જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ થવાના કિસ્સામાં આ છે કરદાતા તરફે સૌથી મહત્વનો ચુકાદો

0
Spread the love
Reading Time: 5 minutes

Case Law with Tax Today

G.S.T.

M/s. Aggarwal Dyeing and Printing Works Vs State of Gujarat

Writ Petition no. C/SCA/18860/2021

Date of Order: 24.02.2022


કેસના તથ્યો:


 • અરજકર્તા (રિટ એપ્લિકંટ) માલિકી ધોરણે દઈંગ અને પ્રિંટિંગ ફેબ્રીકના ઉત્પાદનના ધંધા સાથે કાર્યરત હતા.
 • કરદાતા 04.08.2017 ની તારીખથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા હેઠળ નોંધાયેલ હતા.
 • 09.2018 ના રોજ તેઓને કારણ દર્શક નોટિસ (શો કોઝ નોટિસ) આપી સતત છ મહિનાના રિટર્ન ના ભર્યા હોય શું કરવા તેઓનો જી.એસ.ટી. નંબર રદ્દ ના કરવો તે અંગે જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. આ માટે કરદાતા ને 27.09.2018 ના રોજ રૂબરૂ સુનાવણીમાં હાજર થવા જણાવવામાં આવ્યું હતું.
 • આ તારીખ સુધીમાં અરજકર્તા પોતાનો જવાબ રજૂ કરી શક્ય ના હતા અને 30.09.2018 ના રોજ આસી. કમિશ્નર દ્વારા તેઓનો જી.એસ.ટી. નંબર એક તરફી આદેશ કરી 04.08.2017 ની તારીખથી રદ્દ કરી આપવામાં આવ્યો હતો.
 • અરજ્કર્તા દ્વારા કાયદાની આંટીઘૂંટી અંગે ઓછી સમજ હોવા અંગે જણાવવામાં આવ્યું હતું અને આ કારણે તેઓ કાયદા હેઠળની ફરજ ચૂકી ગયાનું પણ જણાવ્યુ હતું.
 • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જ્યારે માફી યોજના (એમ્નેસ્ટી સ્કીમ) બહાર પાડવામાં આવી ત્યારે કરદાતાએ મેન્યુયલ GSTR 3B ભરી લેઇટ ફીના ચલણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
 • અરજ્કર્તા કાયદા હેઠળ રહેલ રિવોકેશનનો વિકલ્પ ચૂકી ગયા હતા.
 • અરજ્કર્તા અપીલ પણ સમયસર દાખલ કરવાનું ચૂકી ગયા હતા.
 • અરજ્કર્તા દ્વારા અંદાજે બે વર્ષ પછી જી.એસ.ટી. કાયદાની કલમ 107 હેઠળ અપીલ દાખલ કરવામાં આવી હતી.
 • આ અપીલ 2 વર્ષ અને 17 દિવસ મોડી હોવાના કારણે અપીલ અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી ના હતી.
 • ત્યારબાદ કરદાતા દ્વારા માનનીય ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવેલ હતી.

સરકાર તરફે રજૂઆત:

 • સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે આ અંગે જી.એસ.ટી. સૉફ્ટવેરમાં ખામી હોય, અને તેના કારણે આવી અસ્પસ્ટ નોટિસ તથા ઓર્ડર અધિકારી દ્વારા આપવા પડે છે. આ અંગેના સુધારા સૂચવતા પ્રસ્તાવ જી.એસ.ટી.એન. ને કરી આપવામાં આવ્યા છે.

કોર્ટનો ચુકાદો:

 • કોર્ટ દ્વારા નોટિસનો અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે આ નોટિસમાં કરદાતાનો નંબર રદ્દ કરવા માટે આપવામાં આવેલ કારણ દર્શક નોટિસમાં કોઈ વિગતવાર વિગતો આપવામાં આવેલ નથી.
 • એટલું જ નહીં અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશમાં પણ કોઈ વિગતો કે કારણો આપવામાં આવેલ નથી પરંતુ માત્ર એક લીટીનો આદેશ કરવામાં આવેલ છે.
 • આ રિટ પિટિશન સ્વીકાર કરતાં સાથે કોતર દ્વારા નોંધવામાં આવેલ હતું કે કરદાતાને આપવામાં આવેલ નોટિસ ખૂબ અસ્પષ્ટ છે તથા અધિકારી દ્વારા કરવામાં આવેલ નોંધણી રદ્દનો આદેશ તો કારણદર્શક નોટિસ કરતાં પણ અસ્પષ્ટ છે.
 • સરકાર દ્વારા કરવામાં આવેલ રજૂઆત સંદર્ભે કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે જો આ અસ્પસ્ટ નોટિસ અને આદેશને કારણ માત્ર જી.એસ.ટી. પોર્ટલ હોય તો અધિકારી દ્વારા અન્ય આદેશો જેવી રીતે મેન્યુયલ (પોર્ટલ વગર) પસાર કરવામાં આવે છે તેવી રીતે પસાર કરવા જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું.
 • આ ઉપરાંત આ અંગેની નોટિસ તથા આદેશ કરદાતાના સરનામા ઉપર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે તે જરૂરી છે.
 • કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે જો ઉપર મુજબ નોટિસ તથા આદેશ કરવામાં આવ્યા હોય તો કોઈ કરદાતા આ અંગેની ફરિયાદ લઈ હાઇકોર્ટ પાસે આવશે નહીં.
 • કોર્ટ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી રદની જોગવાઈ તથા રિવોકેશનની જોગવાઈનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
 • કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદા હેઠળ દરેક પગલાં લેવા માટેના નિયત ફોર્મ હોય, આ ફોર્મમાં જ અને સૂચવેલ પદ્ધતિ મુજબ જ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવે તે જરૂરી છે જે પરંતુ આ પગલાં લેવા સમયે અધિકારી દ્વારા કુદરતી ન્યાયનો સિદ્ધાંત પણ ધ્યાને લેવામાં આવે તે જરૂરી છે.
 • કોર્ટ દ્વારા સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું હતું કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ કોઈ પણ આદેશમાં કારણ એ આદેશનું હ્રદય તથા આત્મા છે. આ આદેશ યોગ્ય રીતે બજાવવામાં ના આવ્યા હોય તો કરદાતાને યોગ્ય તક આપવામાં આવેલ નથી તેમ માનવું પડે.
 • માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા માનનીય સર્વોચ્ચ અદાલતના રવિ યશવંત ભોઇર વી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાઈગઢ, સંત લા ગુપ્તા વી. મોર્ડન કો. ઓપ. ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, અબ્દુલ ગફાર વી. બિહાર રાજ્ય જેવા કેસોનો ઉલ્લેખ કરી સ્વીકારવામાં આવ્યું હતું કે કોઈ પણ નોટિસ કે આદેશમાં વિગતવાર કારણોનો સમાવેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં થાય છે.
 • માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રાંતિ એસોસિએટ વી. મસુદ અહેમદ ખાન (2010) 9 SCC 496 ના કેસમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ આદેશમાં કારણો દર્શાવવા ફરજિયાત છે ખાસ કરીને ત્યારે જ્યારે આ આદેશ કોઈ વ્યક્તિને વિપરીત અસર કરતો હોય. “ક્વાસી જ્યુડિશીયલ” ઓથોરીટી દ્વારા પોતાના આદેશ પસાર કરવામાં કારણો દર્શાવવા ફરજિયાત છે. કારણો દર્શાવવાથી ન્યાય થયો ગણાય તથા ન્યાય થયો છે તેવું ફલિત પણ થાય.
 • માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા માનનીય આંધ્ર પ્રદેશ હાઇકોર્ટનો MRF મજદૂર સંઘ વી. ધ કમિશ્નર ઓફ લેબર, નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
 • ગુજરાત હાઇકોર્ટની પારડીવાલા સાહેબની બેન્ચ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ચુકાદા આ કેસને લાગુ પડે છે.
 • કોઈ પણ કારણ દર્શક નોટિસ આપતા સાથે તેમાં કારણ દર્શાવવા જરૂરી છે. જો આમ ના કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ આ નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ જઈ શકે છે. આ પ્રકારે વિગતો વગરની કારણ દર્શક નોટિસ એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોના પાલન માટે માત્ર ઔપચારિકતા તથા આ સિદ્ધતો માટે આંખમાં ધૂળ નાખવા સમાન ગણી શકાય.
 • આ ઉપરાંત કરદાતા દ્વારા જ્યારે સમય માંગવામાં આવ્યો હતો ત્યારે તે સમય આપવામાં આવ્યો ના હતો.
 • અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ “નોન સ્પીકિંગ” તથા “ક્રિપ્ટિક” (ગુપ્ત) આદેશ છે.
 • ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે આ આદેશ પસાર કરવામાં આવેલ આદેશમાં પ્રસ્થાપિત કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું ના હતું.
 • આ આદેશ રદ્દ થવા પાત્ર છે તથા આ આદેશ પસાર કરનાર વ્યક્તિ ઉપર દંડ કરવા યોગ્ય છે.
 • ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ આદેશમાં અપીલ અધિકારીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે જેમાં અપીલ મોડી હોવાના કારણે “મિકેનિકલી” રદ્દ કરવામાં આવી હતી.
 • અપીલ અધિકારીનું ધ્યાન સુપ્રીમ કોર્ટના યુનિયન ઓફ ઈન્ડિયા વી. જીસસ સેલ્સ કોર્પોરેશન 1996 (4) SCC 69 માં નોંધવામાં આવ્યું છે કે ડીલે કોંડોનેશન માટેની અરજી માટે પણ કરદાતાને યોગ્ય સુનાવણીની તક આપવી જરૂરી છે. કોઈ કાયદામાં આ અંગે સ્પષ્ટ જોગવાઈ ના હોય તો પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ અપીલનો અસ્વીકાર કરવા પહેલા સાંભળવાની તક આપવી જરૂરી છે.
 • સરકારી વકીલને જ્યારે પુછવામાં આવ્યું હતું કે શું કરવા આવી અસ્પસ્ટ નોટિસ તથા આદેશ આપવામાં આવી રહ્યા છે, ત્યારે તેઓ દ્વારા પોર્ટલની ટેકનિકલ ગલિચનું કારણ આપવામાં આવ્યું હતું.
 • આ સામે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડીપારમેંટને આદેશ કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી આ પ્રકારની ટેકનિકલ ગલિચ સુધારવામાં ના આવે, ત્યાં સુધી કારણ દર્શક નોટિસ ફિઝિકલ નોટિસ આપવામાં આવે અને આ નોટિસમાં સંપૂર્ણ કારણો તથા વિગતો કરદાતાને આપવામાં આવે. આ નોટિસ RPAD દ્વારા આપવામાં આવે.
 • આ ઉપરાંત આ નોટિસ બાદ આદેશ પણ સંપૂર્ણ કારણો સાથે પસાર કરવામાં આવે અને આ આદેશ પણ RPAD દ્વારા કરદાતાને બજાવવામાં આવે.
 • આ પદ્ધતિમાં ચૂકને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે, કારણેકે આ કોર્ટમાં આ પ્રકારની અકારણ અનેક કેસો દાખલ કરવામાં આવેલ છે.
 • ઘણીવાર કરદાતાને આદેશમાં જણાવવામાં આવે છે કે કરદાતાના સ્થળ પર કોઈ સ્થળ તપાસ કરવામાં આવેલ હતી અને આ સ્થળ તપાસના કારણે તેઓનો નોંધણી દાખલો રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકારની સ્થળ તપાસની વિગત અંગે નોટિસમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી હોતો.
 • એ બાબત અધિકારી દ્વારા સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે તેઓ જે પુરાવા ઉપર આધાર રાખી કરદાતા વિરુદ્ધ કાર્યવાહી કરવા ધારે છે તે અંગે કરદાતાને નોટિસ દ્વારા જાણ કરવી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જરૂરી છે.
 • ગુજરાત હાઇકોર્ટની પારડીવાલા સાહેબની બેન્ચ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે આ પ્રકારના કુદરતી ન્યાય વગર પસાર કરવામાં આવેલ આદેશોના કારણે કોર્ટમાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતની કોર્ટને ચિતા છે.
 • માત્ર કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર પસાર કરવામાં આવેલ નોંધણી દાખલા રદ્દનો આદેશ રદ ઠરાવવામાં આવે છે અને અરજ્કર્તાની રિટ પિટિશન મંજૂર કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: આ કેસ નોંધણી નંબર રદ્દ કરવાની નોટિસ અને ત્યાર બાદ પસાર કરવામાં આવતા આદેશ બાબતે ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચ દ્વારા પસાર કરવામાં આવેલ સૌથી મહત્વનો કેસ ગણાય છે. ઘણી વાર કરદાતા તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સ અધિકારી પાસે નોંધણી દાખલા રિવોકેશનની કાર્યવાહીમાં હાજર થાય ત્યારે અધિકારી દ્વારા આ પ્રકારનો “ક્રિપ્ટિક” આદેશ હોવા છતાં અનેક અલગ અલગ વિગતો માંગવામાં આવતી હોય છે. આ પ્રકારના આદેશ મૂળભૂત રીતે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ હોય માનનીય હાઇકોર્ટના આ આદેશનો ઉલ્લ્ખ પોતાના જવાબમાં કરી કરદાતાનો બચાવ લેવો જરૂરી છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!