હોલમાર્કિંગના નિયમો ફરજિયાત બનાવવા સાથે હોલમાર્કિંગ સેન્ટર વધારવા છે જરૂરી!!

Spread the love
Reading Time: 2 minutes

હોલમાર્કિંગનો નિયમ ક્વોલિટી કંટ્રોલ માટે હોવો જોઈએ, બિઝનેસ કંટ્રોલ માટે નહીં: વેપારી મંડળો

તા. 25.07.2021: ભારત સરકાર દ્વારા સોનાના દાગીના માટે હોલમાર્કિંગના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. હોલમાર્કિંગના કારણે ગ્રાહકોને શુદ્ધ સોનું મળે તે માટેનો આ પ્રયાસ લાંબાગાળે ખરેખર ખૂબ સારો અને ઉપયોગી સાબિત થશે તે ચોક્કસ છે. પરંતુ હાલ આ નવા નિયમો સોનાના વેપાર સાથે જોડાયેલ વેપારીઓ માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી રહ્યાના સમાચારો મળી રહ્યા છે. એક તરફ એવા વેપારીઓ છે કે જે સરકાર દ્વારા હૉલમાર્કિંગ તમામ વેપારીઓ માટે ફરજિયાત બનાવાયું છે તેવી ખોટી માન્યતાના કારણે મોટા પ્રમાણમાં હૉલમાર્કિંગ માટે નોંધણી મેળવી રહ્યા છે તો બીજી બાજુ એવા પણ વેપારીઓ છે જે જાણે છે કે તેમના માટે હોલમાર્કિંગ લેવું સરકારી નિયમો મુજબ ફરજિયાત નથી પરંતુ હરિફાયમાં ટકી રહેવા તેઓ હોલમાર્કિંગ માટે નોંધણી કરાવી રહ્યા છે. આ બાબતે હકીકત એ છે કે હાલ ખૂબ મોટા પ્રમાણમા વેપારીઓ હૉલમાર્કિંગ માટે નોંધણી કરાવી રહ્યા છે. આ વેપારીઓ હોલમાર્કિંગની નોંધણી તો લઈ લેશે પરંતુ તેની સામે હોલમાર્કિંગ સેન્ટરમાં જોઈએ તેટલો વધારો થયો નથી. આમ, હોલમાર્કિંગની નોંધણી ધરાવતા વેપારીઓ જ્યારે પોતાના સોનાના હોલમાર્કિંગ માટે હૉલમાર્કિંગ સેન્ટર ઉપર જશે ત્યારે તેઓને ખૂબ હાડમારી ભોગવવી પડી શકે છે. આ મુશ્કેલી નિવારવા મોટા પ્રમાણમા હૉલમાર્કિંગ સેન્ટર વધારવા જરૂરી છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ અંગે વાત કરતાં ઉના સોની મહાજન મંડળના પ્રમુખ આશિષભાઈ ધકાણ ટેક્સ ટુડેને જણાવે છે કે “હોલમાર્કિંગથી સોનાની શુદ્ધતા અંગે ખરાઈ થઈ રહે તે બાબત ગ્રાહકો અને અમે વેપારીઓ તમામ માટે આવકાર દાયક છે પરંતુ હાલ જે પ્રમાણે હોલમાર્કિંગ સેન્ટરોની સંખ્યા ખૂબ ઓછી હોય, મોટા ભાગે જિલ્લા સ્તરે આ સેન્ટરો આવેલા છે. જ્યારે અમારા જેવા નાના ગામમાંથી આ હોલમાર્કિંગ કરાવવું ખૂબ ખર્ચાળ તથા સમય બગાડનારું સાબિત થઈ રહ્યું છે. અત્યારે અમારો અંદાજ છે કે જો આ પ્રમાણે જ સ્થિતિ રહી તો કદાચ ગ્રાહકોને મજૂરીમાં ગ્રામ દીઠ 200 રૂપિયા જેવો ખર્ચ વધી શકે છે”. આ અંગે વાત કરતાં દીવ જિલ્લા સુવર્ણકાર એસો. ના પ્રમુખ મનોજભાઇ સોની જણાવે છે કે “હાલ સરકાર દ્વારા જે HUID ની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે તેના કારણે અનેક મુશ્કેલી ઊભી થઈ રહી છે. ખરેખર મોટા પ્રમાણમા હોલમાર્કિંગ સેન્ટર વધારવા જરૂરી હોય ત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે હાલ જે હોલમાર્કિંગ સેન્ટર ચાલુ છે તેઓ પણ આ સેન્ટર ચાલુ રાખવા અંગે દ્વિધા અનુભવી રહ્યા છે. આ અંગેના કારણ એ છે કે અગાઉ જ્યાં એક દિવસમાં લગભગ 2500-3000 દાગીનાને હોલમાર્કિંગ કરવું એક સેન્ટર માટે શક્ય હતું તે હવે આ HUID જેવી પદ્ધતિ આવતા માત્ર 250-300 દાગીના હોલમાર્ક કરવા શક્ય બને છે. જે આર્થિક રીતે હોલમાર્કિંગ સેન્ટર કે વેપારી કોઈને પરવડી શકે નહીં. આ HUID ના નિયમોમાં ફેરફાર કરવા ખૂબ જરૂરી છે તેવું અમે માનીએ છીએ”

હોલમાર્કિંગ થકી ગ્રાહકોને શુદ્ધ દાગીના મળે તે બાબતે કરવામાં આવેલ આ નિર્ણય ખરેખર આવકારદાયક છે. પરંતુ આ નિર્ણય સાથે વ્યાવહારિક રીતે વેપારીઓ તથા ગ્રાહકોને પડી રહેલી મુશ્કેલી દૂર કરવા સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. હોલમાર્કિંગના આ નિયમને સફળ બનાવવા જરૂરી છે કે હોલમાર્કિંગ સેન્ટરોની સંખ્યા પણ વધારવામાં આવે અને તાલુકા લેવલે આ સુવિધા ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આ ઉપરણ HUID ના નિયમોને હાલ શરૂઆતના તબક્કામાં હળવા બનાવવામાં આવે તે પણ વેપારીઓની માંગ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!