કરદાતાઓ સાવધાન!! ખરીદી કે ખર્ચની ચુકવણીમાં વિલંબ પડી શકે છે મોંઘો

Spread the love
Reading Time: 3 minutes

By Bhavya Popat

ઉત્પાદક તથા સેવા પ્રદાતા પાસેથી કરવામાં આવેલ ખરીદી કે ખર્ચ બિલ તારીખથી 15 દિવસમાં કરવી છે ફરજિયાત

તા. 14.02.2023: ભારતીય અર્થતંત્રમાં નાના, મધ્યમ ધંધાકીય તથા સેવા એકમો વિશિષ્ટ મહત્વ ધરાવે છે. આ ધંધાકીય એકમોના હિતોની રક્ષા કરવા MSME એટ્લે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ 2006 લાગુ કરવામાં આવ્યો છે.

ઉત્પાદકોએ તથા સેવા પ્રદાતાઑનો આ કાયદા હેઠળ થાય છે સમાવેશ

MSME કાયદા હેઠળ તમામ ઉત્પાદકો તથા સેવા પ્રદાતાનો સમાવેશ થાય છે. આમ, આ કાયદા હેઠળ તમામ ઉત્પાદકો તથા સેવા પ્રદાતાઓ નોંધણી મેળવી શકે છે. આ કાયદા હેઠળ નોંધણી મેળવવાથી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને મળતા તમામ લાભ મેળવી શકાય છે. ઉત્પાદક સિવાયના માત્ર વેપાર કરતાં વેપારીઓ પણ આ કાયદા હેઠળ નોંધણી મેળવી શકે છે. પરંતુ આ નોંધણીના માત્ર તેમને નીચા દરે બેન્ક લોન મેળવવામાં ઉપયોગી થાય છે. MSME કાયદાના અન્ય લાભો વેપાર સાથે જોડાયેલ વ્યક્તિને ઉપલબ્ધ નથી. 01 જુલાઇ 2020 થી માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝમાં નીચેની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

  માઇક્રો (લધુ) સ્મોલ (નાના) મીડિયમ (મધ્યમ)
રોકાણ 1 કરોડ સુધી 10 કરોડ 50 કરોડ
વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી 50 કરોડ 250 કરોડ

MSME ને મળે છે વિશેષ ધંધાકીય લાભ:

માઇક્રો, સ્મોલ તથા મીડિયમ એન્ટરપ્રાઈઝ અંગે કાયદો લાગુ કરી આ પ્રકારના ધંધાકીય એકમોને વિશેષ લાભ આપવામાં આવ્યા છે. બેન્ક લોનની બાબતે આ કાયદા હેઠળ નોંધાયેલ ધંધાકીય એકમો વિશિષ્ટ દર પર લોન મેળવવા સમર્થ છે. આ ઉપરાંત અમુક નિયત સરકારી ખરીદીમાં પણ આ કાયદા હેઠળ નોંધાયેલ એકમોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ નોંધાયેલ એકમો પાસેથી ખરીદી કરતાં એકમો પાસેથી પોતાના માલ કે સેવા અંગેનું ચૂકવણું નિયત દિવસમાં મેળવવાનો કાયદાકીય હક્ક આપવામાં આવ્યો છે. આ એકમોને મોડુ ચૂકવણું કરનાર ખરીદનાર કાયદા હેઠળ MSME એકમને વ્યાજ આપવા જવાબદાર બને છે.

MSME પાસેથી મેળવેલ માલ અથવા સેવા બાબતે મહત્તમ 45 દિવસમાં કરવાની રહે છે ચુકવણી!!

ઉત્પાદકો તથા સેવા પ્રદાતા પાસેથી કોઈ ખરીદનાર કે સેવા મેળવનાર માલની ખરીદી કરે અથવા તો સેવા મેળવે ત્યારે તેઓ દ્વારા MSME ને આ મેળવેલ માલ કે સેવા સંદર્ભે 15 દિવસમાં ચુકવણી કરી આપવી MSME કાયદા હેઠળ ફરજિયાત છે. MSME તથા માલ ખરીદનાર કે સેવા મેળવનાર વચ્ચે કોઈ ચુકવણી સંદર્ભે કરાર હોય તેવા સંજોગોમાં પણ આ કરાર હેઠળ MSME ને ચુકવણીની મર્યાદા મહત્તમ 45 દિવસમાં નક્કી કરવામાં આવી છે. આમ, કોઈ પણ સંજોગોમાં MSME પાસેથી માલ કે સેવા મેળવનાર વ્યક્તિ 45 દિવસથી વધુ દિવસ સુધી આ MSME એકમનું ચૂકવણું રોકી શકે નહીં.

સેવા પૂરી પાડતા વ્યક્તિઓ પાસેથી લેવામાં આવેલ સેવા સંદર્ભે પણ મહત્તમ 45 દિવસમાં કરવાની રહે છે ચુકવણી

સામાન્ય રીતે સેવા પૂરી પાડતા કરદાતાઓને તેઓની ચુકવણી સમયસર મેળવવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. સેવા પ્રદાતામાં વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, ઇજનેર, એકાઉન્ટન્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સેવા પ્રદાતા જો MSME હેઠળ નોંધણી મેળવેલ હોય તો તેમની પાસેથી સેવા મેળવનાર વ્યક્તિએ તેઓની ફી સમયસર ચૂકવવી ફરજિયાત છે. આવા સેવા પ્રદાતાની ફી સામાન્ય રીતે સેવા મેળવવામાં આવે એટ્લે કે બિલ બનાવવામાં આવે ત્યારથી 15 દિવસમાં કરવી ફરજિયાત છે. પરંતુ આ અંગે કોઈ આંતરિક સમજૂતી હોય તેમ છતાં મહત્તમ 45 દિવસમાં આ ચુકવણી કરવી સેવા મેળવનાર માટે ફરજિયાત છે.

ઉત્પાદકોએ તથા સેવા પ્રદાતાઓને 45 દિવસ પછી કરવામાં આવેલ ચુકવણી પર ફરજિયાત લાગુ પડે છે વ્યાજ

MSME હેઠળ નોંધાયેલ ઉત્પાદકો અથવા તો સેવા પ્રદાતાઓ પાસેથી ખરીદવામાં આવેલ માલ તથા સેવા સંદર્ભે ચુકવણી જો 15 દિવસ કે જ્યાં કોઈ કરાર હોય ત્યાં 45 દિવસ સુધીમાં કરવામાં ના આવી હોય તો આ MSME પાસેથી માલ ખરીદનાર કે સેવા મેળવનારને MSME કાયદા હેઠળ ફરજિયાત વ્યાજ ચૂકવવાનું રહે છે. આ વ્યાજ RBI દ્વારા જાહેર કરવામાં આવેલ બેન્ક રેઇટ થી ત્રણ ગણું ચૂકવવાનું રહે છે. હાલ, MSME ને નિયત સમય કરતાં મોડુ ચૂકવણું કરવામાં આવે ત્યારે 12% જેવુ વ્યાજ માલ ખરીદનાર તથા સેવા મેળવનાર માટે ભરવાપાત્ર રહે છે.

ઇન્કમ ટેક્સ હેઠળ બજેટમાં કરવામાં આવેલ નવી જોગવાઈ મુજબ આ ખરીદી અંગેનો ખર્ચ પણ થાય છે ના મંજૂર

નાણાંમંત્રી નિર્મલા સિથારમણ દ્વારા બજેટ 2023 માં એક વિશિષ્ટ જોગવાઈ કરી એવો ખર્ચ જે કોઈ માલ ખરીદનાર કે સેવા મેળવનાર દ્વારા બાદ માંગવામાં આવ્યો હોય કે જે ખર્ચની ચુકવણી MSME ને MSME કાયદા હેઠળ નિયત સમય સુધી કરવામાં ના આવેલ હોય તેવો ખર્ચ ઇન્કમ ટેક્સ હેઠળ બાદ આપવામાં આવશે નહીં. આ જોગવાઈ અમલમાં આવતા MSME પાસેથી માલ ખરીદનાર કે સેવા મેળવનાર જો તેઓના સપ્લાયરની ચુકવણી સમયસર નહીં કરે તો તેઓ વ્યાજ ભરવા તો જવાબદાર બનશે જ પરંતુ તેઓનો ખર્ચ ઇન્કમ ટેક્સ હેઠળ બાદ પણ નહીં મળે.

વકીલો- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફી સંદર્ભે પણ લાગુ પડે છે MSME કાયદો

વકીલો-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ-એકાઉન્ટન્ટ જેવા સેવા પૂરી પાડતા વ્યક્તિએ જો MSME રજીસ્ટ્રેશન લીધું હોય તો તેઓને પણ આ કાયદા હેઠળ લાભ મળે છે. તેઓ દ્વારા આપવામાં આવેલ સેવાનું બિલ આપ્યાથી 15 દિવસમાં ચુકવણી કરવી સેવા મેળવનાર માટે ફરજિયાત છે. જો આ ચુકવણી સમયસર કરવામાં ના આવે તો સેવા મેળવનાર અસીલ, સેવા પૂરી પાડનાર વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટને વ્યાજ ચૂકવવા જવાબદાર બને છે. આમ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ MSME કાયદા હેઠળ રજીસ્ટર થાય તે ઇચ્છનીય છે.

નાના તથા મધ્યમ એકમોને ઉધારી થી રાહત આપવાનો છે હેતુ

આ પ્રકારની જોગવાઈ MSME કાયદા હેઠળ કરી આવા નાના તથા મધ્યમ એકમોને ઉધારીથી રાહત આપી રોકડ તરલતા આપવાનો હેતુ સરકારનો રહેલો છે. MSME કાયદો ધંધાકીય હરિફાયમાં લઘુ, નાના તથા મધ્યમ એકમો ટકી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. MSME કાયદા હેઠળ જે ઉત્પાદકો સેવા પ્રદાતાઓ રોકાણ તથા ટર્નઓવરની મર્યાદામાં પડતાં હોય તેઓએ MSME નોંધણી મેળવી લઈ MSME કાયદા હેઠળના લાભ લે તે ઇચ્છનીય છે.

(આ લેખ જાણીતા દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 13.02.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!