ઈ ક્રેડીટ લેજરના વપરાશ પર નિયંત્રણ મૂકતા નિયમ ૮૬એ ની કાર્ય પદ્ધતિ નક્કી કરતો માનનીય મદ્રાસ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Spread the love
Reading Time: 3 minutes

 

 

 

By Dhaval Patwa, Advocate

જીએસટી કાયદાની જોગવાઈઓની જટિલતા તથા તેમાં રોજેરોજ કરવામાં આવતાં ફેરફારોને કારણે હવે કાયદાના જુદા જુદા પ્રાવધાનોના અર્થઘટન બાબતે સુપ્રીમ કોર્ટ તથા જુદા જુદા રાજ્યોની હાઇકોર્ટ દ્વારા આપવામાં આવતાં ચુકાદાઓનું મહત્વ વધતું જાય છે. આવા જ ચુકાદાઓ પૈકી હાલમાં જ મે. એચઈસી ઇન્ડિયા એલએલપી. વિ. કમિશ્નર ઓફ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝના કેસમાં માનનીય મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદો મહત્વપૂર્ણ હોઈ તેની ચર્ચા આ લેખમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ ચર્ચા કરતાં પહેલા નિયમ ૮૬એની જોગવાઇઓ તરફ એક નજર કરીએ.

કલમ-૪૯માં ઈલેક્ટ્રોનિક ક્રેડીટ લેજરમાં જમા રકમ અમુક શરતોને આધિન આઉટવર્ડ સપ્લાયના  ભરવાપાત્ર વેરા સામે સરભર કરવા અંગે જણાવવામાં આવેલ છે જેના અનુસંધાને નિયમ ૮૬એમાં જોગવાઈ કરવામાં આવી છે. નિયમ ૮૬એ(૧) માં જણાવ્યા  મુજબ-

જયારે કમિશ્નર અથવા કમિશ્નર દ્વારા અધિકૃત કરવામાં આવેલ અને આસીસ્ટંટ કમિશ્નરથી નીચેની કક્ષાના ન હોય તેવા અધિકારીને માનવાને કારણ હોઈ કે ઈ ક્રેડીટ લેજરમાં જમા કરવામાં આવેલ ઇન્પુટ ક્રેડીટ દગા-છળકપટથી મેળવવામાં આવી છે અથવા નીચેના કારણોસર મળવાને પાત્ર નથી –

૧)     જયારે ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ એવા ઇન્વોઇસ, ડેબીટ નોટ કે કલમ-૩૬ માં જણાવેલ અન્ય દસ્તાવેજ દ્વારા મેળવવામાં આવી હોય કે જે –

  • અસ્તિત્વમાં ન હોઈ એવા અથવા નોંધણી પ્રમાણપત્રમાં દર્શાવેલ સ્થળેથી ધંધો કરતા ન હોઈ તેવા નોંધાયેલ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ હોઈ અથવા
  • માલ અથવા સેવા આપ્યા વગર ઈશ્યુ કરવામાં આવેલ હોય,

૨)     જયારે ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ એવા ઇન્વોઇસ, ડેબીટ નોટ કે કલમ-૩૬ માં જણાવેલ અન્ય દસ્તાવેજ મારફત મેળવવામાં આવી હોઈ કે જેનો વેરો સરકારને જમા કરાવવામાં આવેલ ન હોય,

૩)     જે નોંધાયેલ વ્યક્તિ દ્વારા ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવવામાં આવી હોય તે અસ્તિત્વમાં ન હોય અથવા નોંધણી પ્રમાણપત્રમાં જણાવેલ ધંધાની જગ્યાએથી ધંધાકીય વ્યવહાર કરતો ન હોય,

૪)     જયારે નોંધાયેલ વ્યક્તિ મેળવેલ ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ સંબંધિત ઇન્વોઇસ, ડેબીટ નોટ કે કલમ ૩૬ માં ઉલ્લેખેલ અન્ય દસ્તાવેજ ધરાવતો ન હોય,

 

ત્યારે જે તે અધિકારી લેખિતમાં કારણોની નોંધ કરીને સંબંધિત ઇન્પુટ ટેક્ષ ક્રેડીટની રકમ જેટલી રકમ કલમ-૪૯ મુજબ આઉટવર્ડ સપ્લાય સામે ભરવાપાત્ર વેરાની રકમ સામે સરભર કરવા અથવા ઇન્પુટ ટેક્ષનું રીફંડ લેવા માટે મંજૂરી આપશે નહિ.

ઉપરોક્ત નિયમ ૮૬એમાં સ્પષ્ટ જોગવાઈના અભાવે ખાતા દ્વારા એવું અર્થઘટન કરવામાં આવતું હતું કે માત્ર માનવાને કારણ હોવાથી કારણોની લેખિતમાં નોંધ કરીને કમિશ્નર કે આસીસ્ટંટ કમિશ્નરથી નીચેની કક્ષાના ના હોઈ તેવા અધિકારી દ્વારા ઈ ક્રેડીટ લેજરમાં જમા ક્રેડીટની રકમ બ્લોક કરી શકાય અને એ જ રીતે વેપારીની જાણ બહાર તેમની ક્રેડીટ બ્લોક કરવામાં આવતી હતી.

પરંતુ હાલમાં જ માનનીય મદ્રાસ હાઇકોર્ટે મે. એચઈસી ઇન્ડિયા એલએલપી વિ. કમિશ્નર ઓફ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ, ચેન્નાઈના કેસમાં નિયમ ૮૬એ હેઠળ ક્રેડીટ બ્લોક કરવા માટેની કેટલીક કાર્યપદ્ધતિ નક્કી કરેલ છે. આ કેસમાં આસીસ્ટંટ કમિશ્નર ઓફ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝે ઓશન ફ્રેઇટ ચાર્જીસ (Ocean Freight Charges) પર આઈજીએસટી ન ભરવાના કારણસર પેઢીના ઈ ક્રેડીટ લેજરમાંથી ખોટી રીતે કે વધુ પડતી ક્રેડીટ મેળવવા બદલ રૂ|.૪૭,૩૦,૪૫૭/-ની ક્રેડીટ બ્લોક કરેલ હતી. જેની સામે અરજદાર પેઢીએ મદ્રાસ હાઇકોર્ટમાં રીટ અપીલ કરતાં રજૂઆત કરી કે અધિકારીએ નિયમ ૮૬એની સત્તાના ઉપયોગ થકી પસાર કરેલ આદેશ માટે જરૂરી કારણોની વેપારીને જાણ કરેલ ન હતી.

આ સામે ખાતા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે અરજદાર પેઢીને આ સંદર્ભે માંગણાની દરખાસ્ત કરતી શો કોઝ નોટીસ આપવામાં આવી હતી અને તેના અનુસંધાને અરજદાર તરફથી પોતાનો જવાબ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી ક્રેડીટ બ્લોક કરવા બાબતે  નિયમ ૮૬એ હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી હતી તે યોગ્ય હતી.

બંને પક્ષોની રજુઆતને અંતે કોર્ટે નોંધ્યું કે નિયમ ૮૬એ હેઠળ આપવામાં આવેલી ક્રેડીટ બ્લોક કરવાની સત્તા એ નિયમમાં વર્ણવેલ સંજોગોમાં અધિકારીને આપવામાં આવેલ વિશાળ સત્તા છે પરંતુ આ સત્તાનો ઉપયોગ જયારે અધિકારીને માનવાને કારણ હોય અને નિયમ ૮૬એમાં જણાવેલ સંજોગોની હાજરી હોય ત્યારે જ અને તે પણ કારણોની લેખિત નોંધ કર્યા બાદ જ કરવો જોઈએ. જો નિયમ ૮૬એમાં જણાવેલ સંજોગોમાં માનવાને કારણ ન હોય કે કારણોની લેખિતમાં નોંધ કરવામાં આવેલ ન હોય તો કરવામાં આવેલ આદેશ બિનઅધિકૃત, ગેરકાયદેસર અને  સત્તા બહારનો ગણાય અને તેથી જ જયારે નિયમ ૮૬એના ઉપયોગથી અધિકારીને ક્રેડીટ બ્લોક કરવા માટે માનવાને કારણ હોય અને કારણોની લેખિત નોંધ કરવામાં આવે ત્યારે નિયમ ૮૬એ માં કોઈ સ્પષ્ટ જોગવાઈ ન કરવામાં આવી હોવા છતાં કારણોની લેખિત જાણ વેપારીને કરવી જોઈએ અને તેની સામે ક્રેડીટ બ્લોક ન કરવા અંગે વેપારીને કુદરતી ન્યાયના હિતમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. આ કેસમાં માનનીય મદ્રાસ હાઇકોર્ટે નિયમ ૮૬એ હેઠળ ક્રેડીટ બ્લોક કરવાની કાર્યપદ્ધતિ નક્કી કરતાં ખાતાને આદેશ કર્યો કે નિયમ ૮૬એ હેઠળ ક્રેડીટ બ્લોક કરતી વખતે નોંધેલ કારણોની દિન-૭ માં અરજદારને લેખિતમાં જાણ કરવી તથા આ જાણ કર્યાના દિન-૩માં અરજદારે પોતાના વાંધા રજૂ કરી ક્રેડીટ શા માટે બ્લોક ન કરવાપાત્ર છે તે બાબતે પોતાનો પક્ષ રજૂ કરવો. આ રજૂઆત મળ્યા બાદ જો જવાબથી ઓથોરીટીને સંતોષ થાય તો ક્રેડીટ બ્લોક કરવા અંગેની કાર્યવાહી પડતી મૂકવી જોઈએ અને જો સંતોષ ન થાય તો ક્રેડીટ બ્લોક કર્યા અંગેનો આદેશ કરી કારણોની લેખિતમાં નોંધ કરી ત્યાર પછીના દિન ૭ માં તેની જાણ અરજદારને કરવી.

મિત્રો, હાલમાં ઘણા કેસોમાં નિયમ ૮૬એમાં સ્પષ્ટ જોગવાઈના અભાવે ખાતા દ્વારા વેપારીની જાણ બહાર ક્રેડીટ બ્લોક કરવામાં આવે છે આ સંજોગોમાં માનનીય મદ્રાસ હાઇકોર્ટનો ઈ ક્રેડીટ લેજરમાં જમા રકમના વપરાશને નિયંત્રિત કરતી જોગવાઈને નિયંત્રણમાં રાખતો ઉપરોક્ત ચુકાદો ખૂબ જ આવકારદાયક અને ઉપયોગી સાબિત થશે એવું હાલના તબક્કે જણાય રહ્યું છે.

(લેખક સુરત ખાતે ટેક્સ પ્રેક્ટિસ કરે છે અને જાણીતા કટાર લેખક છે)

error: Content is protected !!