત્યારે તેના ઉપર સી.જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 24B હેઠળ કરમુક્તિનો લાભ મળતો હતો. હવે 18.07.2022 થી આ સેવા ઉપર મળતી જી.એસ.ટી.ની કરમુક્તિ પાછી ખેંચવામાં આવેલ છે તેવી સ્પષ્ટા આ સર્ક્યુલરમાં કરવામાં આવી છે.  

“ફાસ્ટ ટેગ” ના હોય તેવી સ્થિતિમાં વધારાનો વસૂલવામાં આવતા ટોલ ટેક્સ ઉપર જી.એસ.ટી. લાગુ પડે?

સી.જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 23 મુજબ રોડ, બ્રિજ ના ટોલ ચાર્જિસ ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં. હાલ ટોલનું કલેક્શન ફાસ્ટ ટેગ દ્વારા જ કરવામાં આવે છે. અમુક સંજોગોમાં કોઈ ગાડી પાસે “ફાસ્ટ ટેગ” ની સુવિધા ના હોય ત્યારે તેઓ દ્વારા મૂળ ટોલ ટેક્સની બે ગણી જેવી અંદાજિત રકમ ચૂકવવી પડતી હોય છે. આ અંગે પ્રશ્ન ઉઠી રહ્યા હતા કે શું આ વધારાના ટોલ ઉપર જી.એસ.ટી.ની કરમુક્તિ મળી રહે? આ અંગે આ પરિપત્રમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ વધારાની ફી પણ “ટોલ ટેક્સ” જ ગણાય અને વધારાની ફી ઉપર પણ જી.એસ.ટી. ની કરમુક્તિ લાગુ પડશે.

શું IFV સારવાર ઉપર જી.એસ.ટી. લાગુ પડે?

IVF જેવી “અસિસ્ટેડ રીપ્રોડકટિવ ટેકનૉલોજિ” (ART) ઉપર જી.એસ.ટી. લાગુ પડે કે તેનો સમાવેશ સી.જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 74 મુજબ કરમુક્ત બને તે અંગે વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આ અંગે આ પરિપત્રમાં સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે IVF એ એક પ્રકારની બીમારીની સારવાર જ ગણાય. આ સેવા એન્ટ્રી 74 માં “હેલ્થ કેર સર્વિસ” ગણાય અને આ IVF ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં તેવી સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવી છે.

શું જમીનનું લેવલ કરાવવું, “ડ્રેનેજ સિસ્ટમ લગાડવી” વી. જેવા જમીન સુધારણાના કાર્યો કર્યા બાદ થતાં વેચાણ ઉપર જી.એસ.ટી. લાગુ પડે?

જમીનના વેચાણ ઉપર જી.એસ.ટી. લાગુ થતો નથી. પરંતુ જમીનનું લેવલ કરાવી, રસ્તા બનાવી, “ડ્રેનેજ સિસ્ટમ લગાડવી” જેવા જમીન સુધારણાના કર્યો કરી જમીન વેચાણ કરવામાં આવે તો તેના ઉપર જી.એસ.ટી. લાગે તેવા ચુકાદા AAR (ઓથોરીટી ફોર એડવાન્સ રૂલિંગ) માં આપવામાં આવ્યા હતા. આ અંગે આ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારે જમીનને સુધારણા કરીને માત્ર જમીન સ્વરૂપે વેચાણ કરવામાં આવે તો જી.એસ.ટી. પરિશિષ્ટ III ની એન્ટ્રી 5 માંજ પડે તેના ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં.

કંપની કરદાતાઓ કઈ પરિસ્થિતીમાં મોટર વિહિકલ” ભાડા ઉપર RCM ભરવા જવાબદાર બનશે?

કોઈ કંપની સિવાયના કરદાતા પાસેથી જ્યારે કંપની “મોટર વિહિકલ” ભાડે લે છે ત્યારે આ ભાડા ઉપર કંપની “રિવર્સ ચાર્જ મિકેનીઝમ” RCM હેઠળ જી.એસ.ટી. ભરવા કંપની જવાબદાર બને છે. આ વ્યવહારો સબંધે પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે આ RCM ની જવાબદારી “ટ્રાન્સપોર્ટેશન ઓફ પેસેંજર સર્વિસ” ઉપર આવે કે “રેંટિંગ ઓફ મોટર વિહિકલ” ઉપર આવે. આ અંગે આ પરિપત્રમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કંપની જ્યારે પોતાના કર્મચારી માટે એક ગામથી બીજા ગામની યાત્રા માટે જ જે સેવા લે તે સેવા “ટ્રાન્સપોર્ટેશન ઓફ પેસેંજર્સ” સેવા ગણાય અને તેના ઉપર કંપનીની RCM ની જવાબદારી આવે નહીં. માત્ર એવા વ્યવહાર કે  જ્યાં કંપની “મોટર વિહિકલ” ભાડા ઉપર લે છે અને આ વાહનો કંપનીની મરજી મુજબ અને તેમના નિયંત્રણ હેઠળ કોઈ પણ સ્થળે લઈ જવા ભાડે રાખવામા આવ્યા હોય છે અને નિશ્ચિત દરે ભાડું મહિના કે દિવસો મુજબ આપવાનું થતું હોય છે તેવા વ્યવહારો “રેંટિંગ ઓફ મોટર વિહિકલ” ગણાય અને આવા ભાડાની રકમ કંપની RCM મુજબ જી.એસ.ટી. ભરવા જવાબદાર બને.

જી.એસ.ટી. હેઠળ આ મહત્વના ખુલાસા આપવામાં આવ્યા છે. આ ખુલાસાઓ પરિપત્ર દ્વારા હોય, આકારણી કરતાં અધિકારીઓ સંપૂર્ણ રીતે બાધ્ય હોય, કરદાતાઓ આ ખુલાસા તથા સ્પષ્ટતાનો લાભ પોતાની આકારણીમાં કરદાતાઓને મળી શકે છે. 

By Bhavya Popat

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 08 ઓગસ્ટ 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!