વેચનાર પાસેથી વસૂલાતની કાર્યવાહી કર્યા સિવાય ખરીદનારની ક્રેડિટ ના મંજૂર કરવી નથી યોગ્ય: મદ્રાસ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

Important Judgement With Tax Today

M/s.D.Y.Beathel Enterprises Vs. The State Tax Officer (Data Cell),

W.P.(MD)No.2127 of 2021, Madras High Court (Madurai Bench)

Order Dt. 24.02.2021


કેસના તથ્યો:

  • આ કેસમાં 17 રિટ પિટિશન અંગે એક “કોમન ઓર્ડર” પસાર કરવામાં આવેલ છે.
  • તમામ પીટીશ્નરએ નગરકોઈલ એસેસમેંટ સર્કલના જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાઓ છે.
  • તમામ કરદાતાઓ કાચી રબર શીટના વિક્રેતાઓ હતા.
  • તેઓએ ચાર્લ્સ અને તેમના પત્ની શાંતિ પાસેથી માલની ખરીદી કરેલ હતી.
  • વેચનાર ચાર્લ્સ અને શાંતિ પણ આ નગરકોઈલ એસેસમેંટ ક્ષેત્રના જ નોંધાયેલ કરદાતા છે.
  • વેચનાર દ્વારા ભરવામાં આવેલ રિટર્ન પરથીજ ખરીદનાર કરદાતાઓએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી.
  • ત્યારબાદ વેચનાર ચાર્લ્સ અને શાંતિના ધંધાના સ્થળો ઉપર તપાસ કરાતા ડિપાર્ટમેંટને જાણકારી મળી કે તેમના દ્વારા ટેક્સની ભરપાઈ કરવામાં આવેલ નથી.
  • અધિકારી દ્વારા તમામ ખરીદનારાને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી.
  • આ નોટિસનો જવાબ ખરીદનાર કરદાતા દ્વારા એમ આપવામાં આવ્યો હતો કે વેચનારને તમામ ટેક્સ ખરીદનાર દ્વારા ચૂકવી આપવામાં આવ્યો છે.
  • આ જવાબને અમાન્ય ગણી ખરીદનારા કરદાતાઓ ઉપર ટેક્સની રકમનું માંગણું ઊભું કરવામાં આવ્યું હતું.
  • આ માંગણા ના આદેશ સામે કરદાતા દ્વારા આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.

કરદાતા તરફે રજૂઆત

  • વેચનારને ખરીદનાર દ્વારા કરવામાં આવેલ મોટાભાગની ચુકવણી બેન્ક દ્વારા જ કરવામાં આવેલ છે.
  • આ ચુકવણીમાં ટેક્સની રકમ પણ ચૂકવી આપવામાં આવેલ છે.
  • ટેક્સની ચુકવણી વેચનારને કરવામાં આવેલ હોય, ખરીદનારને જવાબદાર ઠેરવી શકાય નહીં.
  • વેચનાર ઉપર બાકી ટેક્સ માંગણા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

સરકાર તરફે રજૂઆત:

  • પીટીશ્નર દ્વારા ટેક્સ ભરપાઈ થયા અંગે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ના હોય, અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશ યોગ્ય છે.
  • કરદાતા તરફે રજૂ કરવામાં આવેલ Sri Vinayaga Agencies Vs. The Assistant Commissioner, CT Vadapalani, 2013 60 VST page 28 ના કેસનો ચુકાદો અગાઉના કાયદા હેઠળ હોય જી.એસ.ટી. હેઠળ લાગુ પડે નહીં.

કોર્ટનો આદેશ:

  • કરદાતા તરફથી રજૂ કરવામાં આવેલ 05.05.2018 ની પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે વેચનારે ટેક્સ ના ભર્યો હોય ત્યારે ખરીદનારની ક્રેડિટ ઓટોમેટિક રિવર્સ કરવાની રહે નહીં.
  • ડિપાર્ટમેંટ દ્વારા પ્રથમ વેચનાર પાસેથી ટેક્સ અંગે ઉઘરાણી કરવાની રહે.
  • ખરીદનારની ક્રેડિટ રિવર્સ કરવાનો વિકલ્પ અધિકારી પાસે ચોક્કસ છે પણ તેનો ઉપયોગ ખાસ સંજોગોમાં કરવાનો રહે છે.
  • આ ખાસ સંજોગોમાં જ્યારે વેચનાર વેપારી મળતો ના હોય, તેણે ધંધો બંધ કરી દીધો હોય, વેચનાર પાસે પૂરતી મિલ્કત ના હોય તેને ગણી શકાય.
  • જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 16 ની જોગવાઈ ધ્યાને લઈએ તો પણ એ બાબત સ્પષ્ટ છે કે ખરીદ વેચાણના વ્યવહાર પૈકી કોઈ પણ એક દ્વારા ટેક્સનું ભારણ ચૂકવવામાં આવ્યું હોવું જરૂરી છે.
  • અત્યારના કેસમાં વેચનાર વિરુદ્ધ ડિપાર્ટમેંટ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
  • 27.10.2020 ના રોજ પસાર કરવામાં આવેલ આદેશ ધ્યાને લેતા અધિકારીઑનું પગલું યોગ્ય જણાતું નથી કે જ્યારે એ બાબત સ્પષ્ટ જ છે કે ખરીદનાર દ્વારા વેચનાર ને ટેક્સની ચુકવણી કરી આપવામાં આવેલ છે ત્યારે માત્ર ખરીદનાર ઉપર આકારણી શું કરવા કરવામાં આવી??
  • આવા કિસ્સામાં વેચનાર વિરુદ્ધ કડક કાર્યવાહી જરૂરી બને છે.
  • સમગ્ર કાર્યવાહીમાં વેચનારને તપાસ માટે પણ બોલાવવામાં આવ્યા ના હતા જે ખૂબ અયોગ્ય કહેવાય.
  • અધિકારીઑ દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે માલનું વહન થયા વગરજ ક્રેડિટ લેવામાં આવેલ છે. આ પ્રકારનો આરોપ હોય ત્યારે વેચનારની ઊલટ તપાસ કરવી અનિવાર્ય બની જાય છે.
  • આમ, આ આદેશ નીચેના એક થી વધુ કારણોથી રદ્દ કરવામાં આવે છે.

                                     સમગ્ર તપાસમાં વેચનાર ચાર્લ્સની તપાસ કરવામાં આવેલ ના હતી.

                                      ચાર્લ્સ સામે રિકવરી પ્રથમ તબક્કે શરૂ ના કરવાના કારણે

  • 27.10.2020 નો આદેશ રદ કરવા ઠરાવવામાં આવે છે અને અધિકારીને રિમાન્ડ કરવામાં આવે છે.
  • નવી તપાસ દરમ્યાન ચાર્લ્સ તથા શાંતિ (વેચનારા) ને સાહેદ તરીકે ઉપસ્થિતિ કરવાના રહેશે.
  • વેચનાર ચાર્લ્સ તથા શાંતિ સામે પણ રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

(સંપાદક નોંધ: આ આદેશ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે ખૂબ મહત્વનો છે. વેચનાર ટેક્સ ના ભારે તો ખરીદનારની ઈન્પુટ નકારવા અંગે ઘણા કિસ્સાઑ જોવા મળતા હોય છે. આ ચુકાદામાં માનનીય મદ્રાસ હાઇકોર્ટ દ્વારા મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે કે જ્યારે આ પ્રકારના કિસ્સા ઉપસ્થિત થાય ત્યારે વેચનાર દ્વારા ટેક્સ ભરવામાં ના આવ્યો હોય ત્યારે તેમના વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી કરવી જરૂરી છે)

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108