બેનામી સંપતિ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો મહત્વનો ચુકાદો!! બેનામી સંપતિના કાયદા અંગે જાણવું છે તમારા માટે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: 4 minutes

માહિતીના અભાવે ઘણા વ્યવહારો એવા થઈ જતાં હોય છે જે વ્યવહારોના કારણે તમારી પ્રોપર્ટી ગણાય શકે છે બેનામી પ્રોપર્ટી !!

તા. 30.08.2022

બેનામી સંપતિ બાબતે હાલ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બેનામી સંપતિ કાયદામાં કરવામાં આવેલ સુધારાની જોગવાઇઓ, સુધારા પહેલાના વ્યવહારો બાબતે લાગુ પડે નહીં તેવો આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા “બેનામી ટ્રાન્સેકશન (પ્રોહીબીશન) એમેંડમેંટ એક્ટ, 2016 લાગુ કરવામાં આવ્યો હતો. આ સુધારા દ્વારા “પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેકશન એક્ટ, 1988” ની જોગવાઇઓમાં મોટાપ્રમાણમા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ સુધારો લાગુ કરવાના કારણમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1988 ના કાયદામાં એવી જોગવાઇઓનો અભાવ હતો જેનાથી બેનામી સંપતિને લગતા વ્યવહારો રોકવા શક્ય ના હતા. હવે આ સુધારા દ્વારા આ કાયદાનો વધુ સાર્થક રીતે અમલ થઈ શકશે તેવું માનવામાં આવી રહ્યું હતું. બેનામી સંપતિને લગતા વ્યવહારો બાબતે દંડ-સજા 1988 થી થયેલ તમામ વ્યવહારો ઉપર લાગુ પડશે તેવી જોગવાઈ આ નવા સુધારેલા કાયદામાં કરવામાં આવી છે. યુનિયન ઓફ ઈન્ડિયા વી. ગણપતિ ડીલકોમ પ્રા. લી ના કેસમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 2016 ના કાયદાની આ જોગવાઈને બંધારણથી વિરુદ્ધની ગણી રદ્દ કરવામાં આવી છે. આમ, આ ચુકાદા પ્રમાણે 1988 થી 2016 વચ્ચેના વ્યવહારોને સુધારેલા કાયદાની જોગવાઈ લાગુ પડે નહીં અને આ વ્યવહારો 1988 ના જૂના કાયદાની જોગવાઈઓ પ્રમાણે જ ગણવાના રહે.

શું છે આ બેનામી સંપતિ?

બેનામી સંપતિ એટ્લે એવી સંપતિ જે બેનામી વ્યવહારો દ્વારા ધારણ કરવામાં આવી હોય.

શું છે બેનામી વ્યવહારો?

બેનામી વ્યવહારોમાં નીચેના વ્યવહારોનો સમાવેશ થાય છે:

  1. એવા વ્યવહારો જ્યાં મિલ્કતની તબદીલી એવી રીતે હાથ ધરવામાં આવેલ હોય જ્યાં મિલ્કત એક વ્યક્તિના નામે ખરીદવામાં આવી હોય અને આ મિલ્કત ખરીદવા અંગેની રકમ અન્ય વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવેલ હોય અને જ્યાં મિલ્કતનો તાત્કાલિક કે ભવિષ્યમાં, સીધી કે આડકતરી રીતે લાભ મિલ્કત ખરીદવામાં રકમ ચૂકવનર વ્યક્તિને મળવાનો હોય.
  2. એવા વ્યવહાર કે જ્યાં મિલ્કતની ખરીદી જ્યારે કોઈ કાલ્પનિક વ્યક્તિના નામે કરવામાં આવેલ હોય. ઉદાહરણ તરીકે “રામભરોસે” કે Mr X જેવા કાલ્પનિક નામો પર થયેલ મિલ્કતની ખરીદી.
  3. એવા વ્યવહાર કે જ્યાં મિલ્કતના માલિક પોતાની મિલ્કત વિશે જાણ નથી અથવા તો આવી મિલ્કતના પોતે માલિક હોવાનું તેઓ નકારે છે.
  4. એવા વ્યવહારો કે જ્યાં મિલ્કત માટેની ચુકવણી કરનાર વ્યક્તિ મળી શકતો નથી અથવા તો આવી વ્યક્તિ કાલ્પનિક હોય.

બેનામી વ્યવહારના આપવાદો:

ઉપર જણાવેલ છે તેમ બેનામી વ્યવહારો દ્વારા ધારણ કરવામાં આવેલ કોઈ પણ મિલ્કત બેનામી સંપતિ ગણાય. ઉપર જણાવેલ બેનામી વ્યવહારોમાં અમુક આપવાદો પણ આપવામાં આવેલ છે જે આપવાદો નીચે મુજબ છે.

  1. જ્યાર કોઈ હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) દ્વારા પોતાના સભ્યોના લાભ માટે કોઈ મિલ્કત કર્તા કે કોઈ અન્ય સભ્યના નામે ખરીદવામાં આવે અને આ મિલ્કત ખરીદીની ચુકવણી HUF ના જાહેર કરવામાં આવેલ આવક માંથી કરવામાં આવેલ હોય ત્યારે આવા વ્યવહાર બેનામી વ્યવહાર ગણાય નહીં.
  2. જ્યારે કોઈ વ્યક્તિ કોઇ કાયદા હેઠળ વિશ્વાસજનક વ્યક્તિ તરીકે કોઈ મિલ્કત ધારણ કરી રહ્યા હોય ત્યારે પણ આવા વ્યવહાર બેનામી વ્યવહાર ગણાય નહીં. ઉદાહરણ તરીકે કોઈ ટ્રસ્ટી પોતાના ટ્રસ્ટ વતી, ભાગીદાર પોતાની ભાગીદારી પેઢી વતી, ડાયરેક્ટર પોતાની કંપની વતી કોઈ મિલ્કત ધારણ કરી રહ્યા હોય ત્યારે પણ આવા મિલ્કત અંગેના વ્યવહાર બેનામી વ્યવહાર ગણાય નહીં.
  • કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથી (પતિ કે પત્ની) કે પોતાના બાળકોના નામે મિલ્કત ખરીદે અને જેની ચુકવણી તે વ્યક્તિ પોતાના જાહેર કરાયેલી આવક માંથી કરે ત્યારે પણ આવા વ્યવહાર બેનામી વ્યવહાર ગણાય નહીં.
  1. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ-બહેન કે સીધી લીટીના વારસદારના નામે કોઈ મિલ્કત ખરીદે અને તેની ચુકવણી પોતે પોતાની જાહેર કરેલી આવક માંથી કરે અને આ મિલ્કતમાં પોતે સહમાલિક હોય તેવા વ્યવહારો પણ બેનામી વ્યવહાર ગણાય નહીં.
  2. જ્યારે કોઈ મિલ્કત માટે “ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ” હેઠળ કબ્જા સાથેનો કરાર કરવામાં આવ્યો હોય અને આ મિલ્કતનો કબ્જો એક વ્યક્તિ પાસે હોય અને માલિકી અન્ય વ્યક્તિ પાસે હોય તેવા કિસ્સામાં આ વ્યવહારો બેનામી વ્યવહારો ગણાય નહીં. પરંતુ આવા વ્યવહારોને લગતા દસ્તાવેજની નોંધણી થયેલી હોવી અને યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરેલી હોય તે જરૂરી છે.

કોણ છે બેનામીદાર તથા “બેનિફીશીયલ ઓનર”??

જે વ્યક્તિ ના નામ પર મિલ્કત ખરીદવામાં આવેલ હોય તે વ્યક્તિ આ કાયદા હેઠળ બેનામીદાર તરીકે ઓળખાય છે. જ્યારે જે વ્યક્તિના હિત તથા લાભ માટે આ મિલ્કત ખરીદવામાં આવેલ છે તે વ્યક્તિ “બેનિફીશીયલ ઓનર” તરીકે ઓળખાય છે.

શું આ કાયદા હેઠળ સ્થાવર તથા જંગમ એમ બન્ને મિલકતોનો સમાવેશ થાય?

હા, આ કાયદા હેઠળ મિલકતોમાં સ્થાવર તથા જંગમ એમ બન્ને મિલ્કતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૌતિક તથા અભૌતિક એમ તમામ મિલ્કતોનો પણ સમાવેશ આ કાયદા હેઠળ થાય છે. ટૂંકમાં કહીએ તો આ કાયદા હેઠળ જમીન, મકાન, દુકાન, ગાડી, ઘરેણાં, રોકાણ, બેન્ક ખાતા, બેન્ક ફિક્સ ડિપોઝિટ, મ્યુચઅલ ફંડ, પેટન્ટ, કૉપીરઈટ વગેરે તમામ મિલ્કતોનો સમાવેશ થઈ જાઈ છે.

બેનામી વ્યવહારો દ્વારા એકત્રિત બેનામી મિલ્કત ઉપર શું અસર પડી શકે છે?

ઉપર જણાવેલ બેનામી વ્યવહારો દ્વારા ખરીદવામાં આવેલ મિલ્કત બેનામી સંપતિ સાબિત થાય ત્યારે આવી મિલ્કત કેન્દ્ર સરકાર દ્વારા જપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત આવા વ્યવહારો જ્યારે કોઈ કાયદાની જોગવાઈથી બચવા અથવા તો લેણદારને રકમ ચુકવણીથી બચવા કરવામાં આવ્યા હોય  તેવું સાબિત થાય ત્યારે બેનામીદાર, બેનિફિશિયલ ઓનર તથા આ કાર્યમાં મદદરૂપ થનાર વ્યક્તિ ઓછામાં ઓછી 1 વર્ષથી માંડી વધુમાં વધુ સાત વર્ષ સુધીની સખ્ત સજા થઈ શકે છે. આ ઉપરાંત આવા વ્યવહારો બદલ મિલ્કતના વ્યાજબી બજાર મૂલ્યના 25% સુધીનો દંડ પણ થઈ શકે છે.

ક્યારેક કાયદાની અજ્ઞાનતાના કારણે થઈ શકે છે મોટી ભૂલ:

ઘણીવાર એવું ધ્યાને આવતું હોય છે કે આ બેનામી વ્યવહારોને લગતા કાયદાની અજ્ઞાનતાના કારણે કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા હોય. ક્યારેક કોઈ વ્યક્તિ પોતાના માતા-પિતા કે ભાઈ બહેનના નામે કોઈ મિલ્કત ખરીદતા હોય છે જેમાં પોતાનું નામ સાથે રાખતા હોતા નથી. આ નાની ગણી શકાય એવી ભૂલ ક્યારેક ભારે પડી શકે છે. ક્યારેક એવું પણ સામે આવતું હોય છે કે કોઈ સ્થાવર મિલ્કત સંદર્ભે કબ્જા સાથેનો કરાર કરવામાં આવ્યો હોય છે પણ આ કરાર રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોતો નથી, આ સમયે પણ આ નાની ભૂલ વ્યક્તિને ક્યારેક મોંઘી પડી શકે છે.

   બેનામી કાયદા હેઠળ યોગ્ય તપાસ કરી તે અંગે નિર્ણય કરવાની સત્તા વિવિધ આયકર સત્તાધિકારીઓની હોય છે. કોઈ મિલ્કત સંદર્ભે બેનામી વ્યવહારો જ્યારે પકડવામાં આવે અને આ વ્યવહારો સાબિત થાય ત્યારે સમગ્ર મિલ્કત કેન્દ્ર સરકાર દ્વારા જપ્ત કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત બેનામીદાર તથા બેનિફિશિયલ ઓનર બન્ને માટે સજા તથા દંડની જવાબદારી ઉદ્દભવી શકે છે. કળા નાણાં દ્વારા ઊભી કરવામાં આવેલ મિલ્કતને તો આ કાયદો ગહન રીતે અસર કરે જ છે પરંતુ ઘણીવાર જાણકારીના અભાવે કરવામાં આવેલ સાચા વ્યવહારો પણ આ કાયદાનો ભોગ બની શકે છે. આમ, આ પ્રકારની મુશ્કેલીથી બચવા આ કાયદાની પ્રાથમિક જાણકારી આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 29.08.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!
18108