ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝીંટા ઉપર લાદવામાં આવેલ પેનલ્ટી રદ કરતી ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ

ટેકનિકલ કારણોસર અભિનેત્રીને પેનલ્ટી ભરવામાંથી મળી મુક્તિ
તા. 08.09.2021: જાણીતી બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી અને IPL ની ટિમ કિંગ્સ ઇલેવન પંજાબની સહમાલિક પ્રીતિ ઝીંટા ઉપર લાદવામાં આવેલ પેનલ્ટી ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચ દ્વારા દૂર કરવામાં આવી છે. કેસોની વિગત જોઈએ તો અભિનેત્રીએ એક નાણાકીય વર્ષ 2013 14 માં પોતાના નિર્માણ ગુહની એક ફિલ્મ “ઈશ્ક ઇન પેરિસ” માટે લેવામાં આવેલ લોન બાબતે વ્યાજનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ નાણાકીય વર્ષ 2011 12 માં શરૂ કરવામાં આવ્યું હતું અને નાણાકીય વર્ષ 2013 14 માં આ ફિલ્મનું નિર્માણ પૂર્ણ કરવામાં આવેલ હતું. આકારણી અધિકારી દ્વારા નાણાકીય વર્ષ 2013 14 માં લેવામાં આવેલ લોન ઉપરનું વ્યાજ અંશતઃ રીતે નામંજૂર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ વ્યાજ ખર્ચ તરીકે બાદ લેવા બદલે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 271(1)C હેઠળ 57 લાખની પેનલ્ટી પણ કરવામાં આવી હતી.
પ્રીતિ ઝીંટા દ્વારા આ ચુકાદાને પહેલા કમિશ્નર ઓફ અપીલમાં (CIT અપીલ) પડકારવામાં આવ્યો હતો. CIT અપીલ દ્વારા કરદાતાની એટલેકે પ્રીતિ ઝીંટાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની સામે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ દ્વારા CIT અપીલનો આદેશ કાયમ રાખતા જણાવ્યુ હતું કે અધિકારી દ્વારા દંડનો આદેશ પસાર કરતાં પહેલા આપવામાં આવેલ કારણ દર્શક નોટિસ યોગ્ય ગણી શકાય નહીં. આ નોટિસમાં પેનલ્ટી લેવાનું યોગ્ય કારણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું ના હતું. મુંબઈ હાઇકોર્ટના અન્ય ચુકાદાઓને ધ્યાને લઈ ટ્રિબ્યુનલ દ્વારા અભિનેત્રીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. અધિકારી દ્વારા નોટિસ આપવામાં કરવામાં આવેલ ટેકનિકલ ભૂલનો લાભ પ્રીતિ ઝીંટાને મળ્યો હતો અને તેના ઉપર લાદવામાં આવેલ અંદાજે 57 લાખની પેનલ્ટી રદ કરવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.