જેતપુર ખાતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓના માર્કસ ગણવાની પદ્ધતિમાં મહત્વનો સુધારો સૂચવવા અંગે શિક્ષણમંત્રીને આવેદન આપવામાં આવ્યું
ધોરણ 12 ના વિદ્યાર્થીઓમાં એકાઉન્ટ તથા સ્ટેટેસટીક્સ જેવા વિષયો ઉપર વધુ ભારણ આપી વિદ્યાર્થીઓના હિતમાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવા માંગ
તા. 25.06.2021: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશન આપવા માટે જે પ્રમાણે પરિણામ બનાવવાની માર્ગદર્શિકા બોર્ડ દ્વારા આપવામાં આવી છે તેમાં ફેરફાર કરવાની માંગ સાથે એક આવેદન પત્ર શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને કલેક્ટર મારફત આપવામાં આવ્યું છે. આ આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ધોરણ 12 કોમર્સના માર્કસ ગણતરી કરવામાં એકાઉન્ટ તથા સ્ટેટેસ્ટીક્સને વધુ મહત્વ આપવામાં આવે. હાલ જે પ્રમાણે માર્કસ આપવાની પદ્ધતિ સૂચવવામાં આવી છે તેના કારણે વિદ્યાર્થીઓને નુકસાન જાય તેવી શક્યતાઓ આ આવેદનમાં દર્શાવવામાં આવેલ છે. આ ઉપરાંત CBSE બોર્ડ દ્વારા આપવામાં આવેલ માર્કસ આપવા અંગેની માર્ગદર્શિકાને વિદ્યાર્થીઓ માટે વધુ સારી ગણાવી તે પ્રમાણે ગુજરાત બોર્ડની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી માંગ જાગૃત વાલીઓ દ્વારા કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં જેતપુર ખાતેના વિદ્યાર્થીના વાલી અને જાણીતા ટેક્સ એડવોકેટ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે “હાલ જે પદ્ધતિ સૂચવવામાં આવેલ છે તે પદ્ધતિ મુજબ એકાઉન્ટસ તથા સ્ટેટેસ્ટિક્સ જેવા વિષયો સ્કોરિંગ વિષયો ગણાય છે. જ્યારે થીયરી વિષયોમાં માર્કસ સામાન્ય રીતે ઓછા મળતા હોય છે. કોમર્સની મૂલ્યાંકન પદ્ધતિમાં વિજ્ઞાન જેવા વિષયને મહત્વ આપવું કોઈ પણ રીતે યોગ્ય નથી. બંને પ્રકારના વિષયો ને જો સરખું મહત્વ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓના માર્કસ ઘટશે જેથી ભવિષ્યમાં તેઓને તકલીફ થશે. આમ, અમે ગુજરાત સરકારને રાજ્યના વિદ્યાર્થીના હિતમાં મૂલ્યાંકન પદ્ધતિમાં સ્કોરિંગ માર્કસને વધુ મહત્વ આપવાનું સૂચન કર્યું છે. “
ધોરણ 12 ના માર્કસ વિદ્યાર્થીને ભવિષ્યમાં એડમિશન બાબતે મહત્વના સાબિત થતાં હોય છે. હાલની મૂલ્યાંકન પદ્ધતિ મુજબ જો વિદ્યાર્થીઓને નુકસાની જતી હોય તો મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે