ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા ક્યારેક ફરજિયાત ક્યારેક ફાયદાકારક!!

Spread the love
Reading Time: 4 minutes

By Bhavya Popat

તા. 08.05.2023

મારી પાસે PAN કાર્ડ છે તો શું મારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે? આ પ્રશ્ન દરેક ટેક્સ પ્રોફેશનલ્સને અવારનવાર પુછવામાં આવતો હોય છે. ઘણીવાર વ્યક્તિના મનમાં આ પ્રશ્ન ઉદભવતો હોય પણ યોગ્ય વ્યક્તિને પુછવાના અભાવે આ પ્રશ્ન વ્યક્તિના મનમાં જ રહી જતો હોય છે. આજે આ લેખમાં સામાન્ય લોકોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાને લગતા પ્રશ્નનું સમાધાન કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ક્યારે છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું છે ફરજિયાત??

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યક્તિઓ તથા અમુક સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. વ્યક્તિગત કરદાતા, H U F તથા ટ્રસ્ટ કરદાતાની આવક જો કરપાત્ર મર્યાદાથી વધુ હોય તો તેવા સંજોગોમાં તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે. અત્રે એક બાબત યાદ રાખવી જરૂરી છે કે ઇન્કમ ટેક્સની હાલની મર્યાદા 2,50,000 (અઢી લાખ) ની છે. હા, વ્યક્તિગત (ઈંડિવીડ્યુલ) કરદાતાની આવક 5 લાખ સુધી હોય ત્યાં સુધી એક ખાસ પ્રકારના રિબેટ દ્વારા તેના ઉપર ટેક્સની જવાબદારી આવતી નથી. પણ એ બાબત યાદ રાખવી જરૂરી છે કે 2,50,000/- ઉપર આવક હોય તેવા વ્યક્તિગત, HUF તથા ટ્રસ્ટના કરદાતાઓએ ઇન્કમ ટેક્સ ભરવું ફરજિયાત બની રહેતું હોય છે. આવી રીતે અમુક ખાસ નિયત કરેલ ટ્રસ્ટને છોડતા, અન્ય ટ્રસ્ટ માટે કરપાત્રથી મર્યાદાથી વધુ આવક હોય તો રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે. જ્યારે વ્યક્તિ, HUF કે ટ્રસ્ટ સિવાયના કરદાતા જેવા કે ભાગીદારી પેઢી, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (LLP) તથા કંપની માટે આવક હોય કે ના હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત હોય છે.

ખાસ સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન બને ફરજિયાત   

ઇન્કમ ટેક્સ હેઠળ અમુક ખાસ સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોય છે. નીચેના કોઈ પણ વ્યવહાર કરદાતા દ્વારા હાથ ધરવામાં આવેલ હોય ત્યારે તે કરદાતાની આવક નિયત મુક્તિ મર્યાદાથી ઓછી હોવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું તેના માટે ફરજિયાત બની જાય છે.

  • જ્યારે કોઈ વ્યક્તિ વિદેશમાં કોઈ મિલ્કત ધરાવતા હોય ત્યારે,
  • જ્યારે કોઈ વ્યક્તિ પાસે ભારત બહાર કોઈ બેન્ક એકાઉન્ટમાં સહી કરવાની સત્તા હોય ત્યારે,
  • જ્યારે કોઈ વ્યક્તિના એક કે તેથી વધુ કરંટ ખાતામાં 1 કરોડથી વધુ રકમ બેન્ક ખાતામાં જમા કરવવામાં આવી હોય ત્યારે,
  • જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા બે લાખથી વધુ ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ કરવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં
  • જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા એક લાખથી વધુ ઇલેક્ટ્રીક બિલની વર્ષ દરમ્યાન ચુકવણી કરવામાં આવી હોય ત્યારે,

આમ, ઉપર મુજબના વ્યવહારો કર્યા હોય ત્યારે આવક ઓછી હોવા છતાં પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું છે ફાયદાકારક!!!

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ફરજિયાત હોય ત્યારે તો કરદાતાએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જ જોઈએ, પરંતુ ઘણી વાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત ના હોવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવેલ હોય ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ઉપયોગી થતું હોય છે.

લોન લેવામાં ઇન્કમ ટેક્સ રિટર્નની છે ફાયદાકારક

જ્યારે કોઈ વ્યક્તિ ઘર, ગાડી કે અન્ય કોઈ પણ લોન લેવા કોઈ બેન્ક પાસે જાઈ ત્યારે આ ઇન્કમ ટેક્સ રિટર્ન અતિ ઉપયોગી સાબિત થતું હોય છે. સામાન્ય રીતે બેન્કમાં ત્રણ વર્ષના રિટર્ન માંગવામાં આવતા હોય છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે કરદાતાના ત્રણ વર્ષના આવક ઉપરથી સરેરાશ આવક નક્કી કરી શકાય. આમ, જો નિયમિત રિટર્ન ભરવામાં આવે તો આ પ્રકારે બેન્ક લોન લેવામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ ઉપયોગી બને છે. હાલ, સામાન્ય રીતે માત્ર એક નાણાકીય વર્ષનું રિટર્ન જ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ભરી શકાય છે. હા, અમુક નિયત શરતોને આધીન કરદાતા પાછલા ત્રણ વર્ષોના રિટર્ન પણ અપડેટેડ રિટર્નની જોગવાઈ હેઠળ ભરી શકે છે.

મૂડી ઊભી કરવાંમાં ઇન્કમ ટેક્સ રિટર્ન છે ફાયદાકારક:

ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવામાં આવે તો વ્યક્તિ સારી એવી મૂડી ઊભી કરી શકે છે. આ મૂડી માંથી તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે મિલ્કત ખરીદીમાં, વિવિધ રોકાણ કરવામાં, વિદેશ પ્રવાસો માટે કે અન્ય કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકે છે. ઘણી વાર એવું જાણવા મળતું હોય છે કે પ્રમાણમાં ખૂબ સારી આવક ધરાવતા વ્યક્તિ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરતા હોતા નથી. આ કારણે વાસ્તવિક રીતે તેની પાસે નાણાં ઉપલબ્ધ હોવા છતાં આ નાણાં મૂડી સ્વરૂપે કામ આવી શકતા નથી. આ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવામાં આવે તે જરૂરી છે.

વિદેશાગમન માટે આવકના પુરાવા તરીકે મહત્વનો પુરાવો:

વ્યક્તિ પોતે પોતાના પરિવાર માટે જ્યારે વિદેશ ફરવા કે અભ્યાસ કરવા જવા માટે વિઝા માટે અરજી કરે ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન મહત્વનો પુરાવો સાબિત થતું હોય છે. વ્યક્તિની આવક બાબતે સૌથી વધુ સ્વીકાર્ય પુરાવા તરીકે ઇન્કમ ટેક્સ રિટર્નને માનવમાં આવે છે. વ્યવસ્થિત આયોજન કરીને ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્નના કારણે વિઝાની વિધિ સરળતાથી તથા વધુ સકારાત્મક રીતે પૂરી થઈ શકે છે.

શું PAN હોય એટ્લે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે?

આ પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સને વારંવાર તેઓના અસીલ પૂછતાં હોય છે કે શું PAN ધરાવતા હોય તેવા વ્યક્તિગ્ત કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે??. આ પ્રશ્નનો જવાબ છે “ના”. વ્યક્તિગત કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું એવા સંજોગોમાં જ ફરજિયાત છે જ્યારે તેઓની આવક કરપાત્ર મુક્તિ મર્યાદાથી વધુ હોય. હાલ કરપાત્ર મુક્તિ મર્યાદા 2,50,000 છે. આમ, અઢી લાખથી વધુ આવક હોય તેવા વ્યક્તિગત કરદાતાએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. માત્ર, PAN કાર્ડ હોય એટ્લે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત નથી.

શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ તો વધી જાઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની કનડગત?

ઘણા વ્યક્તિઑના મનમાં આ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવે ત્યારબાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની કનડગત વધી જતી હોય છે. ઘણા કરદાતા એવું પણ માંને છે કે પોતે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું છે એટ્લે તેમના ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ સતત SMS કરી રહ્યું છે. પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી કોઈ કનડગત કરવામાં આવતી નથી. આથી ઊલટું ક્યારેક ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરવાના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની કનડગત કે તપાસની સંભાવના વધુ રહેલી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તથા તેઓની કામ કરવાની પદ્ધતિ એ ખૂબ સરળ છે અને આ પ્રકારનો ડર રાખવાની કોઈ જરૂર રહેતી નથી. હા એક બાબત ચોક્કસ છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું એ ટેક્સ નિષ્ણાંત વ્યક્તિઓનું કામ છે. ઇન્કમ ટેક્સ કાયદા, તેના નિયમો વખતો વખતના પરીપત્રો ધ્યાને લઈ આ રિટર્ન ભરવાનું થતું હોય છે. આમ, વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે ભરવે તે આગ્રહભર્યું છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન “ક્યારે ફરજિયાત ક્યારે ફાયદાકારક” લેખ દ્વારા સામાન્ય લોકોની ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અંગેની જાગરુકતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંગે વાંચકોના કોઈ પ્રશ્ન હોય તો તેઓ adv.bhavyapopat@gmail.com ઉપર ઇ મેઈલ દ્વારા પૂછી શકે છે.

(આ લેખ જાણીતા દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 08.05.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!