જી.એસ.ટી. પોર્ટલ ઉપર આવ્યા આ મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

તા. 07.07.2021: જી.એસ.ટી. પોર્ટલ ઉપર હાલ અમુક મહત્વના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારો કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ માટે જાણવા ખૂબ જરૂરી છે. અત્યાર સુધી GSTR 1 માં બતાવવામાં આવેલ વેચાણની વિગતો ઓટો પોપ્યુલેટ થતાં GSTR 3B માં આવી જતી હતી. પરંતુ ટેકનિકલ કારણોસર ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓ દ્વારા ભરવામાં આવતા ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી (IFF) નો ડેટા GSTR 3B માં ઓટો પોપ્યુલેટ થતો ના હતો. આમાં હવે સુધારો કરી GSTR 1 ઉપરાંત IFF માં દર્શાવેલ સપ્લાય પણ GSTR 3B માં ઓટો પોપ્યુલેટ થઈ જશે તેવો સુધારો કરવામાં આવ્યો છે. જોકે આ ઓટો પોપ્યુલેટ થતું GSTR 3B આવકારદાયક રીતે એડીટેબલ હોય છે.

આ ઉપરાંત ત્રિમાસિક GSTR-1 પણ જ્યારે NIL ભરવાના હોય ત્યારે SMS દ્વારા ભરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હાલ, આ સુવિધા માત્ર માસિક GSTR 1 માટે ઉપલબ્ધ હતી. આ સુવિધા શરૂ થતાં NIL GSTR 1 ભરવા વાળા કરદાતા માટે સરળતા રહેશે. કરદાતાએ પોતાના મોબાઈલમાંથી  <NIL>_<R1>_ <GSTIN>_<062021> કરવાનું રહેશે જ્યાં _ એટ્લે વચ્ચે જગ્યા અને છેલ્લે 062021 એ ત્રિમાસિકનો છેલ્લો મહિનો અને વર્ષ એમ ગણવાનું રહેશે. જોકે SMS વડે રિટર્ન ભરવાની આ સુવિધા એવા કિસ્સામાં નહીં મળે જ્યાં ત્રિમાસના કોઈ માસ માટે IFF સબમિટ કર્યું હશે પણ ફાઇલ કર્યું હશે નહીં.

આ ઉપરાંત પોર્ટલ ઉપર ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓ કે જેઓના નોંધણી દાખલા રદ્દ કરવાના થતાં હોય તેમના માટે એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસા મુજબ જે કરદાતાના નોંધણી દાખલા કોઈ પણ ત્રિમાસ વચ્ચે રદ્દ કરવાના થતાં હોય તેઓએ પોતાના રિટર્ન સંપૂર્ણ ત્રિમાસ માટે ભરવાના રહેશે. ઉદાહરણ તરીકે કોઈ કરદાતાનો નોંધણી દાખલો 01 મે 2021 થી રદ્દ કરવા પાત્ર હોય તો તેઓએ રિટર્ન તો સંપૂર્ણ ત્રિમાસ માટે ભરવાનું રહેશે. આ પ્રકારે રિટર્ન ભરવાની સુવિધા રદ્દની તારીખથી પછીના મહિનામાં શરૂ કરી આપવામાં આવશે. આમ, 01 મે ના રોજ રદ થયેલ નંબર માટે રિટર્ન ભરવાની સુવિધા 01 જૂનએ શરૂ કરી આપવામાં આવશે. કરદાતાઓએ તથા ટેક્સ પ્રોફેશનલ્સ આ ફેરફારો ધ્યાને લે તે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108