અપીલ માટેની મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કરદાતાને અપીલ રજૂ કરવા મંજૂરી આપતી મદ્રાસ હાઇકોર્ટ
કરદાતા સામેનો આદેશ જી.એસ.ટી. પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો પણ આ અંગે તેઓને જાણ કરવામાં આવેલ ના હતી
તા. 14.102022: જી.એસ.ટી. હેઠળ કોઈ પણ આદેશ સામે અપીલ કરવાની સામાન્ય મર્યાદા જે તે આદેશ પસાર કર્યાના 90 દિવસની છે. આ 90 દિવસ બાદ વધુ 30 દિવસ કરદાતાને અપીલ “ડીલે કોંડોનેશન” સાથે ફાઇલ કરવાની મુદત આપવામાં આવી છે. આ સમયમર્યાદા બાદ કરદાતા અપીલ ફાઇલ કરી શકતા નથી. મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ પ્રકારના એક કેસમાં કરદાતાને મહત્વની રાહત આપી છે. કેસની વિગતો જોઈએ તો નિર્મલા મેનન કે જેઓ દક્ષ ઓટોના માલિક હતા તેઓ સામે અધિકારી દ્વારા આકારણી આદેશ પસાર કરી અધિકારી દ્વારા માંગણું ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આ માંગણું ઉપસ્થિત કરતો આકારણી આદેશ કરદાતાના જી.એસ.ટી. પોર્ટલના લૉગિનમાં અધિકારી દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ કરદાતાને આ અંગે કોઈ જાણ કરવામાં આવેલ ના હતી. કરદાતા સામે વસૂલાતના પગલાં લેવાની શરૂઆત થઈ ત્યારે તે બાબતે કરદાતાને જાણ થઈ હતી. પરંતુ આ સમયે કરદાતાનો અપીલ કરવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો. કરદાતાએ આ કિસ્સામાં મદ્રાસ હાઇકોર્ટમાં રિટ પિટિશન (રીટ પિટિશન નંબર 24634/2022) ફાઇલ કરી હતી. કરદાતા દ્વારા એવો બચાવ લેવામાં આવ્યો હતો કે તેઓને આ આદેશની કોઈ પણ પ્રકારે જાણ કરવામાં આવેલ નથી. કોર્ટ દ્વારા તમામ તથ્યોને ધ્યાને લઈ કરદાતાને અપીલ ફાઇલ કરવા આદેશ તારીખથી બે અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો હતો. જી.એસ.ટી. કાયદા હેઠળ આદેશ પોર્ટલ ઉપર અપલોડ કરી બજવણીની પદ્ધતિને જી.એસ.ટી. કાયદાની કલમ 169 હેઠળ માન્યતા આપવામાં આવેલ છે. પરંતુ કોઈ પણ આદેશની જાણ કરદાતાને અસરકારક રીતે થાય તે જરૂરી છે. આ બાબત ધ્યાને લઈ ન્યાયના હિતમાં આ કેસમાં કરદાતાને અપીલ અંગેની કાયદાકીય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અપીલ દાખલ કરવા મંજૂરી આપવામાં આવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે