હવે જી.એસ.ટી. નંબર મેળવવો નથી એટલો સહેલો!!! શું કામ?? વાંચો આ વિશેષ સમાચાર

Spread the love
Reading Time: 2 minutes

નવા જી.એસ.ટી. નંબર સહેલાઈથી મેળવી કરચોરી કરતાં કરદાતાઓ ઉપર લગામ લગાડવા બહાર પાડવામાં આવી સૂચના

તા. 27.11.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી દાખલો મેળવવાની પદ્ધતિ ખૂબ સરળ બનાવવામાં આવી હતી. આ સરળતા ભારતમાં “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” વધારવામાં મદદ રૂપ બને તે માટે રાખવામા આવી હતી. પરંતુ આ સરળતાનો લાભ “ઈઝ ઓફ ઇવેડિંગ ટેક્સ” માં થઈ રહ્યો હોય તેવી માહિતી બહાર આવી રહી હતી. અવારનવાર જી.એસ.ટી.ની ચોરીના સમાચારો સતત વાંચવા સાંભળવા મળી રહ્યા છે.

આ પ્રકારે જી.એસ.ટી. હેઠળ થતી કરચોરી ડામવા જી.એસ.ટી. નોંધણીની પ્રક્રિયા કડક બનાવવા ઉત્તરોતર પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ 2020 થી આધાર ઓથેન્ટીકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જી.એસ.ટી. નોંધણી આધાર ઓથેન્ટીકેશન વગર કરવામાં આવે તો ધંધાના સ્થળની સ્થળ તપાસ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ અંગે આજે એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

27 નવેમ્બર 2020 ના રોજ બહાર પાડવામાં આવેલ સૂચના નંબર 4/3/2020 મુજબ જે મુજબ ડીપાર્ટમેન્ટને માહિતી મળી છે તે મુજબ 21 ઓગસ્ટ થી 16 નવેમ્બર 2020 સુધીમાં આધાર ઓથેન્ટીકેશન થયા વગર કે ઓથેન્ટીકેશન ફેઇલ થયા હોવા છતાં કરદાતાઓને “ડીમ્ડ રજીસ્ટ્રેશન” સિસ્ટમ દ્વારા આપી દેવામાં આવ્યા છે. આ પ્રકારે આપવામાં આવેલ તમામ નોંધણી દાખલાઑ ને જી.એસ.ટી. નિયમ 25 હેઠળ સ્થળ ખરાઈ કરવા સૂચના આપવામાં આવેલ છે. આ પ્રકારે સ્થળ તપાસ કરતાં અધિકારીને યોગ્ય જણાય તો નિયમ 22 હેઠળ વિધિ કરી આ નોંધણી દાખલા રદ્દ કરવા પણ સૂચન કરવાંમાં આવ્યું છે. જ્યાં સુધી આ કેસોમાં સ્થળ તપાસ કરવામાં ના આવે ત્યાં સુધી આવા કેસો ઉપર નજર રાખવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. એવા કેસો કે જ્યાં જી.એસ.ટી.આર. 3B તથા 1 માં તફાવત જણાય અથવા તો આ પૈકી કોઈ ફોર્મ ભરવામાં ના આવ્યા હોય ત્યારે REG 17 નોટિસ આપી ખુલાસો પૂછવા પણ અધિકારીઓ ને જણાવવામાં આવ્યું છે. આ સૂચના આપવામાં આવી છે ત્યારથી 3 અઠવાડીયાની અંદર આ પ્રકારના તમામ નોંધાયેલ વેપારીના સ્થળની સ્થળ તપાસ કરવા તાકીદ કરવામાં આવી છે. સ્થળ તપાસમાં ઉત્પાદક દ્વારા મશીનરી ખરીદવામાં આવી છે કે નહીં, ધંધાની જગ્યા ધંધાના પ્રકાર તથા ચીજવસ્તુને અનુરૂપ છે કે નહીં, ઇલેક્ટ્રીક બિલની વિગતો, નોકરિયાતની સંખ્યા, મકાન માલિકની વિગતો, ભાગીદારોની વિગતો, બેન્ક KYC જેવી વિગતોની તપાસ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીને યોગ્ય લાગે ત્યાં વેરાના હિત માટે કરદાતાના ઇન્કમ ટેક્સ રિટર્ન, બેન્ક સ્ટેટમેંટ પણ માંગી શકે છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સૂચનામાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે આધાર ઓથેનટીકેશન થયેલ ના હોય તેવા કોઈ પણ કિસ્સામાં “ડીમ્ડ રજીસ્ટ્રેશન” આપવામાં ના આવે તેનું ધ્યાન જવાબદાર અધિકારીઓએ રખવાનું રહેશે.

આ સૂચનાઑથી કરચોરી વત્તા ઓછા પ્રમાણમાં ડામી શકાશે પરંતુ જાણકારો માની રહ્યા છે કે આ વિધિના કારણે નાના કરદાતાઓ વધુ હેરાન થશે. આ અંગે વાત કરતાં CA એસોશીએશન અમદાવાદના ઉપપ્રમુખ અને ટેક્સ ટુડે એક્સપર્ટ CA મોનીષ શાહ જણાવે છે કે માત્ર આધાર ઓથેન્ટીકેશન કરી દેવાથી કરદાતા સાચો બની જાય અને આધાર ઓથેનટીકેશન ના કરી શકે તે કરદાતા ઉપર આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તે યોગ્ય નથી. આ પ્રકારે જો આધાર ઓથેન્ટીકેશન ના કરી શકે તે તમામ કરદાતાઓની સ્થળ તપાસ અધિકારીઓ આ સૂચના પ્રમાણે કરશે તો સામાન્ય લોકો જી.એસ.ટી. નંબર મરજિયાત રીતે લેતા તો ચોક્કસ અચકાશે તેવું લાગી રહ્યું છે.

કરચોરી ડામવા આપવામાં આવેલ આ સૂચનાઑ પ્રમાણિક કરદાતાઓ માટે હેરાનગતિ સાબિતના થાય તે જોવાનું રહ્યું. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

GST Instruction 4/3/2020: Instruction _Verification of deemed registration

 

error: Content is protected !!