આ કરદાતાઓ માટે સપ્ટેમ્બર મહિનાનું GSTR 3B રિટર્ન છે અતિ મહત્વનુ

Spread the love
Reading Time: 3 minutes

તા. 11.10.2022

By ભવ્ય પોપટ

જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ ક્લેઇમ કરવાંની મુદત 30 નવમ્બર સુધી વધારવામાં આવી છે પરંતુ QRMP નો લાભ લેતા ત્રિમાસિક કરદાતાઓએ આ ક્રેડિટ સપ્ટેમ્બર મહિનામાં લેવી છે અનિવાર્ય

જી.એસ.ટી. હેઠળ રિવાઈઝ રિટર્ન ભરવાની કોઈ સગવડ કરદાતાને આપવામાં આવી નથી. કરદાતા દ્વારા પોતાના દ્વારા થયેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની ચૂક તથા વેચાણની વિગતો દર્શાવવામાં થયેલ ચૂક ત્યાર બાદના GSTR 3B તથા GSTR 1 દ્વારા સુધારી શકાય છે.

શું છે GSTR 3B?

સામાન્ય વેપારીઓ/કરદાતાઓ પોતે પોતાનું જી.એસ.ટી. અંગેનું “કંપલાયનસ” ની કામગીરી પોતાના ટેક્સ એડવોકેટ/CA/ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા કરાવતા હોય છે. ક્યારેક વેપારીઓને GSTR 3B શું છે એ ધ્યાને હોતું નથી. GSTR 3B એ જી.એસ.ટી. કાયદા હેઠળનું પત્રક છે જેમાં વેપારીઓએ પોતાની જી.એસ.ટી. અંગેની આઉટપુટ જવાબદારી દર્શાવવાની રહેતી હોય છે. આ ઉપરાંત આ GSTR 3B દ્વારા પોતાની ખરીદી તથા મેળવેલ સેવાઓ ઉપર લાગેલ ટેક્સની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાની રહેતી હોય છે.

સપ્ટેમ્બર મહિનાના GSTR 3B માં ત્રિમાસિક રિટર્ન ભરતાં કરદાતાઓએ પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી લેવી છે જરૂરી!!

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઑ સિવાયના કરદાતાએ પોતાનું GSTR 3B રિટર્ન પોતાના ટર્નઓવર મુજબ માસિક કે ત્રિમાસિક ભરવાનું રહે છે. આ 3B રિટર્નમાં કરદાતાઓએ પોતાની ખરીદીઓ તથા મેળવેલ સેવાઓ ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાની થતી હોય છે. જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) મુજબ કોઈ નાણાકીય વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા આ ક્રેડિટ જે તે નાણાકીય વર્ષ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના GSTR 3B ભરવાની ડ્યુ ડેઇટ (મુદત) સુધીમાં કલેઇમ કરવાની રહેતી હતી. આ જોગવાઈમાં મહત્વનો ફેરફાર કરી આ મુદત 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આમ, પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા કરદાતા 30 નવેમ્બર પહેલા જે GSTR 3B ભરે તેમાં આ ક્રેડિટ લઈ શકે છે. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2021-22 ના એપ્રિલ મહિનાની ખરીદી (એપ્રિલ-2021) સામાન્ય રીતે એપ્રિલ 2021 ના માસિક GSTR 3B અથવા એપ્રિલ-જૂન 2021 ના GSTR 3B માં ક્લેઇમ કરવામાં આવતી હોય છે. પરંતુ કોઈ કારણસર આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આ સમય દરમ્યાન લેવાની રહી ગઈ હોય તો આ ક્રેડિટ પછીના વર્ષના ભરવામાં આવતા 30 નવેમ્બર સુધીના GSTR 3B માં લઈ શકાય છે. 30 નવેમ્બર સુધી મુદત હોવા છતાં ત્રિમાસિક રિટર્ન કરદાતાઓ માટે જુલાઇથી સપ્ટેમ્બર માટેનું ત્રિમાસિક રિટર્નમાં આ ક્રેડિટ લેવી અનિવાર્ય છે. ત્યાર બાદ ત્રિમાસિક રિટર્ન ભરતાં કરદાતાએ ત્યાર બાદનું ક્વાટર 3 નું  રિટર્ન જાન્યુઆરીમાં ભરવાનું આવે છે. ક્વાટર 3 ના રિટર્ન ભરવામાં આ ક્રેડિટ ક્લેઇમ થઈ શકે નહીં કારણકે આ રિટર્ન 30 નવેમ્બર પછી ભરવામાં આવે છે. આમ, ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે પૂરતી ચકાસણી કરી ક્વાટર 2 એટ્લે કે જુલાઇ થી સપ્ટેમ્બરનું રિટર્ન ભરવામાં આવે તે જરૂરી છે. 30 નવેમ્બર બાદ ફાઇલ કરવામાં આવેલ GSTR 3B દ્વારા પાછલા વર્ષ માટે કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) મુજબ લઈ શકાય નહીં.    

નાણાકીય વર્ષનું વાર્ષિક રિટર્ન ભરતા પહેલા આ ક્રેડિટ ક્લેઇમ કરવી છે જરૂરી:

સામાન્ય રીતે કરદાતા કોઈ નાણાકીય વર્ષ માટેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષના 30 નવેમ્બર સુધી ક્લેઇમ કરી શકે છે. પરંતુ જો કરદાતાએ પોતાનું વાર્ષિક રિટર્ન, GSTR 9, 30 નવેમ્બર પહેલા પહેલા ફાઇલ કરી આપેલ છે તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાની મુદત એ તે વાર્ષિક રિટર્ન ભર્યાની મુદત સુધીમાં જ ક્લેઇમ કરી શકાશે. આ બાબત કરદાતાએ ધ્યાને લેવી ખૂબ જરૂરી છે. આમ, કરદાતાએ પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે સંપૂર્ણ ખાત્રી કર્યા બાદ જ પોતાનું વાર્ષિક રિટર્ન ભરવું હિતાવહ છે. સામાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની મુદત નાણાકીય વર્ષ પછી 31 ડિસેમ્બર રહેતી હોય છે. આમ, વાર્ષિક રિટર્ન ભરવામાં ઉતાવળ ના કરવામાં આવે તે જરૂરી છે.

GSTR -1 માં સુધારો કરવા માટે સપ્ટેમ્બરનું રિટર્ન છે મહત્વનુ:

કરદાતા દ્વારા પોતાની આઉટવર્ડ સપ્લાય (વેચાણો) દર્શાવતુ ફોર્મ GSTR 1, ટર્નઓવર મુજબ માસિક કે ત્રિમાસિક ભરવાનું રહે છે. આ ફોર્મમાં કરવાના થતાં સુધારા બાબતે પણ સપ્ટેમ્બર મહિનો ખૂબ અગત્યનો રહેતો હોય છે. GSTR 1 દ્વારા વેચાણ અંગેની વિગતોમાં સુધારો કરવા માટેની મુદતમાં પણ 30 નવેમ્બર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ ત્રિમાસિક GSTR 1 ભરતાં કરદાતાઓ એ જો કોઈ વેચાણમાં નો સુધારો B2C એટ્લે કે જી.એસ.ટી. નંબર ના ધરાવતા વ્યક્તિ માટે કરવાનું થતું હોય ત્યારે આ સુધારો માત્ર સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિક રિટર્ન સુધી જ થઈ શકે છે. હા, B2B અંગેના ફેરફારો કરવા ની તક 30 નવેમ્બર સુધીના IFF માં મળી શકે છે પરંતુ B2C માટેના ફેરફારો જુલાઇ થી સપ્ટેમ્બરના GSTR 1 માં કરી આપવામાં આવે તે જરૂરી છે. કોઈ વેચાણ B2B હોય અને ભૂલ થી B2C માં દર્શાવવામાં આવ્યું હોય, વેચાણની રકમ ખોટી દર્શવાય ગઈ હોય, વેચાણ ઉપર ક્રેડિટ-ડેબિટ નોટની વિગત ખોટી દર્શાવેલ હોય આ તમામ પ્રકારની ભૂલો સુધારવની તક આ સપ્ટેમ્બર મહિનામાં રહેતી હોય છે. આમ, સપ્ટેમ્બર મહિનાના GSTR 1 ભરવામાં વિશેષ કાળજી લેવી કરદાતા માટે જરૂરી રહેતી હોય છે. જો આ ભૂલો સુધારવની રહી જાય તો કરદાતા તથા તેમના ખરીદનાર ઉપર તેની ગંભીર અસર પડી શકે છે.

જી.એસ.ટી. રિટર્નમાં થયેલ “ક્લેરિકલ” ભૂલ સુધારવા માટે પણ સપ્ટેમ્બર રિટર્ન છે મહત્વનુ:

જી.એસ.ટી. હેઠળ પાછલા નાણાકીય વર્ષના રિટર્ન ભરવામાં કોઈ ટેકનિકલ ભૂલ થયેલ હોય, ક્લેરિકલ ભૂલ થયેલ હોય આ તમામ ભૂલો સુધારવામાં પણ સપ્ટેમ્બરનું રિટર્ન મહત્વનું ગણાય છે. ખાસ કરીને ત્રિમાસિક રિટર્ન ભરતાં કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2021-22 ની ક્લેરિકલ ભૂલ સુધારવા સપ્ટેમ્બર મહિનો અતિ મહત્વનો ગણાઈ છે.

જી.એસ.ટી. હેઠળ સંપ્ટેમ્બરનું ત્રિમાસિક GSTR 1 તથા GSTR 3B રિટર્ન ખૂબ મહત્વ ધરાવે છે. માસિક રિટર્ન ભરતાં કરદાતા માટે હજુ 30 નવેમ્બર સુધી આ સુધારા વધારા કરવાની તક રહેતી હોય છે. આ રિટર્ન ભરવામાં વધુમાં વધુ સાવધાની રાખવી કરદાતા માટે જરૂરી છે. પાછલા નાણાકીય વર્ષના તમામ ફેરફાર આ રિટર્નમાં કરી આપવામાં આવે તો કરદાતાઓને આકારણીમાં સરળતા રહેતી હોય છે. કરદાતાઓ આ અંગેની ગંભીરતા સમજે તે ખાસ જરૂરી છે.       

   

error: Content is protected !!